Home /News /national-international /Coronavirus RT-PCR Test: ખાનગી અને સરકારી એરપોર્ટ પર RT-PCR ટેસ્ટના ભાવમાં મોટો તફાવત, શું છે એનું કારણ? જાણો
Coronavirus RT-PCR Test: ખાનગી અને સરકારી એરપોર્ટ પર RT-PCR ટેસ્ટના ભાવમાં મોટો તફાવત, શું છે એનું કારણ? જાણો
USA Airport rules
Coronavirus RT-PCR Test: RT-PCR ટેસ્ટ માટે ઊંચી કિંમત પાછળનું મુખ્ય કારણ એ જણાવવામાં આવી રહ્યું છે કે એરપોર્ટનું સંચાલન કરતી કંપનીઓ તેમાં 30-35 ટકા હિસ્સો આવક તરીકે લઈ રહી છે.
નવી દિલ્હી. કોવિડ-19 (Covid-19 India)ના કેસની તપાસ માટે ખાનગી સંસ્થાઓ દ્વારા સંચાલિત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને સરકારી એરપોર્ટ (Airports in India) પર રેપિડ RT-PCR ટેસ્ટની કિંમતમાં જમીન આસમાનનું અંતર છે. ઉદાહરણ તરીકે, કોઝિકોડ એરપોર્ટ પર રેપિડ RT-PCR ટેસ્ટની કિંમત રૂ. 1,580 છે, જ્યારે મુંબઈ અને હૈદરાબાદ એરપોર્ટ પર ભાવ અઢી ગણા એટલે કે 3,900 રૂપિયા છે. રાજ્ય સરકારના હસ્તક્ષેપ પછી કિંમતોમાં 13.3% ઘટાડો થયો હોવા છતાં બંને એરપોર્ટ પર પરીક્ષણોના ભાવમાં આટલો મોટો તફાવત છે.
ચાર મોટા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ - દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ અને બેંગ્લોરથી લોકો સૌથી વધુ મુસાફરી કરે છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (Airport authority of India- AAI)ના ડેટા અનુસાર ઓક્ટોબરમાં આ ચાર એરપોર્ટ પર 12.23 લાખ મુસાફરો આવ્યા હતા. આ મહિને કુલ 22.22 લાખ મુસાફરો ભારત આવ્યા હતા. તો કોઝિકોડમાં 1.45 લાખ, ગોવામાં 9,565, કોલકાતામાં 34,076 અને ચેન્નાઈમાં 1.57 લાખ મુસાફરો આવ્યા હતા.
‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ની એક રિપોર્ટ મુજબ, RT-PCR ટેસ્ટ માટે ઊંચી કિંમત પાછળનું મુખ્ય કારણ એ જણાવવામાં આવી રહ્યું છે કે એરપોર્ટનું સંચાલન કરતી કંપનીઓ તેમાં 30-35 ટકા હિસ્સો આવક તરીકે લઈ રહી છે. જોકે, સરકારી એરપોર્ટ પર રેવન્યુ નથી વસૂલવામાં આવતી. ઓમિક્રોન વેરિઅન્ટ (Omicron) બાદ કેન્દ્રએ 'હાઈ રિસ્ક' દેશોમાંથી આવતા તમામ પ્રવાસીઓ માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત બનાવ્યો છે. તેમાં દક્ષિણ આફ્રિકા, ચીન ઉપરાંત યુરોપિયન દેશોનો સમાવેશ થાય છે.
સામાન્ય RT-PCR અને રેપિડ ટેસ્ટમાં આટલો તફાવત શા માટે?
હૈદરાબાદ એરપોર્ટ પર કોવિડ-19ના સામાન્ય RT-PCR ટેસ્ટ માટે 750 રૂપિયા, જ્યારે રેપિડ RT-PCR ટેસ્ટની કિંમત રૂ. 3,900 છે. રેપિડ RT-PCR ની કિંમત તાજેતરમાં જ પહેલાના 4,500 રૂપિયાથી ઓછી કરવામાં આવી હતી. એ જ પ્રમાણે મુંબઈમાં રેપિડ RT-PCR ટેસ્ટની કિંમત 3,900 રૂપિયા છે, પરંતુ આ પણ રાજ્ય સરકારના હસ્તક્ષેપ બાદ ગયા સપ્તાહે રૂ. 4,500થી ઓછી થઈ ગઈ હતી. મુંબઈ એરપોર્ટ પર સામાન્ય RT-PCRની કિંમત 600 રૂપિયા છે. ગયા અઠવાડિયે મહારાષ્ટ્ર સરકારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયને પત્ર લખીને ઝડપથી RT-PCR ટેસ્ટની ફીમાં સમાનતા લાવવાનું કહ્યું હતું.
એરપોર્ટ મેનેજમેન્ટ કરતા એક અધિકારીના જણાવ્યા અનુસાર, સામાન્ય RT-PCRની કિંમત સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે, પરંતુ રેપિડ RT-PCR ટેસ્ટના ભાવ ક્લિનિકલ લેબ દ્વારા નક્કી કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, દિલ્હી એરપોર્ટ પર જેનસ્ટ્રિંગ્સ ડાયગ્નોસ્ટિક્સ પરીક્ષણ કરે છે. સૂત્રોએ જણાવ્યું કે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે દિલ્હી એરપોર્ટ પર વધુ લેબને જગ્યા આપવા માટે કહ્યું છે. દિલ્હી એરપોર્ટ GMR દ્વારા સંચાલિત છે. દિલ્હી ઉપરાંત GMR હૈદરાબાદનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પણ ચલાવે છે. અહીં MapMyGenome નામની કંપની તપાસ કરે છે.
રિપોર્ટ મુજબ, અદાણી ગ્રુપ દ્વારા સંચાલિત મુંબઈ એરપોર્ટ પર ત્રણ લેબ છે. જેમાં લાઈફનિટી, સબઅર્બન ડાયગ્નોસ્ટિક્સ અને AQ-MD (Mylabs)નો સમાવેશ થાય છે. આ સાથે અમદાવાદ એરપોર્ટ પર નોર્થસ્ટાર પેથોલોજી લેબ્સ કાર્યરત છે. અમદાવાદમાં સામાન્ય RT-PCR ટેસ્ટની કિંમત રૂ. 400 છે, જ્યારે રેપિડ RT-PCRની કિંમત 2,700 રૂપિયા છે. રેપિડ RTPCR ટેસ્ટના ભાવ માત્ર ખાનગી એરપોર્ટ પર જ નહીં, પરંતુ AAI દ્વારા સંચાલિત એરપોર્ટ પર પણ વધારે છે. કોલકાતા એરપોર્ટ પર બે વાર કિંમતમાં ઘટાડો કર્યા પછી રેપિડ ટેસ્ટની કિંમત 2,900 રૂપિયા છે.
સામાન્ય RT-PCR અને રેપિડ RT-PCR ટેસ્ટની કિંમતો વચ્ચેનો આ તફાવત સમયના આધારે પણ છે. મુંબઈ એરપોર્ટની વેબસાઈટ પરથી પ્રાપ્ત માહિતી અનુસાર, સામાન્ય RT-PCR ટેસ્ટના પરિણામોમાં 8-10 કલાક જેટલો સમય લાગે છે, જ્યારે રેપિડ RT-PCR ટેસ્ટના રિઝલ્ટ 1-2 કલાકની અંદર મળી જાય છે. જોકે, એરપોર્ટે એવું પણ કહ્યું કે 'તપાસમાં વૃદ્ધિને કારણે રિપોર્ટમાં થોડો વિલંબ થઈ શકે છે.'
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર