પાકિસ્તાનના સિંધમાં રાધા-કૃષ્ણ મંદિરમાં તોડફોડ, ઇમરાન ખાને કાર્યવાહીનો આદેશ આપ્યો

વડા પ્રધાન ઇમરાન ખાનના આદેશ બાદ સિંધ સરકાર બાદ તોફાની તત્તવો સામે FIR નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.

ANI દ્વારા પાકિસ્તાનના સમા ટીવીને ટાંકીને પ્રસ્તુત કરાયેલા અહેવાલ મુજબ આ ઘટના રવિવાર રાતની છે. ટીખળખોરોએ મંદિરમાં તોડફોડ કરી ધાર્મિક પુસ્તકો સળગાવ્યા

 • Share this:
  ન્યૂઝ 18 ગુજરાતી: પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આવેલા રાધા-કૃષ્ણના મંદિરમાં અસામાજીક તત્વોએ તોડફોડ મચાવી હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. સમાચાર સંસ્થા ANIના અહેવાલ મુજબ, રવિવારે રાત્રે સિંધ પ્રાંતના ખૈરપુર જિલ્લાના કુમ્બ ગામમાં આવેલા શ્યામ સુંદર સેવા મંડળી સંચાલિત મંદિરમાં તોડફોડ મચાવી અને ધાર્મિક પુસ્તકો સળગાવાયા હતા.

  આ ઘટનાની ગંભીર નોંધ લેતા વડા પ્રધાન ઇમરાન ખાને તાત્કાલિક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા. ઇમરાન ખાને સિંધ ગવર્નમેન્ટને તાત્કાલિક અસરથી કાર્યવાહી કરીને કસૂરવારોને ઝડપી લેવા આદેશ આપ્યો હતો. પ્રાપ્ત અહેવાલ મુજબ ઇમરાન ખાને જણાવ્યું હતું કે આ કુરાનની વિરુદ્ધ છે.

  આ ઘટનાની વિગત એવી છે કે અજાણી વ્યક્તિઓ સાંજે છ વાગ્યાના સુમારે મંદિરમાં પ્રવેશી હતી. તેમણે મંદિરમાં તોડફોડ કરી અને રાધા-કૃષ્ણની મૂર્તિ પાસે ભગવત ગીતા, ગુરૂ ગ્રંથ સાહિબને આગ ચાંપી હતી.

  સ્થાનિક હિંદુ સમાજના લોકોએ આ ઘટનાના પગલે અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધાવી હતી. સ્થાનિકોના મતે મંદિર સુરક્ષિત સ્થળે હોવાથી તેમાં ચોવીસ કલાક મંદિરની ચોકી કરવા કોઈ વ્યક્તિ રાખેલી નહોતી. સમા ટીવીના અહેવાલ મુજબ, સ્થાનિકોએ આ ઘટના બાદ વિરોધ પ્રદર્શનો કર્યા હતા.

  આ ઘટના બાદ પાકિસ્તાન હિંદુ કાઉન્સિલ દ્વારા હિંદુ મંદિરોની સુરક્ષા માટે વિશેષ ટાસ્ક ફોર્સની માંગ કરી છે. તેમમે કહ્યું, “આ પ્રકારની ઘટનાઓ ધાર્મિક અશાંતિ સ્થાપવા માટે કરવામાં આવી છે. ઘટનાના પગલે હિંદુ સમાજ આઘાતમાં છે. ”

  પાકિસ્તાનની કુલ વસ્તીમાં બે ટકા હિંદુઓનો સમાવેશ થાય છે. પાકિસ્તાનમાં સૌથી વધારે હિંદુઓ સિંધ પ્રાંતમાં જ વસે છે અને સ્થાનિક રાજકારણમાં પણ મહત્ત્તવપૂર્ણ ભાગ ભજવે છે.
  Published by:Jay Mishra
  First published: