ઈસ્લામાબાદ: ભારત અને પાકિસ્તાન વચ્ચે મંત્રણાને લઈને ચાલી રહેલા ગરમાગરમી વચ્ચે પાકિસ્તાનના વિદેશ રાજ્ય મંત્રી હિના રબ્બાની ખારે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ બેકચેનલ ડિપ્લોમસી ચાલી રહી નથી. હિના રબ્બાની ખારે કહ્યું કે, "જ્યારથી પાકિસ્તાનમાં શહેબાઝ શરીફની સરકાર આવી છે, ત્યારથી ભારત સાથે કોઈ બેકચેનલ વાતચીત થઈ નથી." તાજેતરમાં જ ભારતે પાકિસ્તાનને શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનમાં સામેલ થવા માટે આમંત્રણ મોકલ્યું હતું, જેના પર પાકિસ્તાન તરફથી હજુ સુધી કોઈ જવાબ આવ્યો નથી.
આવી સ્થિતિમાં હિના રબ્બાની ખારનું આ નિવેદન મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ભારતે ઈસ્લામાબાદમાં તેના હાઈ કમિશન દ્વારા પાકિસ્તાનના પીએમ શહેબાઝ શરીફ, વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારી અને ચીફ જસ્ટિસ ઉમર અતા બંદિયાલને ગોવામાં યોજાનારી કોન્ફરન્સમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું છે. જણાવી દઈએ કે, આ કોન્ફરન્સ મે મહિનામાં યોજાશે. જો કે, આ આમંત્રણ પર પાકિસ્તાન તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
પાકિસ્તાનના વિદેશ રાજ્ય મંત્રી હિના રબ્બાની ખારે પાકિસ્તાનની સંસદમાં સેનેટ સત્ર દરમિયાન કહ્યું હતું કે, 'હું કહેવા માંગુ છું કે જ્યારથી વર્તમાન સરકાર સત્તામાં આવી છે ત્યારથી બાકીના દેશોને જાણ કર્યા વિના ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ બેકચેનલ ડિપ્લોમસી નથી ચાલી રહી. હું માનું છું કે, અગાઉની સરકારો દરમિયાન આવું થયું હશે. તમે બોલો કંઈક બીજું અને તેની પાછળ કંઈક બીજું કરો, તે કોઈપણ દેશને શોભતું નથી.
આ ઉપરાંત તેણે કહ્યું કે, 'જો બેકચેનલ ડિપ્લોમસીથી કોઈ ફાયદો થતો હોય તો તે જરૂરથી થવો જોઈએ, પરંતુ આ સમયે કોઈ બેકચેનલ ડિપ્લોમસી થઈ રહી નથી. હિના રબ્બાની ખારે કહ્યું કે, પાકિસ્તાને હંમેશા શાંતિને પ્રોત્સાહન આપવા પહેલ કરી છે. તેમણે કહ્યું કે, જો કે સરહદ પર ભારત સાથે દુશ્મનાવટ અભૂતપૂર્વ સ્થિતિમાં છે. બીજી તરફ SCO સમિટને લઈને પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, ભારતના આમંત્રણની સમીક્ષા કરવામાં આવી રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર