દેશમાં દર 15 મિનિટે એક બાળક જાતીય શોષણનું શિકાર બને છે!

દેશમાં દર 15 મિનિટે એક બાળક જાતીય શોષણનું શિકાર બને છે!

 • Share this:
  સંજય કચોટ

  બાળકો સામે અત્યાચાર રોકવા માટે મોટી જાહેરાત કરતા આજે કેન્દ્ર સરકારે પોક્સો (પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સુઅલ ઓફેન્સ એક્ટ) એક્ટમાં સુધારાને મંજૂરી આપી દીધી છે. આ નવા પ્રસ્તાવિત સુધારા પ્રમાણે હવેથી બાળકીઓ પર રેપના આરોપીઓને ફાંસીની સજા આપી શકાશે. વળી, 12 વર્ષથી નાની ઉંમરની બાળકી પર બળાત્કારના કેસમાં ફાંસીની સજા થશે. આ કાયદાની જોગવાઈ પ્રમાણે આરોપીને છ મહિનામાં જ ફાંસી આપવાની જોગવાઈ કરવામાં આવશે ઉપરાંત,બાળકીઓ પર દુષ્કર્મના કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવાની જોગવાઈ કરવામાં આવશે.  આ પગલું આવકારદાયક છે. કારણ જે પ્રકારે દેશમાં બાળકો ઉપર વધી રહેલા અત્યાચારોની સ્થિતિ વિષમ બની રહી છે તે મુજબ આ નિર્ણય વહેલો આવવો જોઈતો હતો. બાળ અધિકારો ઉપર કામ કરતા જાણીતા સ્વૈચ્છિક સંગઠન "ચાઈલ્ડ રાઈટ્સ એન્ડ યુ" (ક્રાય) ના એક અહેવાલ અનુસાર ભારતમાં પ્રત્યેક 15મી મિનિટે એક બાળક યૌન શોષણનો શિકાર બને છે. છેલ્લા દસ વર્ષમાં કિશોર વયના બાળકો ઉપર થતા આ પ્રકારના જધન્ય અપરાધની સંખ્યામાં 500 ટકાનો વધારો જોવા મળ્યો છે. વર્ષ-2006 માં બાળકો ઉપર થતા અત્યાચારોની સંખ્યા 18,967 હતી, જે સંખ્યા વર્ષ-2016માં વધીને 1,06,958 ઉપર પહોંચી ગઈ હતી. આ અહેવાલ અનુસાર, બાળકો ઉપર થતા અપરાધોની સંખ્યા દેશના 5 રાજ્યો : ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળમાં સૌથી વધારે છે. 50 ટકા કરતા વધુ ગુનાઓ તો માત્ર આ પાંચ રાજ્યમાં જ નોંધાય છે.

  ઉત્તરપ્રદેશમાં સૌથી વધુ ગુના:

  બાળકો વિરુદ્ધના ગુનાઓના મામલે ઉત્તર પ્રદેશ સૌથી મોખરે છે. દેશમાં નોંધાતા કુલ ગુનાઓ પૈકી 15% ગુનાઓ તો માત્ર ઉત્તર પ્રદેશમાં જ નોંધાય છે. 14% સાથે મહારાષ્ટ્ર બીજા જયારે 13% સાથે મધ્ય પ્રદેશ આ સૂચીમાં તૃતીયા ક્રમે છે. બાળકો સામે જે ગુના નોંધાય છે તેમાં અપહરણ અને ઉઠાવી જવાના કિસ્સાઓ મોખરે છે. આ પ્રકારના લગભગ 52,253 કેસ 2016માં નોંધાયા હતા, જેની ટકાવારી ગણીએ તો તે 48.9% પર પહોંચે છે. આ બાદનો બીજો સૌથી મોટો ગુનો છે : બાળકો ઉપર થતા જાતીય અત્યાચારનો, જેની ટકાવારી 18% સુધીની છે

  "પોક્સો" હેઠળ નોંધાયેલા ગુનામાં પણ ઉત્તરપ્રદેશ આગળ:
  ઉત્તરપ્રદેશમાં 'પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સુઅલ ઓફેન્સ એક્ટ' (પોક્સો) હેઠળ સૌથી વધુ ગુનાઓ નોંધાયા છે, ત્યાર પછીના ક્રમે ફરી એકવખત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ આવે છે.

  ગુજરાતમાં ક્રમશઃ વધી રહી છે સંખ્યા:

  "નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો"(એનસીઆરબી)-2016ના અહેવાલ અનુસાર, ગુજરાતમાં પણ "બાળકો વિરુદ્ધ થતા ગુનાઓ" ની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા ત્રણ વર્ષ ; 2014, 2015 અને 2016ની વાત કરીએ તો આ સંખ્યા અનુક્રમે 3219, 3623 અને 3637 નોંધાઈ હતી. ગુજરાત 3.4%ના દરે દેશમાં આ પ્રકારે નોંધાતા ગુનાઓમાં તેનું યોગદાન આપી રહ્યું છે (યોગદાન તો ન કહેવાય, કારણ આ કઈ સદ્પ્રવૃત્તિ નથી !)

  "પોક્સો" અને ગુજરાત:

  વર્ષ-2016માં રાજ્યમાં "પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સુઅલ ઓફેન્સ એક્ટ" (પોક્સો) અંતર્ગત નોંધાયેલા કેસની સંખ્યા 1408 હતી, ભોગ બનેલા બાળકોની સંખ્યા 1414ની હતી જયારે ગુનાનો દર 6.8નો હતો. બાળકો વિરુદ્ધ જાતીય અત્યાચાર (સેકશન-376) હેઠળ નોંધાયેલા કેસની સંખ્યા 1054 અને ભોગ બનેલા બાળકોની સંખ્યા 1059ની હતી. જો વાત જાતીય હુમલાની (સેકશન-354)ની કરીએ તો આ કેસની સંખ્યા વર્ષ-2016માં 210ની હતી. જાતીય સતામણીના લગભગ 7 ગુનાઓ નોંધાયા હતા.
  First published:April 21, 2018, 16:19 pm