નવી દિલ્હી : શાહીનબાગ વિસ્તારમાં ફરી એકવાર ગોળી ચાલી છે. કહેવામાં આવી રહ્યું છે કે કપિલ ગુર્જર નામની વ્યક્તિએ ગોળી ચલાવી છે, પોલીસે તેની અટકાયત કરી લીધી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે આ ઘટનામાં કોઈ ઘાયલ થયું નથી. ગોળી ચલાવનાર આરોપીનું નામ કપિલ ગુર્જર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
એક વીડિયો સામે આવ્યો છે જેમાં આરોપી પોતાનું નામ કપિલ ગુર્જર કહી રહ્યો છે, તેમજ પોતાને દિલ્હીના દલ્લૂપૂરા વિસ્તારનો રહેવાશી ગણાવી રહ્યો છે. આ જ વીડિયોમાં આરોપી કહે છે કે, આપણા દેશમાં બીજા કોઈનું નહીં ચાલે, ફક્ત હિન્દુઓનું ચાલશે. કપિલને હાલ સરિતા વિહાર પોલીસ મથક લઈ જવામાં આવ્યો છે.
નોંધનીય છે કે ગુરુવારે (30 જાન્યુઆરી)ના રોજ બપોરે જામિયા મિલિયા ઇસ્લામિયાથી રાજઘાટ સુધી નીકળનારી રેલી પહેલા એક વ્યક્તિએ ગોળી ચલાવી હતી. આ ગોળીબારમાં એક વિદ્યાર્થી ઘાયલ થયો હતો. પોલીસે જણાવ્યું કે ગોળી ચલાવનાર યુવક જસોલા તરફથી આવ્યો હતો. તેણે સરિતા વિહાર સાઇડ આવીને બેરિકેડ પર આવીને હવામાં ગોળીબાર કર્યો હતો.
શાહીનબાગ ખાતે દેખાવો
સીએએ અને પ્રસ્તાવિત એનઆરસીના વિરોધમાં શાહીનબાગ ખાતે છેલ્લા એક મહિનાથી દેખાવો થઈ રહ્યા છે. વિવિધ લોકો દક્ષિણ-પૂર્વ દિલ્હીના શાહીનબાગ વિસ્તારમાં ધરણા પર બેઠા છે. દેખાવકારોનું કહેવું છે કે જ્યાં સુધી સરકાર સીએએ અને એનઆરસીને ખતમ કરવાની જાહેરત નથી કરતા ત્યાં સુધી તેઓ દેખાવ ચાલુ રાખશે.
Published by:Vinod Zankhaliya
First published:February 01, 2020, 17:59 pm