Viral : હોસ્પિટલમાંથી વાહન ન મળતા, પિતા માસૂમના મૃતદેહને ખભા પર ઉઠાવીને ઘરે લઇ ગયા
ઓડિશામાં પિતા પોતાના બાળકના મૃતદેહને ખભે ઉપાડીને લઇ ગયા
2016ની હ્રદયદ્રાવક ઘટનાને જરા યાદ કરો, જ્યાં એક પતિ તેની પત્નીના મૃતદેહને ખભા પર લઈને લગભગ 12 કિમી સુધી ચાલ્યો હતો, કારણ કે મૃતદેહને ઘરે પહોંચાડવા માટે હોસ્પિટલમાં કોઈ વાહન નહોતું. આ ઘટના બાદ ઓડિશા સરકારે 'મહાપર્યાણ યોજના' શરૂ કરી. પરંતુ 6 વર્ષ પછી પણ પરિસ્થિતિ બદલાઈ નથી. આ વખતે એક વ્યક્તિ તેના પુત્રના મૃતદેહને હોસ્પિટલમાંથી ખભા પર લઈ ગયો.
એક પિતા, જે એક સમયે પોતાના લાડકવાયાને ખભા પર બોસાડીને ફરાવતા હતા…એ લાચાર પિતાને શું ખબર હતી કે એક દિવસ તે પોતાના કાળજાના કટકાની નિર્જીવ લાશને આ રીતે ખભા પર લઈ જવા મજબૂર થશે…ઓડિશાના રાયગડા જિલ્લાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક 41 વર્ષીય વ્યક્તિ તેના 9 વર્ષના પુત્રના મૃતદેહને ખભા પર લઈ જઈ રહ્યો છે. આ વીડિયોએ લોકોના દિલને હચમચાવી દેનાર દાના માંઝીની (Dana Manjhi) યાદ અપાવી દીધી.
રાયગડા જિલ્લાના હરિજન શાહી વિસ્તારના રહેવાસી સુરધર બેનિયાનો 9 વર્ષનો પુત્ર આકાશ છેલ્લા કેટલાક દિવસોથી ઝાડાથી પીડિત હતો. રવિવારે સવારે જ્યારે આકાશની હાલત અત્યંત નાજુક થઈ ગઈ ત્યારે સુરધર તરત જ તેના પુત્રને જિલ્લા મુખ્યાલય હોસ્પિટલમાં લઈ ગયો. તે સમયે ડોક્ટર રાજેન્દ્ર સોરેન ફરજ પર હાજર હતા. ડોક્ટરે તપાસ કરી અને કહ્યું કે આકાશનું મૃત્યુ થયું છે. શોકગ્રસ્ત સુરધર અને તેના પરિવારજનોને આશા હતી કે બાળકને હોસ્પિટલમાંથી લઈ જવાની કોઈ વ્યવસ્થા થશે, પરંતુ કલાકો સુધી રાહ જોવા છતાં હોસ્પિટલ મેનેજમેન્ટ કોઈ વ્યવસ્થા કરી શક્યું નથી.
આખરે સુરધર પુત્રના મૃતદેહને પોતાના ખભા પર ઉઠાવીને પરિવારના અન્ય સભ્યો સાથે તેના ઘર તરફ ગયો. આકાશની મા તેની પાછળ બેસુધ થઈને ચાલી રહી હતી. આ વીડિયોમાં જોઈ શકાય છે. પુત્રના મૃતદેહને ખભા પર લઈને સુરધર દોઢ કિલોમીટર ચાલીને ઘરે પહોંચ્યો હતો.
https://youtu.be/9XwiV8Y8ZwI
તપાસના આદેશ
ન્યૂ ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, સુરધર અને તેના પરિવારે દાવો કર્યો હતો કે તેઓએ મૃતદેહની વ્યવસ્થા કરવા માટે DHH અધિકારીઓનો સંપર્ક કર્યો હતો. હોસ્પિટલના સ્ટાફે આરોપોને નકારી કાઢ્યા છે. બીજી તરફ, રાયગઢના કલેક્ટર સરોજ મિશ્રાએ કહ્યું કે DHHમાં મહાપરાયણ સેવા માટે પૂરતા વાહનો ઉપલબ્ધ છે અને આ મામલે તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે. મુખ્ય જિલ્લા ચિકિત્સા અધિકારી ડૉ. લાલમોહન રાઉત્રેએ જણાવ્યું કે તેમણે ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.
ઉલ્લેખનીય છે કે, 2016માં કાલાહાંડી જિલ્લાના દાના માંઝીએ તેમની પત્નીના મૃતદેહને ખભા પર લઈને લગભગ 12 કિમી સુધી ચાલ્યું હતું. આ મામલો ઘણો ચર્ચામાં રહ્યો હતો. તે હૃદયદ્રાવક ઘટના બાદ ઓડિશા સરકારે 'મહાપરાયણ યોજના' લાગુ કરી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર