લાહોર: પાકિસ્તાનના લાહોર શહેરમાં રવિવારે એક મૉડલની હત્યા (Pakistan model killed) કરાયેલી લાશ મળી આવી છે. મૉડલ લાહોરના ડિફેન્સ વિસ્તારમાં આવેલા પોતાના ઘરે મૃત હાલતમાં મળી આવી હતી. પોલીસ હાલ મૉડલ નાયબ નદીમ (Nayab Nadeem)ની હત્યા મામલે વધારે તપાસ કરી રહી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે 29 વર્ષીય મૉડલની હત્યા ગળું દબાવીને કરવામાં આવી છે. હત્યા પહેલા અજાણ્યા લોકોએ તેણીને પ્રતાડિત કરી હતી. મૉડલ પોતાના ઘરે એકલી જ રહેતી હતી. આ મામલે પોલીસને નજીકના મિત્રો પર શંકા છે. હત્યા બાદ હત્યારો ઘરના પાછળના ભાગેથી ફરાર થઈ ગયો હતો. એફએસએલની ટીમ પણ આ મામલે તપાસ કરી રહી છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે હત્યારો મૉડલનો સેલફોન પોતાની સાથે લઈ ગયો છે. હત્યા બાદ તે ઘરના પાછળના ભાગમાંથી ફરાર થઈ ગયો હતો. મૉડલના ફોન કૉલની તપાસ બાદ પોલીસે તેણીના નજીકના મિત્રોને તપાસમાં સામેલ કર્યાં છે.
પોલીસે આ મામલે ખુલાસો કર્યો છે કે મૉડલનો મૃતદેહ ઘરમાં જમીન પર પડ્યો હતો. મૉડલની હત્યા ગળું દબાવીને કરવામાં આવી છે. મૃતક મૉડલ તાજેતરમાં દુબઈથી લાહોર પરત ફરી હતી.
પોલીસે પોસ્ટ મોર્ટમ બાદ મૉડલનો મૃતદેહ તેમના સંબંધીઓને સોંપી દીધો છે. જિયો ટીવીના જણાવ્યા પ્રમાણે પોલીસે જણાવ્યું છે કે શંકાસ્પદ વ્યક્તિએ મૉડલની હત્યા બાદ તેને દુષ્કર્મ અને હત્યાના કેસમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો.
પોલીસને હાલ નાયબના પિતરાઈ ભાઈ મોહમ્મદ અલીની ફરિયાદના આધારે કેસ દાખલ કર્યો છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, મોહમ્મદ અલી જ્યારે તેણીને મળવા આવ્યો ત્યારે તેનો મૃતદેહ ઘરની અંદર જમીન પર પડ્યો હતો.