અમેરિકા અને પાકિસ્તાન વચ્ચે વણસી રહેલા સંબંધો વચ્ચે પાકિસ્તાનના વડાપ્રધાને અમેરિકાના જોન એફ કેનેડી એરપોર્ટ પર સઘન સુરક્ષા તપાસમાંથી પસાર થવું પડ્યું હતું. પાકિસ્તાનના વડાપ્રધાન શાહિદ ખકાન અબ્બાસી અમેરિકાના પ્રવાસે ગયા હતા. આ દરમિયાન તેમણે અપમાનજનક સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો.
પાકિસ્તાનની ન્યૂઝ ચેનલોએ આ અંગેનો વીડિયો ખૂબ આક્રમકતાથી બતાવ્યો છે. આ વીડિયોમાં જોન એફ કેનેડી એરપોર્ટ પર પીએમ શાહિદ ખકાન અબ્બાસી સામાન્ય નાગરિકની જેમ કપડાં ઉતારીને ચેકિંગ કરાવતા નજરે પડી રહ્યા છે. આ બનાવ ત્યારે સામે આવ્યો છે જ્યારે અમેરિકાની ટ્રમ્પ સરકાર પાકિસ્તાન પર વિઝા બેન લગાવવાનો વિચાર કરી રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમેરિકા પાકિસ્તાનના અધિકારીઓ પર પણ અમુક પ્રકારના પ્રતિબંધ લગાવી શકે છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાનના વડાપ્રધાન પીએમ અબ્બાસી ગયા અઠવાડિયે પોતાની બીમાર બહેનને મળવા માટે ખાનગી પ્રવાસના ભાગરૂપે અમેરિકા ગયા હતા. જોકે, આ દરમિયાન તેઓ અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ માઇક પેન્સને પણ મળ્યા હતા. જોકે, પાકિસ્તાનનું મીડિયા કહી રહ્યું છે કે ખાનગી પ્રવાસ દરમિયાન પણ આવા પ્રકારની તપાસ કરવામાં આવે તે અપમાનજનક છે.
પાકિસ્તાની ટીવી એન્કરનું કહેવું છે કે દેશના વડાપ્રધાન પાસે ડિપ્લોમેટિક પાસપોર્ટ છે, એવામાં ખાનગી પ્રવાસ જેવી કોઈ વસ્તુ નથી હોતી.
પાકિસ્તાનના પીએમના ચેકિંગના પહેલા અમેરિકાએ સાત પાકિસ્તાની કંપનીઓને પરમાણુ ઉપકરણોના વેપાર કરવાની શંકાના આધારે બેન કરી દીધી હતી. કહેવામાં આવી રહ્યું છે કે અમેરિકા પાકિસ્તાન પર વિઝા બેનથી લઈને અનેક પ્રતિબંધ મૂકવા જઈ રહ્યું છે.
નોંધનીય છે કે આ પહેલા ટ્રમ્પ સરકારે આશરે 25.5 કરોડ ડોલરની સહાય એવું કહીને અટકાવી દીધી હતી કે પાકિસ્તાને આતંકવાદ સામે વધારે કડક પગલાં ભરવા પડશે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર