નવી દિલ્હી : ભારતમાં કોરોના વાયરસ (Corona virus)ના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. દિલ્હી (Delhi) અને પંજાબ (Punjab)માં રાજ્ય સરકારે કોરોનાને ફેલાતો રોકવા માટે અનેક નિયંત્રણો અમલમાં મુકી દીધા છે. મુંબઈમાં પણ કોરોનાના કેસમાં વધારો થશે તો લોકડાઉન પણ લગાવવામાં આવી શકે છે. નિષ્ણાંતો જણાવે છે કે, આગામી દિવસોમાં કોરોનાના કેસમાં ખૂબ જ વધારો થશે. નેશનલ ટેકનિકલ એડવાઈઝરી ગ્રુપ ઓફ ઈમ્યુનાઈઝેશન (NTAGI)ના સભ્ય ડૉ. એન. કે. અરોડાએ જણાવ્યું કે, લોકડાઉન નહીં, પરંતુ ‘સ્માર્ટ કંટેનમેંટ’ ની જરૂરિયાત છે.
ભારતમાં એક દિવસમાં કોરોનાના 33 હજાર 379 કેસ નોંધાયા છે અને કોરોનાને કારણે 124 લોકોના મૃત્યુ થયા છે. દેશમાં કોરોનાના કુલ કેસ 3 કરોડ 49 લાખ 60 હજાર 261 પર પહોંચી ગયા (Total Corona Case) છે. કોરોનાને કારણે અત્યાર સુધીમાં કુલ 4 લાખ 82 હજાર 17 દર્દીઓના મૃત્યુ થયા છે અને કોરોનાના કુલ 1 લાખ 71 હજાર 830 એક્ટિવ કેસ છે. 3 કરોડ 43 લાખ 6 હજાર 414 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં ડૉ. અરોરાએ કોરોનાની ત્રીજી લહેરમાં કેવી પરિસ્થિતિ રહેશે તે અંગે કેટલીક માહિતી આપી છે.
ડૉ. અરોરા સાથે થયેલ વાતચીત
સવાલ- શું આ કોરોનાની ત્રીજી લહેર (Third Wave of Corona) છે?
જવાબ- આ કોરોનાની ત્રીજી લહેર છે. છેલ્લા એક અઠવાડિયાથી કોરોનાના ત્રણ ગણા કેસ નોંધાયા છે અને ઓમિક્રોનના કેસ પણ સામે આવ્યા છે.
સવાલ- કોરોનાનો પીક સમય આવી ગયો છે તે ક્યારે માનવામાં આવશે?
જવાબ- તે કહી ન શકાય પરંતુ, આવનારા દિવસોમાં કોરોનાના કેસમાં સતત વધારો થશે.
સવાલ- શું ઓમિક્રોન (Omicron)ના કારણે હોસ્પિટલમાં દાખલ થવાના કેસ વધી રહ્યા છે?
જવાબ- છેલ્લા ઘણા દિવસોથી હોસ્પિટલમાં અનેક દર્દીઓ દાખલ થઈ રહ્યા છે, પરંતુ દેશમાં 90થી 95 % કોવિડના બેડ ખાલી છે. બીજી લહેર દરમિયાન ડેલ્ટા (Delta Variant) ના કેસમાં વધારો થવાને કારણે કોવિડના તમામ બેડ ભરાઈ ગયા હતા. ત્રીજી લહેરમાં લક્ષણ વગરના કેસ વધુ જોવા મળી રહ્યા છે. જે દર્દીઓ દાખલ થયા છે તે કોમોર્બિડિટીવાળા દર્દીઓ છે.
સવાલ- બીજી લહેર દરમિયાન એક દિવસમાં 4 લાખથી વધુ કેસ નોંધાતા હતા. ત્રીજી લહેર દરમિયાન એક દિવસમાં કેટલા કેસ સામે આવશે?
જવાબ- તે વિશે કહી ન શકાય. એક દિવસમાં કેટલા નોંધાશે તે વિશે કંઈપણ કહેવું મુશ્કેલ છે. નોર્થ અમેરિકામાં એક દિવસમાં 10 લાખ કેસ, ફ્રાન્સમાં અઢી લાખ કેસ, સ્વિત્ઝર્લેન્ડમાં 20 હજાર કેસ સામે આવ્યા છે. ભારતમાં નેચરલ ઈન્ફેક્શનના કેસ વધુ જોવા મળી રહ્યા છે.
સવાલ- મૃત્યુ થવા પાછળનું કારણ ડેલ્ટા વેરિએન્ટ છે?
જવાબ- હાલમાં મૃત્યુ થવાનું કારણ ડેલ્ટા અથવા ડેલ્ટા પ્લસ છે. ઓમિક્રોનના કારણે મૃત્યુ થયું હોય તેવું લાગી રહ્યું નથી.
સવાલ- બહારના દેશોમાં ઓમિક્રોન વેરિએન્ટના કેસ પહેલા જોવા મળ્યા હતા. ભારતમાં થોડા સમય બાદ ઓમિક્રોનના કેસ જોવા મળ્યા છે, શું હાલમાં તે એસેસમેન્ટ છે? તમારા મત અનુસાર વેક્સિન અસર કરશે?
જવાબ- ભારત સહિત સમગ્ર વિશ્વમાં વેક્સીન (Corona Vaccine) લીધા બાદ પણ બ્રેક થ્રૂ ઈન્ફેક્શન જોવા મળી રહ્યું છે. જે વ્યક્તિઓએ બૂસ્ટર ડોઝ (Booster Dose) લીધો હોય તેમને પણ ઓમિક્રોન (Omicron in India) નું ઈન્ફેક્શન થઈ રહ્યું છે. હાલમાં વેક્સિનથી બચાવ નથી થઈ રહ્યો. સમગ્ર વિશ્વમાં 28 વેક્સિન આપવામાં આવી રહી છે. વેક્સિન લીધા બાદ ગંભીર બીમારી થવાની સંભાવના ઓછી થઈ જાય છે. વૈજ્ઞાનિક અને વેક્સિન નિર્માતા આ બાબત પર કામ કરી રહ્યા છે. ઓમિક્રોન માટેની વેક્સિન બનાવવા પર હાલમાં કામ થઈ રહ્યું છે.
સવાલ- જીનોમ સિક્વન્સિંગની મદદથી ભારતમાં ઓમિક્રોન વેરિએન્ટની હાજરી કેટલી જોવા મળી રહી છે?
જવાબ- ગયા સપ્તાહે 28 ટકા ઓમિક્રોનના કેસ જોવા મળ્યા હતા. તેની પહેલાના સપ્તાહે ઓમિક્રોનના 12 ટકા કેસ જોવા મળ્યા હતા. જેના પરથી જાણવા મળે છે કે, એક અઠવાડિયામાં ઓમિક્રોનના કેસમાં અઢી ગણો વધારો થયો છે. ત્રણથી ચાર મોટા શહેરોમાં જીનોમ સિક્વન્સિંગ 100 ટકા થઈ ગઈ છે.
સવાલ- શું ત્રીજી લહેરમાં લોકડાઉન જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે?
જવાબ- લોકડાઉન (Lockdown) લગાવવું તે કોઈ સમજદારીની વાત નથી. કોરોનાનું સંક્રમણ ફેલાતુ રોકવા માટે ‘સ્માર્ટ કંટેનમેંટ’ની જરૂરિયાત છે. જિલ્લાકીય સ્તરે ‘સ્માર્ટ કંટેનમેંટ’ થઈ શકે છે અને કેટલાક નિયંત્રણો મૂકી શકાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર