ડી.પી. સતીશ, બેંગલુરુ : વિવાદાસ્પદ તાંત્રિક નિત્યાનંદ (Nithyananda) ભલે પોતાની વિરુદ્ધ કર્ણાટક (Karnataka)માં નોંધાયેલા એક દુષ્કર્મ (Rape)ના મામલાથી પોતાની જાતને બચાવવા માટે પાસપોર્ટ વગર ભારતથી ભાગી ગયો હોય પરંતુ તેણે હવે એક કલ્પનામાં પણ ન આવે એવું કામ કર્યું છે. તેણે પોતાનો એક દેશ વસાવી લીધો છે. તેણે તે દેશનું નામ રાખ્યું છે 'કૈલાસા' (Kailaasa). અને હવે તેની પાસે પોતાનો 'પાસપોર્ટ' છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદની ડીપીએસ ઈસ્ટ સ્કૂલના કેમ્પસમાં આવેલા નિત્યાનંદ આશ્રમ (Nityananda Ashram Ahmedabad)માં સગીરોને ગોંધી રાખવાનો કેસ સામે આવતાં નિત્યાનંદ ફરી ચર્ચામાં આવ્યો છે. આ કેસમાં પણ પોલીસે મુખ્ય નિત્યાનંદને મુખ્ય આરોપી ગણાવ્યો છે.
નિત્યાનંદે પોતાના નવા દેશની વેબસાઇટ પણ લૉન્ચ કરી છે, જેમાં તેને ધરતી પર હિન્દુઓનો સૌથી મહાન દેશ (Greatest Hindu Nation on Earth) ગણાવ્યો છે.
'ઇક્વાડોરમાં નિત્યાનંદે ખરીદ્યો નવો દેશ'
અપુષ્ટ રિપોર્ટો મુજબ, નિત્યાનંદે દક્ષિણ અમેરિકામાં ઇક્વાડોર (Ecuador)માં એક દ્વીપ ખરીદ્યો છે અને તેને એક સ્વતંત્ર અને 'નવો દેશ' કહેવાનું શરૂ કરી દીધું છે.
તેની વેબસાઇટ પર દાવો કરવામાં આવ્યો છે- 'કૈલાસા કોઈ સીમાઓ વગરનો એક દેશ છે જેને દુનિયાભરથી હાંકી કઢાયેલા હિન્દુઓએ વસાવ્યો છે. તેઓએ પોતાના જ દેશોમાં પ્રામાણિક રીતે હિન્દુ ધર્મના અભ્યાસ કરવાનો અધિકાર ગુમાવી દીધો છે.' આ દેશનો પોતાનો એક 'પાસપોર્ટ' છે અને નિત્યાનંદે પહેલા જ તેનું એક ઑનલાઇન સેમ્પણ પણ મૂક્યું છે.
લોકોને પોતાના દેશના નાગરિક બનાવવા માટે 'આમંત્રિત' કરી રહ્યો છે
વેબસાઇટ મુજબ, આ નવો દેશ એક મંદિર આધારિત ઇકોલોજી સાથે ત્રીજી આંખના પાછળનું વિજ્ઞાન, યોગ, ધ્યાન અને ગુરુકુળ શિક્ષા પદ્ધતિ (Gurukul Education System)નો પણ દાવો કરે છે. આ ઉપરાંત આ દેશ તમામને મફત સ્વાસ્થ્ય સેવાઓ, મફત શિક્ષણ, મફત ભોજન અને એક મંદિર આધારિત જીવન પ્રણાલી આપવાની વાત પણ કહે છે.
નિત્યાનંદે હવે લોકોને પોતાના દેશના નાગરિક બનવા માટે આમંત્રિત કરી રહ્યો છે. તેની સાથે જ તેને ચલાવવા માટે તે લોકો પાસે દાન (Donation) પણ માંગી રહ્યો છે.
નિત્યાનંદ જેનું અસલી નામ રાજશેખરન છે, તે તમિલનાડુનો રહેવાસી છે. તે વર્ષ 2000માં બેંગલુરુની પાસે એક આશ્રમ બનાવ્યા બાદ પ્રભાવશાળી થઈ ગયો હતો. તેના મોટાભાગના ભાષણ આધ્યાત્મિક ગુરુ ઓશો રજનીશના વિચારો પર આધારિત હોય છે.
2010માં નિત્યાનંદ ત્યારે ચર્ચામાં આવ્યો હતો જ્યારે તેનો એક એક્ટ્રેસ સાથે આપત્તિજનક સ્થિતિમાં વીડિયો વાયરલ થયો હતો. બાદમાં તેની પર દુષ્કર્મના આરોપ લાગ્યો હતો અને તેની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસ ઉપરાંત અન્ય દુષ્કર્મ કેસમાં પણ તેની પર ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.
નિત્યાનંદ ભારત છોડીને ભાગી ગયો છે : ગુજરાતી પોલીસ
એક સેક્સ સ્કેન્ડલ (Sex Scandal) અને અમદાવાદ (Ahmedabad) માં ડીપીએસ ઈસ્ટ સ્કૂલ (DPS East School)ના કેમ્પસમાં આવેલા નિત્યાનંદ આશ્રમ (Nityanand Ashram)માં સગીરાઓના કથિત શોષણના સમાચારો સામે આવ્યા બાદ ગુજરાત પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે નિત્યાંનદ ભારતમાં ઉપલબ્ધ નથી.
કર્ણાટક પોલીસના સૂત્રો મુજબ, નિત્યાંનદ 2018ના અંતમાં પોતાના જામીનનો ફાયદો ઉઠાવતાં દેશ છોડીને ભાગી ગયો. તેનો પાસપોર્ટ સપ્ટેમ્બર 2018માં જ એક્સપાયર થઈ ગયો છે અને સ્થાનિક પોલીસે પાસપોર્ટ રિન્યૂઅલની અરજીને પણ ફગાવી દીધી હતી.