Home /News /national-international /હવે બે કાયદા, બે પ્રધાન કે બે નિશાન નથી, તો પછી કાશ્મીરમાં અલગ પોલીસ મેડલનો આગ્રહ શા માટે?
હવે બે કાયદા, બે પ્રધાન કે બે નિશાન નથી, તો પછી કાશ્મીરમાં અલગ પોલીસ મેડલનો આગ્રહ શા માટે?
જમ્મુ-કાશ્મીરમાં પોલીસ કર્મચારીઓને શેખની તસવીર સાથે મેડલ કેમ આપવામાં આવી રહ્યા હતા?
જો રાષ્ટ્રીય સ્તર પર કે દેશના અન્ય રાજ્યોમાં વીરતા અને સેવા માટે પોલીસ અધિકારીઓને આપવામાં આવતા એવોર્ડ ભારતના રાષ્ટ્રચિહ્ન સાથે આપવામાં આવે છે તો શેખ અબ્દુલ્લાની તસવીર વાળો એવોર્ડ જમ્મુ કાશ્મીરના બહાદુર પોલીસકર્મીઓને આપવો કેટલું વ્યાજબી છે.
જમ્મુ-કાશ્મીરના પોલીસકર્મીઓને પણ હવે અન્ય રાજ્યની જેમ તેમની બહાદુરી અને સેવા માટે પોલીસ મેડલ મળશે, પણ તેના પર શેર-એ-કાશ્મીરના નામથી શેખ અબ્દુલ્લાની તસવીરના સ્થાને ભારતનું રાજચિહ્ન હશે. જમ્મુ-કાશ્મીરના રાજકીય પક્ષોએ સમજવું પડશે કે, પોલીસ મેડલ સમાજ અને દેશની ઉત્કૃષ્ટ સેવા માટે હોય છે, કોઈ વ્યક્તિ સાથે જોડવા માટે નહીં.
જમ્મુ-કાશ્મીરમાં ભારતના રાજ ચિન્હની જગ્યાએ શેખ અબ્દુલ્લાની તસવીર સાથે પોલીસકર્મીઓને હિંમત અને સેવા માટે એવોર્ડ આપવામાં આવતા હતા. આ પ્રથામાં જમ્મુ-કાશ્મીરના તંત્રએ ફેરફાર કરતાં દેશના મોટાભાગના લોકોના ધ્યાનમાં આ વાત આવી હતી. હિંમત અને સેવા માટેના આ પોલીસ મેડલમાં હવે એક તરફ ભારતનો રાજચિહ્ન હશે અને બીજી તરફ જમ્મુ-કાશ્મીર પોલીસ મેડલ લખાશે, જરૂરિયાત મુજબ હિંમત કે ઉત્કૃષ્ટ સેવા શબ્દનો ઉપયોગ થશે. ભારતના તમામ રાજ્યોમાં આવું જ થતું આવ્યું છે. આવી સ્થિતિમાં, જમ્મુ-કાશ્મીરમાં પોલીસ કર્મચારીઓને શેખની તસવીર સાથે મેડલ કેમ આપવામાં આવી રહ્યા હતા? આ મોટો પ્રશ્ન છે.
દેશમાં રાજ્ય પુરસ્કારો વ્યક્તિગત પૂજા માટે ન હોઈ શકે, ખાસ કરીને પોલીસ અથવા સૈન્યના જવાનોને આપવામાં આવતા ચંદ્રકો તો ન જ હોય શકે. આપણા જવાનો દેશની રક્ષાના કામમાં લાગેલા છે, તેઓ રાત-દિવસ આપણને આંતરિક અને બાહ્ય શક્તિઓથી બચાવવા માટે લાગેલા રહે છે, તેથી તેમની બહાદુરી અને સેવા માટેના ચંદ્રકમાં કોઈ નેતાની તસવીર નહીં, પરંતુ ભારતનું રાજચિન્હ હોવું જોઈએ. આ જ કારણ હતું કે, કાયદા ઘડનારાઓએ રાષ્ટ્રપતિના પોલીસ મેડલ ઓફ ગેલેન્ટરી અથવા મેરીટિરિયસ સર્વિસને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નામની જગ્યાએ ભારતના શાહી પ્રતીક સાથે બનાવ્યું હતું.
રાષ્ટ્રીય સ્તરે કે દેશના બાકીના ભાગોમાં શૌર્ય અને સેવા માટે પોલીસ અધિકારીઓને આપવામાં આવતા ચંદ્રકો જો ભારતના રાજચિહ્નની સાથે આપવામાં આવે છે, તો જમ્મુ-કાશ્મીરના વીર પોલીસકર્મીઓને શેખ અબ્દુલ્લાની તસવીર સાથેનો મેડલ આપવાનો શું અર્થ છે? આવી વ્યક્તિ પૂજાની પ્રથાને નાબૂદ કરવાની પહેલેથી જ જરૂર હતી. પણ નેશનલ કોન્ફરન્સ તેનો વિરોધ કરી રહી છે, એટલું જ નહીં મહેબૂબા મુફ્તીના નેતૃત્વવાળી પીડીપી પણ અબ્દુલ્લા પરિવારનો પક્ષ લઈ રહી છે. આશ્ચર્યની વાત તો એ છે કે, ભૂતકાળમાં આ બંને મોરચા એકબીજા સામે જોવા પણ તૈયાર નહોતા. તેઓ માત્ર મોદી સરકારનો જ વિરોધ કરવા માંગે છે.
નેશનલ કોન્ફરન્સનો વિરોધ સમજી શકાય તેમ છે, આખરે ડોગરા રાજનો વિરોધ કરતાં નહેરુની મદદથી 1947ના છેલ્લા મહિનાઓમાં કાશ્મીરની સત્તા સંભાળનાર શેખ અબ્દુલ્લાએ જમ્મુ-કાશ્મીરને શેખદામ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. સત્તા કબજે કરવાની લાલચમાં મુસ્લિમ કોન્ફરન્સમાંથી પોતાની પાર્ટીને નેશનલ કોન્ફરન્સનું નવું નામ આપનાર શેખ અબ્દુલ્લાએ લોકશાહીની વાત કરી હતી, પરંતુ ખરેખર પોતાને કાશ્મીરના રાજકારણના કેન્દ્રમાં રાખીને રાજ્યમાં લોકશાહીનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો હતો. આના પરિણામે પોતાના સમર્થકો થકી પોતાને શેર-એ-કાશ્મીર કહેનારા અબ્દુલ્લાએ પોતાની પાર્ટી નેશનલ કોન્ફરન્સ સામે કોઈ રાજકીય પડકાર ઊભો ન થાય તે માટે પૂરી કોશિશ કરી હતી.
પોતાની સામેના રાજકીય પડકારનો અંત લાવવા માટે શેખ અબ્દુલ્લાએ એ જ પોલીસ અને ગુપ્તચર તંત્રનો ઉપયોગ કર્યો હતો, જે તેમના મિત્ર અને રાજકીય માર્ગદર્શક જવાહરલાલ નેહરુએ રાજકીય શત્રુઓ અને તેમના પરિવારો પર નજર રાખવા માટે એક સમયે કર્યો હતો. કેન્દ્ર સરકારના જૂના દસ્તાવેજો થોડા વર્ષો પહેલા પ્રકાશમાં આવ્યા પછી ધ્યાનમાં આવ્યું કે, નહેરુએ સુભાષચંદ્ર બોઝ જેવા તેમના રાજકીય હરીફ વિશે માહિતી મેળવવા માટે દોઢ દાયકાથી વધુ સમય સુધી તેમના પરિવારના સભ્યો પર નજર રખાવી હતી. સુભાષચંદ્ર બોઝના નિધનના સમાચાર આવ્યા બાદ પણ તે ચાલુ જ રાખ્યું હતું.
શેખ અબ્દુલ્લાએ પણ નહેરુ પાસેથી ખૂબ સારી રીતે આ પાઠ શીખ્યો હતો. જમ્મુ-કાશ્મીર પોલીસના ગુપ્તચર વિભાગના દસ્તાવેજો દર્શાવે છે કે, શેખ અબ્દુલ્લા તે સમયે તેમને પડકારનારી એકમાત્ર રાજકીય સંસ્થા પ્રજા પરિષદના નેતાઓ પર નજર રાખતા હતા. શેખના ઈશારે જમ્મુ-કાશ્મીરની ગુપ્તચર પોલીસના અધિકારીઓ પ્રજા પરિષદના પ્રમુખ ગિરધારીલાલ ડોગરા પર જ નહીં, પરંતુ ચર્ચામાં આવ્યા વિના કાઉન્સિલની પ્રવૃત્તિઓને આગળ ધપાવી રહેલા શિવરામ ગુપ્તા અને માખનલાલ જેવા નેતાઓ પર પણ નજર રાખતા હતા. પોલીસ અધિકારી પ્રજા પરિષદના દરેક વરિષ્ઠ નેતાની દરેક પ્રવૃત્તિ અંગે શેખ અબ્દુલ્લાને જાણ કરતા હતા. પ્રજા પરિષદના નેતાઓ કેવી રીતે શેખ અબ્દુલ્લાની વર્તમાન સરકારને રાજકીય રીતે મજબૂત પડકાર આપવાનું કામ કરી રહ્યા છે અને તેમને કાબૂમાં લેવા શું કરવું જોઈએ તે પણ જણાવવામાં આવતું હતું.
પોતાના રાજકીય સ્વાર્થ માટે કોઈ પણ જાતના ખચકાટ વિના પોલીસ અધિકારીઓનો ઉપયોગ કરી રહેલા શેખ અબ્દુલ્લાના ફોટોગ્રાફની સાથે પોલીસકર્મીઓને શૌર્ય ચંદ્રકો આપવાનું કેટલું વાજબી છે? તે પ્રશ્ન ઊભો થાય છે. જમ્મુ-કાશ્મીરના રાજકીય ઈતિહાસની વાત કરીએ તો શેખ અબ્દુલ્લાએ પ્રજા પરિષદના નેતાઓ પર ગંભીર અત્યાચાર ગુજારી તેમને જેલમાં રાખ્યા હતા. તેણે ભારતીય જનસંઘના સ્થાપક પ્રમુખ શ્યામા પ્રસાદ મુખરજીની પણ ધરપકડ કરી હતી. 1953માં શેખની સરકાર દરમિયાન જ મુખરજીનું મૃત્યુ શંકાસ્પદ સંજોગોમાં થયું હતું અને તેમના પરિવારની માગણીને નકારી કાઢીને શેખ અબ્દુલ્લાએ કોઈ પણ પ્રકારની તપાસ હાથ ધરી નહોતી.
શેખે તેમની રાજકીય કારકીર્દિમાં પોલીસકર્મીઓને પ્રેરણા આપે એવો કોઈ આદર્શ સ્થાપિત કર્યો ન હતો. જમ્મુ-કાશ્મીરમાં હુમલો થયો ત્યારે શેખ ભાગીને દિલ્હી આવી ગયા હતા અને પછી ભારત સરકારે જમ્મુ-કાશ્મીર રજવાડાના ભારતમાં વિલયને મંજૂરી આપીને ખીણમાં સૈન્ય મોકલવાનો નિર્ણય કર્યો ત્યાં સુધી કાશ્મીર ખીણમાં પાછા ફર્યા ન હતા.
સત્ય એ છે કે, ઓક્ટોબર 1947માં કાશ્મીર પર આક્રમણ સમયે જો કોઇએ સૌથી વધુ હિંમત દેખાડી તો તે મકબૂલ શેરવાની હતા. કબીલાઓ સામે કોઈ પણ જાતના સાંપ્રદાયિક ભેદભાવ વિના તમામ નાગરિકોની સુરક્ષા માટે શેરવાની બારામુલ્લામાં ખડકની જેમ ઉભા રહ્યા હતા અને આ દરમિયાન તેઓ લડતા લડતા શહીદ થયા હતા. આવી જ બહાદુરી સાદિક અને મહમુદ શાહ દ્વારા પણ બતાવવામાં આવી હતી, જેમણે શિક્ષક તરીકેની તેમની ભૂમિકાથી આગળ વધીને મહિલાઓ અને પુરુષોને એકઠા કરી આતંક સામે મોરચો સંભાળ્યો હતો. કાશ્મીરમાં હુમલો થઈ રહ્યો હત તે સમયે શેખ દિલ્હીમાં નહેરુના ઘરે બેઠા હતા. એવો ભય હતો કે જો ભારત સરકાર જમ્મુ-કાશ્મીર રજવાડાના વિલયને મંજૂરી ન આપે અને મહારાજા હરિસિંહે વહેલી તકે લશ્કરી સહાય ન મળવાની સ્થિતિમાં મજબૂર થઈ પાકિસ્તાનની શરણમાં જવાનું નક્કી કરે તો પછી કાશ્મીરનું સુકાન સંભાળવાના તેમના અરમાનોનું શું થશે?
આવી સ્થિતિમાં જમ્મુ-કાશ્મીરના મહારાજાના પ્રતિનિધિ તરીકે મેહરચંદ મહાજને ટૂંક સમયમાં ભારત સરકાર તરફથી કોઈ મદદ નહીં મળે તો પાકિસ્તાનનો દરવાજો ખટખટાવવાની ધમકી આપતાં જ શેખ કૂદી પડ્યા હતા અને હાથમાંથી બાજી જતી રહેશે તેમ માની નહેરુને ઉતાવળ કરવા ઈશારો કરવા લાગ્યા હતા. મહારાજા હરિસિંહે નહેરુ અને પટેલના કહેવાથી શેખ અબ્દુલ્લાને જમ્મુ-કાશ્મીરના વડા પ્રધાન બનાવ્યા તેનો ઇતિહાસ સાક્ષી છે, શેખે શાહી પરિવાર વિરુદ્ધ પોતાનું અભિયાન વધુ તીવ્ર બનાવ્યું હતું.
શેખની જીદના કારણે હરિસિંહે પુત્ર કર્ણસિંહને રીજન્ટ બનાવી રજવાડું છોડી મુંબઈ જવું પડ્યું હતું, જ્યાંથી તેઓ ક્યારેય પોતાના રજવાડામાં જીવતા પાછા ફર્યા ન હતા. એટલું જ નહીં, શેખ અબ્દુલ્લાએ ઝડપથી કાશ્મીર વિરુદ્ધ જમ્મુનું રાજકારણ પણ શરૂ કરી દીધું હતું, મુસ્લિમ વિરુદ્ધ હિન્દુ રાજકારણનો પર્દાફાશ 1947-48માં જ થયો હતો. ભાગલા સમયે મુસ્લિમોની વેદના જોવા મળી હતી, પરંતુ જે હિન્દુઓને પાકિસ્તાનથી ભાગીને જમ્મુ-કાશ્મીર આવવું પડ્યું હતું, તેઓ લાંબા સમય સુધી નાગરિક અધિકારોથી વંચિત રહ્યા હતા, જમ્મુ-કાશ્મીરની સરકાર ચૂંટવા માટે તેમની પાસે મત આપવાના અધિકાર અપાયા નહોતા. એક દેશમાં બે વિધાન, બે પ્રધાન અને બે નિશાન ન ચાલે એવા નારા લગાવતા શ્યામાપ્રસાદ મુખરજી જમ્મુ-કાશ્મીરમાં પ્રવેશ્યા હતા, જ્યાંથી તેઓ જીવતા પાછા ફરી શક્યા નહોતા. પરંતુ તેમની શહાદત વ્યર્થ ન ગઈ. શેખના જીવનમાં જ બે પ્રધાનની વ્યવસ્થાનો અંત આવ્યો એટલે કે શરૂઆતના દિવસોમાં વડાપ્રધાન કહેવાતા જમ્મુ-કાશ્મીરની સરકારના વડા શેખ અબ્દુલ્લાની પહેલી હકાલપટ્ટીના બાર વર્ષ બાદ મુખ્યમંત્રી તરીકે ઓળખાવા લાગ્યા હતા.
બે વિધાન અને બે નિશાનની વ્યવસ્થા મુખર્જીના પદચિન્હો પર બનેલી ભાજપ અને નરેન્દ્ર મોદીએ સમાપ્ત કરી નાખી છે. વડા પ્રધાન મોદીએ ઓગસ્ટ 2019 માં કલમ 370 નાબૂદ કરી હતી.
અગાઉ ભારતનો ભાગ હોવા છતાં શેખ અબ્દુલ્લાના આગ્રહને કારણે અલગ રાખવામાં આવ્યું હતું તે જમ્મુ-કાશ્મીર માટે હવે અલગ બંધારણ નથી, કે અલગ રાજ્યનો ઝંડો પણ નથી. હવે બે કાયદા, બે પ્રધાનો અને બે નિશાન નથી, ત્યારે અત્યારના સમયમાં જમ્મુ-કાશ્મીરમાં બહાદુરીનો શેખની તસવીર સાથેનો અલગ પોલીસ મેડલ શા માટે હોવો જોઈએ? 2001માં મુખ્યમંત્રી હતા ત્યારે ફારૂક અબ્દુલ્લાએ તેમના પિતાની તસવીર સાથે રાજ્ય પોલીસ મેડલ આપવાનું શરૂ કર્યું હતું, તે ભૂલને બે દાયકા બાદ ઉપરાજ્યપાલ સિંહાના નેતૃત્વમાં સુધારવામાં આવી છે. અબ્દુલ્લા અને મુફ્તી પરિવારને આ ભૂલ ન સમજાતી હોય તો શું કરવું જોઈએ? તેમણે ભૂતકાળમાં કલમ 370ના નામે કાશ્મીરમાં રાજકારણના રોટલા શેકયા હતા અને હવે તેમના ગયા પછી પણ તેઓ ભૂતકાળની ઉથલપાથલમાંથી બહાર આવી શકતા નથી. આવી સ્થિતિમાં, ખોટા અને સાચા વચ્ચેનો તફાવત પારખી શકતા નથી, તો પછી આશ્ચર્ય શેનું?
( લેખક - નેટવર્ક 18 સમૂહમાં મેનેજિંગ એડિટર તરીકે કાર્યરત છે. )
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર