Home /News /national-international /OPINION: વીજળી સહિતના મફતમાં આપવાના વચનો ભારતને આર્થિક રીતે કઈ રીતે નુકસાન પહોંચાડે છે?
OPINION: વીજળી સહિતના મફતમાં આપવાના વચનો ભારતને આર્થિક રીતે કઈ રીતે નુકસાન પહોંચાડે છે?
પંજાબમાં વીજળીની સબસિડી અને સરકારી તિજોરી પરનો તેનો વધતો જતો ખર્ચ કુલ આવકના 16 ટકા કરતાંયે વધારે છે (PTI File Photo)
OPINION: મફતમાં થતી લ્હાણીનો ભાર કોના પર આવે છે અને અંતે તેના શું પરિણામ આવે છે તે પ્રશ્નો અવારનવાર ઉઠતા હોય છે. સામાન્ય રીતે આવા મફત વહેંચણીના પ્રોગ્રામનો ખર્ચ ઘણા રાજ્યોમાં મોટો મુદ્દો બની રહ્યો છે
ગૌતમ સેન : દિલ્હી વિધાનસભાની ચૂંટણી (Delhi Assembly election)દરમિયાન આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)એ મતદાતાઓને આકર્ષવા માટે વીજળી સહિતની કેટલીક સુવિધાઓ વિનામૂલ્યે આપવાનું વચન આપ્યું હતું. આ વચન પાળ્યું પણ છે. પણ હવે મતદારોને મફતમાં લ્હાણી કરવાના વચનોનો મુદ્દો કોર્ટમાં ગયો છે. જોકે, આ બાબત સંસદ અને ચૂંટણી પક્ષ સાથે વધુ ગાઢ સંકળાયેલી હોવાથી કોર્ટમાં તેનો ઉકેલ આવે તેવી શક્યતા ઓછી છે.
રસપ્રદ રીતે સરકાર પોતે આ માટે ઉત્સુક છે અને તેણે ચૂંટણી પંચને તેનો ઉકેલ લાવે તેવું સૂચન કર્યું હતું. મતદારોને વિનામૂલ્યે લ્હાણીની બાબતો માત્ર લાંચ-રુશ્વત વિશે જ નથી, પરંતુ તે ભારતીય રાજકારણના હાર્દના મુદ્દાને વ્યક્ત કરે છે. ફ્રીબીઝ એટલે કે વિનામૂલ્યે લ્હાણીનો મુદ્દો માત્ર ભારત પૂરતો સીમિત કે આજકાલનો નથી. તે આંતરરાષ્ટ્રીય અને ઐતિહાસિક રાજકીય તથા આર્થિક બાબતે રસપ્રદ જટિલ બૌદ્ધિક મુદ્દો છે.
ઈ.સ. પહેલી સદીમાં વિનાશક આગને કારણે રોમના એક શહેરનો નાશ થયો હતો. તે સમયે સમ્રાટ નીરોએ રોમન લોકોને નિઃશુલ્ક અનાજ વહેંચી દીધું હતું, જોકે તેણે બાકીના રોમન સામ્રાજ્યને લૂંટ્યું હતું અને લૂંટનો એક ભાગ પોતાના માટે પણ રાખ્યો હતો. આ રીતે વિનામૂલ્યે વહેંચણીમાં વિતરણકારો પણ તેમાંથી લાભ મેળવે છે. ત્યારે આવી વિનામૂલ્યે વહેંચણીનો બોજ કોના પર આવે છે તે મોટો પ્રશ્ન છે.
લોકોને વિનામૂલ્યે વહેંચણી એક પ્રકારનું સબસિડીકરણ છે. એક રીતે જોઈએ તો દિલ્હીમાં મફત પરિવહન, વીજળી અને પાણી પુરવઠાનો ખર્ચ દેશના MSP અને ખાતર સબસિડીનો એક ભાગ હતો. આવી સેવાઓ સંપૂર્ણપણે મફત નથી, તેમાં ગ્રાન્ટના પાસાનો સમાવેશ થાય છે.
મફતમાં થતી લ્હાણીનો ભાર કોના પર આવે છે અને અંતે તેના શું પરિણામ આવે છે તે પ્રશ્નો અવારનવાર ઉઠતા હોય છે. સામાન્ય રીતે આવા મફત વહેંચણીના પ્રોગ્રામનો ખર્ચ ઘણા રાજ્યોમાં મોટો મુદ્દો બની રહ્યો છે. આવા પ્રોગ્રામના કારણે પંજાબ, પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશ પર નાદારીનો ભય તોળાઈ રહ્યો છે અને અન્ય રાજ્યોમાં ગંભીર અંદાજપત્રીય કટોકટીનો સંકેત પણ આપે છે હાલની સ્થિતિએ જોઈએ તો પંજાબની સમસ્યા મોટી છે. પંજાબમાં વીજળીની સબસિડી અને સરકારી તિજોરી પરનો તેનો વધતો જતો ખર્ચ કુલ આવકના 16 ટકા કરતાંયે વધારે છે. આવા મહેસૂલી ખર્ચ લાંબા ગાળાના વિકાસ માટે જરૂરી નાણાંની ફાળવણીમાં ગાબડું પાડે છે.
આ બાબતો ઉદ્યોગ પર નકારાત્મક અસર કરે છે. પંજાબમાં આ એક મુદ્દો છે. ઔદ્યોગિક વપરાશકારો માટે ત્યાં પ્રતિ યુનિટ વીજળીના દર તમિલનાડુ જેવા જ છે. એટલે કે ગુજરાત કરતા લગભગ 50 ટકા વધારે છે. બંને રાજ્યોમાં ઘરેલું વપરાશકર્તાઓને સબસિડી આપવાની નીતિને કારણે પંજાબ અને તમિલનાડુ બંને ડિસ્કોમ્સ પર મોટું દેવું છે.
નિઃશુલ્ક સેવાઓ અને સબસિડીઓ અંદાજપત્રીય ફાળવણીને અસર કરે છે અને સૌથી વધુ સમસ્યારૂપ બાબત એ છે કે ભવિષ્યના વિકાસ માટે આજના મૂડી રોકાણનું બલિદાન આપવામાં આવે છે. આવા રોકણ સ્પર્ધાત્મક વિશ્વમાં ભારતને સશક્ત બનાવવા જરૂરી હોય છે. પડોશી હરીફ ચીનના સ્તર સુધી પહોંચવા, 10 ટ્રિલિયન ડોલરના બેન્ચમાર્ક સુધી ભારતે પહોંચવું હોય તો આવા મૂડીરોકાણ જરૂરી બાબત છે.
રાજકીય રીતે વધુ ધગધગતો મુદ્દો ક્રોસ-સબસિડીનો છે. કેટલાક રાજ્યો આડેધડ મફત સેવાઓ અને સબસિડીઓ ફાળવે છે. જેના કારણે તે નાદાર થઈ શકે તેવો ભય તો છે જ આ સાથે આ રાજ્યોને મુશ્કેલીમાંથી બહાર કાઢવા વધુ ફંડ આપવું પડશે જેના કારણે રાજ્યો-રાજ્યો વચ્ચે વિભાજનકારી નારાજગી પેદા થવાની સંભાવના છે
મફતમાં આપવાનું ચલણ અને સબસિડી સાર્વત્રિક હોય છે. બ્રિટનમાં તે નેશનલ હેલ્થ સર્વિસના નામે છે. આ સાથે મોટાભાગના વિકસિત દેશોમાં બેરોજગારો અને અપંગોને કલ્યાણકારી લાભો અપાય છે. જોકે, દરેક કિસ્સામાં આવી યોજનાના ભંડોળ પૂરું પાડવું એ મોટો મુદ્દો છે. એક તરફ મર્યાદિત બજેટના સંસાધનો મર્યાદિત હોય છે. ત્યારે તેના વૈકલ્પિક ઉપયોગો વચ્ચે મુશ્કેલ પસંદગીઓ કરવી પડે છે.
મફત ફાળવણીના કિસ્સામાં કેટલાક મુદ્દાઓ ભારતની જેમ અન્ય ગરીબ દેશોમાં પણ ચિંતાનું કારણ છે. ઓછામાં ઓછા 300 યુનિટ મફત વીજળીની ભેટ આપવી એ નૈતિક રીતે નિંદનીય નથી. પણ, તેનો અર્થ એ છે કે વર્તમાન સમયે સબસિડી પાછળ મોટા ખર્ચના કારણે ભવિષ્યનું બલિદાન આપવું. જો કે રાજકારણીઓ ભાગ્યે આ વાતની કાળજી લેતા હોય છે.
હાલની સ્થિતિમાં ગરીબો જીવનનિર્વાહ માટે સંઘર્ષ કરી રહ્યા છે. ખોરાક અને રહેવા માટે પૂરતી સુવિધા નથી. ત્યારે ખોરાક અને રહેઠાણની બાબતો વીજળી અને ઊર્જા પુરવઠા માટેની તેમની આવશ્યક જરૂરિયાતથી પણ વધારે મહત્વપૂર્ણ છે. જેથી તેમની સામે ભાવિ ફાયદાઓ વિશે સમજાવવા માટે દલીલ કરવી ખૂબ મુશ્કેલ છે.
અંતમાં બેદરકાર રાજકારણીઓ પોતાના રાજકીય હિતોને આગળ વધારવા માટે આવા વચનો આપશે જ. 'આપ' એ બતાવ્યું છે કે તે ચૂંટણી જીતવા માટેનું આ અસરકારક સાધન બની શકે છે. ગંભીર જોખમ એ છે કે, ભારતના દુશ્મનો દ્વારા મદદ મેળવતા કેટલાક વિશ્વાસઘાતી રાજકારણીઓ ભારતની અંદરની રાજકીય સત્તાને કબજે કરવામાં આવા મફતની વસ્તુઓનો વાયદાનો ઉપયોગ કરી શકે છે. તેઓ રાષ્ટ્ર હિતને નબળું પાડી શકે છે. જેના જોખમોને 2008માં ભારતીય કોંગ્રેસ અને ચાઇનીઝ કમ્યુનિસ્ટ પાર્ટીના એમઓયુ અને દેશની ચૂંટણીઓમાં વિદેશી હસ્તક્ષેપ તરીકે જોયા જ છે.
મફતમાં સેવાઓ આપવાના વચનો સામે કાયદો બનાવવો ઉપયોગી હોઈ શકે છે. પણ તે રાજકીય રીતે અસંભવિત અને બંધારણીય રીતે અસમર્થનીય હશે. કારણ કે દરેક જગ્યાએ અસંખ્ય કાયદેસર યોજનાઓ દ્વારા ગરીબોને લાભ પુરા પાડવામાં આવે છે. એક લિમિટ પછી ઋણ માટે રાજ્યોને મંજૂરી આપવી એ પણ સમસ્યા સર્જી શકે છે, તેની સ્પષ્ટ નીતિ માર્ગદર્શિકા પહેલેથી અસ્તિત્વમાં છે.
જો મફત ચીજવસ્તીઓ અને સબસિડીના વિતરણમાં કેટલીક તર્કસંગતતા લાવવી હોય, તો ભારતીય રાજકારણીઓએ સૌ પ્રથમ મતદારો સાથે તેમની વિશ્વસનીયતા સુધારવાની જરૂર પડશે. તેઓને ગેરરીતિ અને ભ્રષ્ટાચારને કારણે ભારતીય રાજનીતિમાં દેખીતી રીતે પ્રવતતી અવિશ્વાસની સ્થિતિ પર કામ કરવાની જરૂર પડશે. લોકોના વિચાર બદલવાનું કામ રાજકારણીઓએ જ કરવું પડશે.
નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં કરી બતાવ્યા પ્રમાણે નાગરિકોનું વર્તન બદલવું શક્ય છે. જેમ કે 24 કલાકના અવિરત વીજ પુરવઠાના બદલામાં મતદારોને વીજ ચોરી ન કરવા માટે સમજાવવામાં આવ્યા હતા. આ જ મતદારોએ તાજેતરમાં ગુજરાતમાં વોટ જીતવા માટે AAPની મફત વીજળીની લાંચની ઓફરોને ફગાવી દીધી હતી. ભારતમાં એક દિવસ લોકો ઓફર થતી લાલચ પ્રત્યે જાતે જ સંયમ રાખે તેવી આશા રાખી શકાય, જોકે, કદાચ તે પહેલા ભારતે સમૃદ્ધ થવાના અને $10 ટ્રિલિયન જીડીપીના ધ્યેયને પાર પાડવાની જરૂર છે.
(લેખકે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સમાં બે દાયકાથી વધુ સમય સુધી આંતરરાષ્ટ્રીય રાજકીય અર્થવ્યવસ્થાનું શિક્ષણ આપ્યું છે. આ લેખમાં વ્યક્ત કરેલા મંતવ્યો લેખકના છે અને તે આ પ્રકાશનના વલણને રજૂ કરતા નથી.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર