રાષ્ટ્રીય પક્ષી મોર તરફથી એક જજને ખુલ્લો પત્ર

News18 Gujarati
Updated: January 31, 2019, 4:11 PM IST
રાષ્ટ્રીય પક્ષી મોર તરફથી એક જજને ખુલ્લો પત્ર
ફાઇલ તસવીર

શર્માજી, તમારા કારણે અમારી સેક્સ લાઇફ બદલાઈ ગઈ હતી. તમે આવું ગુપ્તજ્ઞાન ક્યાંથી લાવ્યા? કોઈ ચોપડીમાં વાંચ્યું કે પછી તોતા-મેનાના કિસ્સામાં સાંભળ્યું.

  • Share this:
મનિષા પાંડે, ન્યૂઝ18 હિન્દી : જજ મહેશ ચંદ્ર શર્માજી, તમને યાદ પણ નહીં હોય કે આજના જ દિવસે મને રાષ્ટ્રીય પક્ષી જાહેર કરવામાં આવ્યું હતું. એવું બિલકુલ ન્હોતું કે પહેલા લોકો મને માનપાન આપતા ન હતા. પછી તે ભગવાન કૃષ્ણના મોરમુકુટની વાત હોય કે પછી પેપ્સીની 'યે દિલ માંગે મોર' જાહેર ખબર હોય, કે પછી ફિલ્મના ગીત હોય. પરંતુ કોઈએ મને એટલી પ્રસિદ્ધ ન અપાવી જેટલી તમે અપાવી. 1 જાન્યુઆરી, 2017ના રોજ ઊંઘીનો ઉઠ્યો ત્યારે કોલાહલ મચેલો હતો. તમામ વર્તમાનપત્ર અને ટીવી ચેનલોમાં હું જ છવાયેલો હતો.

મારા કરતા વધારે વાત મારી પ્રજનનની રીત પર થઈ રહી હતી. આખું હિન્દુસ્તાન જરૂરી મુદ્દાઓને છોડીને એ જાણવામાં ધક્કામુક્કી કરી રહ્યું હતું કે મોર બાળક કેવી રીતે પેદા કરે છે. મને માલુમ પડ્યું કે તમે આ વિશે કંઈક બોલી ગયા હતા.

એ લોકો એવું એ માટે ન્હોતા કહી રહ્યા કે તેમને મારા બ્રહ્મચર્ય હોવામાં કોઈ રસ હતો અથવા 'પ્યાસા'ના એ ગીતની જેમ "ઉફ ન કરેંગે, લબ સી લેંગે, આંસૂ પી લેંગે" પર કોઈ તમાશો ચાલી રહ્યો હતો. તે લોકો મારા અને મોરનીના સંબંધ વિશે વાત કરી રહ્યા હતા. લોકો યુટ્યૂબ પર પીકોક મેટિંગ વીડિયો ટાઇપ કરીને શોધી રહ્યા હતા. મને અને મોરનીને સેક્સ કરતા જોવા માટે લોકો બેબાકળા બની ગયા હતા. મને સમજમાં આવતું ન હતું કે અચાનક આ શું થઈ ગયું છે. ગૂગલ પર મારા અને મોરીનીના નામ પાછળ વારે વારે સેક્સ શબ્દ ટાઇપ કરવામાં આવતો હતો. અમારી પ્રાઇવેટ લાઇફ અને અમૂલ્ય ક્ષણોની તસવીરો લીક થઈ રહી હતી, વીડિયો વાયરલ થઈ રહ્યો હતો, લોકો એક બીજાને વોટ્સએપ કરી રહ્યા હતા.

તમારા કારણે જ રાષ્ટ્રીય પક્ષીનું રાયતું ફેલાઈ ગયું હતું. કાલ રાત સુધી જિંદગીમાં સુખ અને શાંતિ હતી. આગલા દિવસે હું ગૂગલ, વોટ્સએપ અને ફેસબુક પર ટ્રેન્ડ થઈ રહ્યો હતો. મને એવું લાગ્યું કે જાણે આખો દેશ મારા બેડરૂમમાં ઘૂસી ગયો છે. મારી અંગત જિંદગી તબાહ થવાની કગાર પર છે.શર્મા સાહેબ, શરમ શું ચીજ છે, એ મને તે દિવસે માલુમ પડ્યું હતું. તેનું કારણ તમે હતા. જો તમે જજની જગ્યાએ કોઈ સરકારી બાબૂ અથવા હવાલદાર હોતા તો લોકો તમારી વાતને મજાક સમજીને ભૂલી જતા. પરંતુ તમે જ કહ્યું તે અત્યાર સુધીના વિજ્ઞાનમાં ક્યાંક નોંધાયેલું કે કહેવામાં કે સાંભળવામાં આવ્યું ન હતું. તમે કહ્યું હતું, "અમે મોરને રાષ્ટ્રીય પક્ષી એ માટે જાહેર કર્યુ છે કારણ કે તે આજીવન બ્રહ્મચર્ય પાળે છે. તેના જે આંશુ નીકળે છે મોરીને તેને પીને ગર્ભવતી બને છે. મોર ક્યારેય મોરની સાથે સેક્સ નથી કરતો."જ્યારે કોઈ જજ આ પ્રકારની વાત કરે છે ત્યારે તેની વાતનું વજન પડે છે. તમે ત્યારે તમારી નિવૃત્તિની નજીક હતા, અને અત્યાર સુધી તમારી કારકિર્દીમાં તમને આટલી મોટી હેડલાઇન મળી ન હતી. મોટાભાગના ઇમાનદાર જજોની જેમ તમને તમારી નિવૃત્તિ બાદ કોઈ મોટા ફાયદાની આશા દેખાતી ન હતી. આવું મને તે સમયે લાગ્યું હતું.

આખરે 21મી સદીને બ્રહ્મચર્યને તમારા જેવડો મોટો બ્રાન્ડ એમ્બેસેડર કેવી રીતે મળી શકતો હતો, ભલે ને પછી તમે તમારો તમંચો કે તોપ મોર પર રાખીને ચલાવી દીધો હોય. ખબર નથી તમારા આવા નિવેદન બાદ કેટલા લોકોએ બ્રહ્મચર્યની લંગોટ કસીને બાંધી લીધી, પરંતુ મોરની સેક્સ લાઇફ અંગે દુનિયામાં કૂતુહલને જરૂર અનેક ગણી વધારી દીધી હતી.શર્માજી, તમારા કારણે અમારી સેક્સ લાઇફ બદલાઈ ગઈ હતી. તમે આવું ગુપ્તજ્ઞાન ક્યાંથી લાવ્યા? કોઈ ચોપડીમાં વાંચ્યું કે પછી તોતા-મેનાના કિસ્સામાં સાંભળ્યું.

શું તમે આવું પોતાની આંખોથી જોયું. તમને આવો વિચાર આવ્યો તો ક્યાંથી આવ્યો. આ તો કેવું રહસ્ય છે. શું આ લાલ ચોપડી કે પછી ગરુડ પુરાણના કોઈ પાનામાં લખેલું છે.

શું તમે ડિસ્કવરી કે પછી નેશનલ જિયોગ્રાફીના કેમેરામેન છો કે તમારી જિંદગી આના પર લગાડી દો છો. ડાર્વિનને તમે જાણતા હશો, તમે તેના વિશે સાંભળ્યું હશે...જો તે તમારું આ કથન સાંભળી જતાં તો તેનું બ્લડ પ્રેશર વધી જતું.

શું તમને ખબર છે કે આંસુ શું હોય છે. ખારા હોવા ઉપરાંત તેમાં કેમિકલ કમ્પોઝિશન શું હોય છે. જો આંસુને જ કારણે અમારી દુનિયા ચાલતી હોત તો, મોરની મારી ખૂબસૂરતી પર મોહિત થવાને બદલે માર મારીને મને અધમૂવો કરી નાખતી. મારી આંખમાંથી જેટલા આંસુ ટપકડા તે એટલા ઇંડા આપતી.

તમે જો થોડા રોમેન્ટિક હોત, બોલિવૂડના ફિલ્મો અને ગીત જોતા હોત, પ્રથમ શ્રાવણમાં ભિંજાયા હોત, રાસ અને લીલાને જો તમે તમારી પરંપરા અને સંસ્કૃતિનો ભાગ માન્યો હોત, અસત્ય પર વિશ્વાસ કરવાને બદલે જો તમે સવાલ કરવાનું કૌતુક રાખતા, વિજ્ઞાનની જેમ જિજ્ઞાસાથી જોવાની દ્રષ્ટી કેળવતા તો ત્યારે પણ શર્માજી તમે આવી જ વાતો કરતા?તમને શું ફરક પડ્યો. ઘર, પરિવાર અને મહોલ્લામાં શું લોકોની આંખોમાં તમારું સન્માન વધી ગયું. શું તમને સારી ઊંઘ આવવા લાગી. શું તમને તમારા સાંસ્કૃતિક સપનાઓમાં મોર જ દેખાતા રહ્યા વગેરે...

આજના આ પાવન અવસર પર હું તમને એક યુટ્યૂબ લિંક મોકલી રહ્યો છું. આ ક્લિપ વાયરલ થવાનું કારણ અમારી પ્રજાતિ વચ્ચેના સામાન્ય સંબંધ નહીં પરંતુ તમારું અસામાન્ય જ્ઞાન છે.

હું એ તમામ પક્ષકારોને પણ શુભેચ્છા પાઠવું છું જેમની જિંદગી તમારા નિર્ણયને કારણે હંમેશ માટે બદલાઈ ગઈ હતી.

આશા રાખીએ કે તમારી સાથે ક્યારેય આવું ન થાય, જેવું અમારી જિંદગી સાથે થયું છે.

તમે તમારું ધ્યાન રાખજો.

તમારું રાષ્ટ્રીય પક્ષી મોર
Published by: Vinod Zankhaliya
First published: January 31, 2019, 4:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading