ઇસ્લામાબાદ: પાકિસ્તાન સરકારે (Pakistan government) ભારત સરકાર સાથે ફરીથી વેપારી સંબંધો સ્થાપિત કરવા માટે પ્રયાસ શરૂ કરી દીધા છે. આ માટે બુધવારે મંજૂરી આપી દેવામાં આવી છે. આર્થિક બાબતો અંગે પાકિસ્તાનની કેબિનેટ સિમિતિએ 30 જૂન, 2021 સુધી ભારતમાંથી કપાસની આયાત (Cotton import) કરવાની મંજૂરી આપી છે. પાકિસ્તાન સ્થાનિક સ્તરે કપાસનું ઓછું ઉત્પાદન (Cotton production in Pakistan) થવાના અંદાજ બાદ પાકિસ્તાને ભારતમાંથી કપાસની ખરીદીની છૂટ આપી છે. પાકિસ્તાનમાં આ વર્ષે કપાસનું 30 વર્ષનું સૌથી ઓછું ઉત્પાદન થશે.
જોકે, આ મામલે ભારત તરફથી કોઈ અધિકારિક પ્રતિક્રિયા આપવામાં નથી આવી. ભારતે ઓગસ્ટ 2019માં જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 રદ કરીને જમ્મુ-કાશ્મીર રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વહેંચી દીધા બાદ પાકિસ્તાને ભારત સાથે વેપારી સંબંધો તોડી નાખ્યા હતા.
બીજી તરફ બંને પરમાણું સંપન્ન દેશ વચ્ચે ફેબ્રુઆરી મહિનાથી સંબંધો ફરીથી પાટા પર આવી રહ્યા છે. બંને દેશોએ કાશ્મીરમાં નિયંત્રણ રેખા અંગે વર્ષ 2003માં કરેલા સંઘર્ષ વિરામ કરાર પર એક સંયુક્ત નિવેદન જાહેર કર્યું હતું. આ પહેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ભારતમાં તેમના સમકક્ષ નરેન્દ્ર મોદીને એક પત્ર લખીને કહ્યુ હતુ કે, જમ્મુ-કાશ્મીર સહિત લાંબા સમયથી વણઉકેલાયેલા મુદ્દાઓના સમધાન માટે સાર્થક અને પરિણામલક્ષી વાતચીત માટે અનુકૂળ માહોલ બનાવવો જરૂરી છે.
ખાને આ પત્ર પાકિસ્તાન દિવસના પ્રસંગે ગત અઠવાડિયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી મોકલવામાં આવેલી શુભેચ્છાના જવાબમાં લખ્યો હતો. મોદીએ પોતાના પત્રમાં લખ્યું હતું કે, તેઓ પાકિસ્તાન સાથે સૌહાર્દપૂર્ણ સંબંધોની આકાંક્ષા કરે છે, પરંતુ વિશ્વાસનું વાતાવરણ, આતંક અને વેર રહિત માહોલ 'અનિવાર્ય' છે.
વડાપ્રધાન મોદીના જવાબમાં ખાને તેમનો આભાર વ્યક્ત કરતા કહ્યુ કે, પાકિસ્તાનના લોકો ભારત સહિત તમામ પાડોશી દેશો સાથે શાંતિપૂર્ણ અને સહકારભર્યાં સંબંધની આકાંક્ષા રાખે છે. આતંકમુક્ત માહોલ અંગે ખાને કહ્યુ કે, શાંતિ ત્યારે જ શક્ય છે જો કાશ્મીર સહિત લાંબા સમયથી પડતર મુદ્દાઓનું સમાધાન થાય.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર