નવી દિલ્હી : રાજધાની દિલ્હીમાં ઇઝરાયેલના દૂતાવાસની (Israel Embassy) બહાર થયેલા બોમ્બ બ્લાસ્ટની તપાસ નેશનલ સિક્યુરિટી ગાર્ડ એટલે કે એનએસજીએ શરૂ કરી દીધી છે. એજન્સી ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી રહી છે. શુક્રવારે સાંજે ઇઝરાયેલના દૂતાવાસ પાસે એક બ્લાસ્ટ થયો હતો. હાલ આ મામલાની તપાસ ચાલી રહી છે. સુરક્ષા એજન્સીઓ અને પોલીસ તપાસ કરી રહી છે. જોકે 12 કલાક વધારે સમય પસાર થયો હોવા છતા પોલીસને મોટી સફળતા મળી નથી.
દિલ્હી પોલીસના સ્પેશ્યલ દળે શનિવારે સવારે ઇઝરાયેલ દૂતાવાસની નજીકના તે સ્થળની મુલાકાત લીધી હતી જ્યાં આઈઈડી વિસ્ફોટ થયો હતો. અધિકારીઓએ જણાવ્યું કે સ્પેશ્યલ દળ વિસ્ફોટની તપાસ કરી રહ્યું છે અને આ મામલે સાબિતી ભેગી કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે દિલ્હીના લુટિયન્સ વિસ્તારમાં ઔરંગઝેબ રોડ પર ઇઝરાયેલ દૂતાવાસની નજીક નજીવો આઈઈડી વિસ્ફોટ થયો હતો.
મળેલી માહિતી પ્રમાણે જૈશ ઉલ હિન્દ (Jaish ul Hind) નામના આતંકી સંગઠને ઇઝરાયેલ દૂતાવાસ બહાર થયેલા બ્લાસ્ટની જવાબદારી લીધી છે. કથિત રીતે મેસેજિંગ એપ ટેલીગ્રામના મેસેજ મારફતે આ વાતની પુષ્ટિ કરવાનો દાવો કરવામાં આવ્યો છે. આ મેસેજમાં કહેવામાં આવ્યુ છે કે, "સર્વશક્તિમાન અલ્લાહની કૃપા અને મદદથી જૈશ ઉલ હિન્દના સૈનિકો દિલ્હીના એક ખૂબ સુરક્ષિત વિસ્તારમાં ઘૂસીને IED હુમલો કરવામાં સફળ રહ્યા. ભારતના મુખ્ય શહેરોને નિશાન બનાવતા હુમલાની આ એક શરૂઆત છે. આ ભારત સરકાર દ્વારા કરવામાં કરવામાં આવેલા અત્યાચારનો બદલો લેશે." સૂત્રોએ જણાવ્યું કે વિસ્ફોટ સ્થળ પર તપાસકર્તાને ઇઝરાયેલ દૂતાવાસનું સરનામું લખેલ એક પેકેટ મળ્યું છે. જોકે તેમાં શું છે તે વિશે હજુ કોઈ જાણકારી શેર કરવામાં આવી નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર