નવી દિલ્હી: રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની (NSA Ajit Doval) સુરક્ષામાં ભંગનો મોટો મામલો સામે આવ્યો છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, બુધવારે સવારે 7:45 વાગ્યે એક કારમાં સવાર એક વ્યક્તિએ અજીત ડોભાલના સત્તાવાર નિવાસસ્થાનમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. જેને સુરક્ષાકર્મીઓએ અટકાવ્યો હતો અને ધરપકડ કરી હતી. પકડાયેલ વ્યક્તિની પૂછપરછ ચાલી રહી છે.
દિલ્હી પોલીસે માહિતી આપી છે કે, પ્રારંભિક તપાસમાં વ્યક્તિ માનસિક રીતે અસ્થિર છે અને ભાડેથી વાહન ચલાવતો હતો. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, પકડાયા બાદ વ્યક્તિ થોડો બડબડ કરી રહ્યો હતો. કહી રહ્યો હતા કે, તેમના શરીરમાં કોઈએ ચિપ લગાવી છે અને તેને રિમોટથી કંટ્રોલ કરવામાં આવી રહી છે.
દિલ્હી પોલીસે વ્યક્તિનું સંપૂર્ણ શરીર ચેકઅપ કર્યુ પરંતુ તેના શરીરમાંથી કોઈ ચિપ મળી નથી. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે, NSA અજીત ડોભાલની સુરક્ષા માટે CISF જવાબદાર છે. તેમને ગૃહ મંત્રાલય તરફથી Z+ શ્રેણીની સુરક્ષા મળી છે. કસ્ટડીમાં લેવાયેલ વ્યક્તિ કર્ણાટકના બેંગલુરુનો રહેવાસી છે. તેનું નામ શાંતનુ રેડ્ડી હોવાનું જાણવા મળ્યું છે.
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, તે વ્યક્તિ લાલ કલરની ભાડે SUVમાં નોઈડાથી ડોભાલના ઘરે પહોંચ્યો હતો. તે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારના નિવાસસ્થાનની અંદર કારમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો, તે દરમિયાન સુરક્ષા કર્મચારીઓએ તેને પકડી લીધો હતો.
નોંધનીય છે કે, ઉત્તરાખંડના પૌરી ગઢવાલ જિલ્લાના ખીરી બનેલસુન ગામમાં જન્મેલા અજીત ડોભાલ કેરળ કેડરના આઈપીએસ અધિકારી છે. વર્ષ 1972માં તેઓ ભારતની ગુપ્તચર સંસ્થા IB સાથે જોડાયેલા હતા. તેઓ આઈબીના ડાયરેક્ટર પણ રહી ચૂક્યા છે. ડોભાલ વિશે એવું પણ કહેવાય છે કે, તે સાત વર્ષથી પાકિસ્તાનમાં જાસૂસ તરીકે રહ્યા હતા. તેમણે 'ઓપરેશન બ્લુ સ્ટાર' અને 'ઓપરેશન બ્લુ થંડર'માં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.
1999માં, અટલ બિહારી વાજપેયી સરકાર દરમિયાન, IC-814 એરક્રાફ્ટને કંધારમાં હાઇજેક કરવામાં આવ્યું હતું, જ્યારે અજીત ડોભાલને આતંકવાદીઓ સાથે વાટાઘાટો કરવા માટે રાખવામાં આવ્યા હતા. અજીત ડોભાલને વાસ્તવિક જીવનનો જેમ્સ બોન્ડ કહેવામાં આવે છે. તે ઘણા આતંકવાદી સંગઠનોના નિશાના પર રહે છે. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ધરપકડ કરાયેલા જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી પાસેથી ડોભાલની ઓફિસની રેકીનો વીડિયો મળી આવ્યો છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર