ઈસ્લામાબાદ : જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir)ને વિશેષ રાજ્યનો દરજ્જો આપનારા બંધારણના આર્ટિકલ 370 (Article 370)ને હટાવ્યા બાદ ભારત-પાકિસ્તાન (India-Pakistan)ની વચ્ચે તણાવ વધતો જઈ રહ્યો છે. જમ્મુ-કાશ્મીર પર પાકિસ્તાનને દુનિયાના કોઈ પણ દેશથી મદદ નથી મળી રહી. આ ઉચાટમાં પાકિસ્તાને વધુ એક પગલું ઉઠાવ્યું છે. એક રિપોર્ટ મુજબ, ઈમરાન સરકારે આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (Jaish-e-Mohammed)ના ચીફ મસૂદ અઝહર (Masood Azhar)ને જેલથી મુક્ત કરી દીધો છે. મસૂદ અઝહર ભારતમાં સંસદ, મુંબઈ, પુલવામા, ઉરી સહિત અનેક હુમલાનો માસ્ટરમાઇન્ડ છે. મસૂદ અઝહરની મુક્તિ બાદ ભારતીય સેના અને સુરક્ષા દળોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.
આ વર્ષે 14 ફેબ્રુઆરીએ જમ્મુ-કાશ્મીરના પુલવામા (Pulwama Attack)માં થયેલા આતંકી હુમલા બાદ પાકિસ્તાને મસૂદ અઝહરની ધરપકડ કરી લીધી હતી. જોકે, ત્યારે પણ ભારતે કહ્યું હતું કે મસૂદ અઝહરની ધરપકડ માત્ર દેખાડો છે. હવે તેની ગુપચુપ મુક્તિથી સ્પષ્ટ થઈ ગયું છે કે પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય દબાણમાં આવીને મસૂદ અઝહરની ધરપકડનું નાટક કર્યુ હતું.
ભારતમાં મોટા હુમલાની તૈયારી
હિન્દુસ્તાન ટાઇમ્સના રિપોર્ટમાં ઇન્ટેલિજન્સ એજન્સી સાથે જોડાયેલા સૂત્રોના હવાલાથી લખવામાં આવ્યું છે કે, પાકિસ્તાન ભારતમાં મોટો હુમલો કરવાની તૈયારીમાં છે. આતંકી હુમલાને અંજામ આપવા માટે જ મસૂદ અઝહરને મુક્ત કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, યૂનાઇટેડ નેશન્સે મસૂદ અઝહરને આ વર્ષે મે મહિનામાં ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, સોમવારે જ FATFની રજિનલ યૂનિટ એશિયા પેસિફિક ગ્રુપ APGની સામે પાકિસ્તાનની રજૂઆત થવાની છે. પાકિસ્તાનની પાસે બ્લેકલિસ્ટ થતાં પહેલા આ છેલ્લી તક હતી, પરંતુ મસૂદ અઝહરને મુક્ત કરીને પાકિસ્તાને પોતાના જ પગ પર કુહાડી મારી દીધી છે.
ભારત ઉપરાંત આ દેશોમાં પણ અઝહર આતંક ફેલાવી ચૂક્યો છે
મસૂદ અઝહરનું સંગઠન જૈશ-એ-મોહમ્મદ ભારત ઉપરાંત અમેરિકા, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને કેનેડામાં પણ પોતાની આતંકી પ્રવૃત્તિઓને અંજામ આપી ચૂક્યું છે. સંયુક્ત રાષ્ટ્ર પહેલા જ આ સંગઠનને બ્લેકલિસ્ટ કરી ચૂક્યું છે, પરંતુ તમામ પ્રતિબંધો બાદ પણ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આ આતંકી સંગઠન વર્ષોથી સક્રિય રહ્યો. મસૂદ અઝહર પોતાની ભારત વિરોધી પ્રવૃત્તિઓ માટે પ્રચલિત છે. વર્ષો સુધી પાકિસ્તાને એ માનવાનો ઇન્કાર કર્યો કે મસૂદ અઝહર તેના દેશમાં છે, પરંતુ હાલમાં જ પાકિસ્તાને એવું સ્વીકાર્યુ કે મસૂદ અઝહરની તબિયત ખરાબ છે અને તે પાકિસ્તાનમાં જ છે.