બિહારમાં જમુઈ જિલ્લામાં પાકિસ્તાનની એક બાળકીને 'સ્વચ્છ ભારત અભિયાન'ની બ્રાન્ડ એમ્બેસેડરને બનાવવામાં આવતા વાવદનો મધપુડો છંછેડાયો છે! સ્વચ્છ ભારત અભિયાનનો પ્રચાર કરવા માટે છપાયેલી એક બુકલેટ પર પાકિસ્તાનનો ઝંડો દોરતી એક પાકિસ્તાનની બાળકીની તસવીર છાપવામાં આવી છે.
ગયા વર્ષે ડિસેમ્બરમાં જમુઈ જિલ્લાની શાળાઓમાં આ બુકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જમુઈ જિલ્લા કલેક્ટરે પાંચ હજાર જેટલી બુકલેટ પર પાકિસ્તાની બાળકીનો ફોટો કેવી રીતે છપાયો તેની તપાસ માટેના આદેશ કર્યા છે.
તસવીરમાં જોઈ શકાય છે કે પાંચ વર્ષની લાગતી એક પાકિસ્તાની બાળકી ખુરશી પર બેસીને પોતાની નોટબુકમાં તેના દેશનો ઝંડો દોરી રહી છે. બાદમાં આ ફોટોગ્રાફનો ઉપયોગ 'સ્વચ્છ જમુઈ સ્વસ્થ જમુઈ' અભિયાન માટે કરવામાં આવ્યો હતો. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાનમાં બાળકીઓના અભ્યાસને લઈને ત્યાંના લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે યુનિસેફે (UNICEF) અગાઉ આ તસવીરનો ઉપયોગ કર્યો હતો.
સ્વચ્છ ભારતના જિલ્લા સંયોજક સુધીર કુમારે આ અંગે જણાવ્યું હતું કે, 'આ ખૂબ મોટી ભૂલ છે. પહેલા આવું ધ્યાનમાં આવ્યું ન હતું. બુકલેટ છાપવાની દરખાસ્ત એ સમયના કલેક્ટર ડોક્ટર કૌશલ કિશોરે મંજૂર કરી હતી.' આ મુદ્દે હવે દોષારોપણની રમત શરૂ થઈ ગઈ છે.
પટના સ્થિત સુપરવ એન્ટરપ્રાઇઝે આ બુકલેટ છાપી હતી. તેના જણાવ્યા પ્રમાણે આ તસવીર છાપવાની કલેક્ટરની મંજૂરી બાદ જ તેને બુકલેટના પ્રથમ પાના પર છાપવામાં આવી હતી.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર