દિલ્હી પોલીસના સ્પેશલ સેલ (Delhi Police Special Cell) અને ઉત્તર પ્રદેશ એટીએસની ટીમે (Uttar Pradesh ATS Team) જોઇન્ટ ઓપરેશનમાં (Joint Operation) પાકિસ્તાન ટેરર મોડ્યૂલના (Pakistan Terror Module Busted) 6 સંદિગ્ધ આતંકવાદીઓની મંગળવારે ધરપકડ કરી છે. દિલ્હી પોલીસે ધરપકડ કરાયેલા ચાર કથિત આતંકવાદીઓને મંગળવાર મોડી રાત્રે એક જજના ઘરે હાજર કર્યા, જ્યાં તેમને જજે 14 દિવસ પોલીસ રિમાન્ડ પર મોકલી આપ્યા છે. બીજી તરફ, બે કથિત આતંકવાદી જીશાન અને ઓસામાને આજે એટલે કે બુધવારે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. સ્પેશલ સેલના સૂત્રો મુજબ, બંને કથિત આતંકવાદીઓએ ખુલાસો કર્યો છે કે 16 બંગાળી ભાષા બોલનારા અને પાકિસ્તાનથી ટ્રેનિંગ લઈને પરત ફરેલા પશ્ચિમ બંગાળમાં જ છુપાયા હોઈ શકે છે. તેમણે જણાવ્યું કે બંને પૈસા માટે નહીં પરંતુ જેહાદ માટે પાકિસ્તાનમાં ટ્રેનિંગ લેવા માટે ગયા હતા.
ધરપકડ કરાયેલા કથિત આતંકવાદીઓએ ખુલાસો કર્યો કે તેમનો ભીડભાડવાળા વિસ્તારોમાં હુમલો કરવાનો ટાર્ગેટ હતો. તેને લઈને તેઓ અનેક સ્થળની રેકી કરી ચૂક્યા હતા, જ્યારે અનેક સ્થળે રેકી કરવાની હજુ બાકી હતી. તેમાં મુંબઈમાં ભીડભાડવાળી જગ્ય અને ટ્રેન તથા મોટા મંદિર ઉપરાંત ઉત્તર પ્રદેશના અનેક શહેરોના મોટા મેદાન પણ સામેલ હોઈ શકે છે. આ મોટા મેદાનોમાં ચૂંટણી રેલીઓ યોજાવાની હતી. તપાસ એજન્સીઓને આશંકા છે કે ઉત્તર પ્રદેશની ચૂંટણી ટાર્ગેટ હોઈ શકે છે.
પૈસાની લાલચ નથી, જેહાદ માટે ગયા હતા પાકિસ્તાન- કથિત આતંકવાદીઓનો મોટો ખુલાસો
બીજી તરફ, સ્પેશલ સેલના સૂત્રો મુજબ, આતંકી જીશાન અને ઓસામાએ જણાવ્યું કે, અમને પૈસાની લાલચ નથી. માત્ર જેહાદ માટે અમે પાકિસ્તાન ટ્રેનિંગ લેવા ગયા હતા. બંને આતંકવાદીએ જણાવ્યું કે તેમને પાકિસ્તાનમાં ટ્રેનિંગ લેવા દરમિયાન જે ફાર્મ હાઉસમાં રાખવામાં આવ્યા હતા ત્યાં પાકિસ્તાન આર્મીના લોકોએ નકલી નામો અને નકલી હોદ્દાનો ઉપયોગ કર્યો, જ્યારે એક સાદા યૂનિફોર્મમાં બંનેને ફાર્મ હાઉસ પહોંચાડનારા શખ્સ જ અસલી આર્મી ઓફિસર હતો.
બંને કથિત આતંકવાદીએ પૂછપરછમાં ખુલાસો કર્યો કે માત્ર સાદા યૂનિફોર્મવાળા શખ્સને જ ફાર્મ હાઉસમાં સલામી આપવામાં આવતી હતી, જ્યારે પાકિસ્તાની આર્મીના યૂનિફોર્મમાં જે લોકો હતા તેઓ ISIમાં ખૂબ નીચેની રેન્કમાં હતા. તેથી તેઓ યૂનિફોર્મમાં હતા તો પણ કોઈ સલામ નહોતું કરતું. બંનેએ જણાવ્યું કે AK-47, ચાઇનીઝ પિસ્તોલનો ઉપયોગ કેવી રીતે કરવો, IED બનાવવા અને તેને પ્લાન્ટ કરવા તથા જો રેકી કે બોમ્બ પ્લાન્ટ દરમિયાન કોઈ અમારી પર શક કરે તો તેને કેવી રીતે નાના હથિયારથી ઘાયલ કરી ત્યાંથી ભાગી જવું- આ બધાની ટ્રેનિંગ આપવામાં આવી હતી. આ ઉપરાંત ભીડભાડવાળા વિસ્તારમાં જો કોઈ તમારો પીછો કરી રહ્યું હોય તો કેવી રીતે રેસ્ટોરાં કે હોટલમાં જઈને છુપાઈ જવું તેની પણ ટ્રેનિંગ આપવામાં આવી હતી.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર