ઇમરાન ખાનની હત્યાનો પ્રયાસ 'સુયોજિત કાવતરું' હતું, JITએ સમગ્ર પ્લાનનો કર્યો ખુલાસો
પાકના પૂર્વ PM ઈમરાન ખાનની રેલીમાં ફાયરિંગ મામલે ખુલાસો
પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાનની હત્યાના પ્રયાસમાં ગોળીબારની તપાસ કરી રહેલી JITએ તેને સુનિયોજિત કાવતરું ગણાવ્યું છે. આરોપીઓની પૂછપરછ બાદ ષડયંત્રનો મામલો સામે આવ્યો છે. લાહોરથી લગભગ 150 કિમી દૂર વજીરાબાદ વિસ્તારમાં તેઓ એક કન્ટેનર ટ્રક પર ઉભા રહીને રેલી કાઢી રહ્યા હતા, ત્યારે ગોળી ચલાવવામાં આવી હતી. જણાવી દઈએ કે, તેઓ ત્યારે મધ્યસત્ર ચૂંટણીની માંગ સાથે ઈસ્લામાબાદ તરફ કૂચનું નેતૃત્વ કરી રહ્યા હતા.
લાહોર: ગયા મહિને ઈસ્લામાબાદની કૂચ દરમિયાન પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાન પર હત્યાનો પ્રયાસ એક 'સુયોજિત કાવતરું' હતું. આ દાવો કેસની તપાસ કરી રહેલી જોઈન્ટ ઈન્વેસ્ટિગેશન ટીમ (JIT) દ્વારા કરવામાં આવ્યો છે. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના અધ્યક્ષ ઈમરાન ખાન પર 3 નવેમ્બરના રોજ હુમલો કરવામાં આવ્યો હતો.
જણાવી દઈએ કે, લાહોરથી લગભગ 150 કિમી દૂર વજીરાબાદ વિસ્તારમાં તે કન્ટેનર ટ્રક પર ઉભા હતા, ત્યારે ગોળી ચલાવવામાં આવી હતી. તેઓ તે સમયે મધ્યસત્ર ચૂંટણીની માંગ સાથે ઈસ્લામાબાદ તરફ કૂચનું નેતૃત્વ કરી રહ્યા હતા. આ ગોળીબાર બે વ્યક્તિ દ્વારા કરવામાં આવી હતી. જેમાં તેમના પગમાં એક ગોળી વાગી હતી.
લાહોરના પોલીસ વડા ગુલામ મેહમૂદ ડોગરની આગેવાની હેઠળની JIT તપાસના તારણો મીડિયા સાથે શેર કરતા, પંજાબના ગૃહ પ્રધાન ઉમર સરફરાઝ ચીમાએ સોમવારે કહ્યું કે, ખાન પર બંદૂકનો હુમલો "સંગઠિત અને પૂર્વ આયોજિત કાવતરું" હતું. તેમણે કહ્યું કે, JIT તપાસમાં જાણવા મળ્યું છે કે, રેલીમાં 70 વર્ષીય ખાનને મારવાનો પ્રયાસ કરનાર એક કરતા વધુ હુમલાખોરો હતા. ચીમાએ કહ્યું કે, પોલીસે મુખ્ય શંકાસ્પદ મુહમ્મદ નાવેદની ધરપકડ કરી છે અને તે 3 જાન્યુઆરી સુધી પૂછપરછ માટે JIT કસ્ટડીમાં છે.
મંત્રીનો દાવોઃ નાવેદ પ્રશિક્ષિત હતો અને તે સ્થળ પર હાજર હતો
મંત્રીએ દાવો કર્યો કે, નાવેદ "પ્રશિક્ષિત હતો અને તે તેના સાથીદારો સાથે ઘટના સ્થળે હાજર હતો." તેણે કહ્યું કે, નાવેદ પોલીગ્રાફ ટેસ્ટમાં નિષ્ફળ ગયો હતો. ચીમાના જણાવ્યા અનુસાર, નાવેદે પોલીસને કહ્યું કે તે ખાનને મારવા માંગતો હતો, જ્યારે રેલીમાં અઝાન માટે મોટેથી સંગીત વગાડવામાં આવી રહ્યું હતું. તેણે કહ્યું કે, નાવેદનો પિતરાઈ ભાઈ મુહમ્મદ વકાસ પણ સોશિયલ મીડિયા પર તેના વાંધાજનક મેસેજ માટે 3 જાન્યુઆરી સુધી JITની કસ્ટડીમાં છે. વકાસે 3 નવેમ્બરે ટ્વિટ કર્યું હતું કે, આજે ઈમરાન ખાનની રેલીમાં કંઈક મોટું થવાનું છે.
ઉલ્લેખનીય છે કે, ખાને વર્તમાન વડાપ્રધાન શહેબાઝ શરીફ, ગૃહમંત્રી રાણા સન્નાઉલ્લાહ અને પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIના મેજર જનરલ ફૈઝલ નસીર પર તેમની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો હતો. પંજાબ પોલીસે આ મામલે FIR નોંધી હતી, પરંતુ ખાનના આરોપ છતાં કોઈનું નામ લીધું ન હતું. ખાન હાલમાં સ્વસ્થ છે અને લાહોરના જમાન પાર્કમાં તેમના નિવાસસ્થાને છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર