જમ્મુ અને કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવ્યા બાદથી ઉકળી ઉઠેલા પાકિસ્તાને હવે ભારતની સાથે વાતચીતની રજૂઆત કરી છે. છેલ્લા થોડાક દિવસોથી યુદ્ધ અને પરમાણુ યુદ્ધની બોદી ધમકીઓ આપી રહેલા પાકિસ્તાનની શાન ઠેકાણે આવતી લાગી રહી છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ કહ્યું કે પાકિસ્તાને ક્યારેય દ્વિપક્ષીય સ્તરે ભારતની સાથે વાતચીતના વિચારનો વિરોધ નથી કર્યો. કુરૈશીએ કહ્યું કે, અમે ક્યારેય વાતચીત માટે ના નથી પાડી, જોકે અમે ભારત દ્વારા ઊભા કરવામાં આવેલા માહોલમાં વાતચીતની શક્યતા નથી લાગતી.
આ મુદ્દે બહારના હસ્તક્ષેપ વિશે વાત કરતાં કુરૈશીએ કહ્યું કે, આ મુદ્દા પર કોઈ પણ બહારના હસ્તક્ષેપની ખૂબ સરાહના કરવામાં આવશે.
કાશ્મીરના નેતાઓની મુક્તિની કરી માંગ
કુરૈશીએ ભલામણ કરી કે, જમ્મુ-કાશ્મીરમાં ધરપકડ કરાયેલા રાજનેતાઓની મુક્તિ બાદ રાજકીય નેતૃત્વ દ્વારા ભારતની સાથે વાતચીત શરૂ કરી શકાય છે, જેમાં કહેવામાં આવ્યું છે કે કાશ્મીર મુદ્દે ત્રણ પક્ષ પાકિસ્તાન, ભારત અને કાશ્મીરના લોકો છે.
કુરૈશીએ કહ્યું કે, કાશ્મીરી નેતાઓને મુક્ત કરવામાં આવે તો વાતચીત થઈ શકે છે. મને તેમને મળવાની મંજૂરી આપવી જોઈએ જેથી હું તેમની સાથે સંવાદ થઈ શકે. વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું છે કે તેમની સરકારે ભારતની સાથે કોઈ પણ પ્રકારની વાતચીતની પહેલા કરવાનું બંધ કરી દીધું છે, તેમનો દાવો છે કે જમ્મુ-કાશ્મીરમાં ભારતના નિર્ણયથી બંને પરમાણુ શક્તિઓની વચ્ચે પૂર્ણ ટક્કર થઈ શકે છે.
ઈમરાન ખાને કહ્યું હતું, કોઈ વાતચીત નહીં
આ પહેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ભારત સાથે વાત કરવાનો કોઈ અર્થ નથી. મારો મતલબ છે, મેં બધું જ કરી જોયું. દુર્ભાગ્યથછ, હવે જ્યારે હું પાછળ વળીને જોઉં છું, તો શાંતિ અને સંવાદ માટે હું જે કરી રહ્યો હતો, મને લાગે છે કે તેઓએ તેને તુષ્ટીકરણ માન્યું.
એક લેખમાં ઈમરાને કહ્યું હતું કે, જો ભારત જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જાને હટાવવાનો નિર્ણય પલટી દે છે, પ્રતિબંધો ખતમ કરે છે અને પોતાની સેનાને પરત બોલાવે છે ત્યારે જ તેમની સાથે વાતચીત થઈ શકે છે. ઈમરાને કહ્યું કે, કાશ્મીર પર સંવાદમાં તમામ પક્ષકાર ખાસ કરીને કાશ્મીરી સામેલ થવા જોઈએ.