કર્ણાટકમાં કોઈ પક્ષ સાથે ગઠબંધન નહીં, આપબળે સરકાર બનાવીશું: શાહ

 • Share this:
  કર્ણાટકમાં રાજકીય પક્ષો 12મી મેના રોજ યોજાનાર વિધાનસભાની ચૂંટણી માટે પ્રચારમાં કામે લાગ્યા છે. શુક્રવારે અમિત શાહે જેડીએસના ગઢ મનાતા મૈસૂર વિસ્તારની મુલાકાત લીધી હતી. 2013ની વિધાનસભા ચૂંટણીમાં બીજેપીને આ વિસ્તારમાંથી એક પણ બેઠક મળી ન હતી. પરંતુ આ દરમિયાન આચાર સંહિતાના ભંગને લઈને બીજેપી-કોંગ્રેસ એકબીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવી રહ્યા છે. અમિત શાહે સિદ્ધારમૈયા પર મંદિરના પૂજારીને રૂ. 2000 આપવાનો આરોપ લગાવ્યો હતો, જ્યારે સામે કોંગ્રેસે પલટવાર કરતા અમિત શાહ દ્વારા આરએસએસ કાર્યકર એચ રાજુની માતાને પાંચ લાખનો ચેક આપવામાં આવ્યાની વાતને આચાર સંહિતાનું ઉલ્લંઘન ગણાવ્યું હતું. નોંધનીય છે કે એચ રાજુની થોડા દિવસ પહેલા હત્યા થઈ ગઈ હતી.

  આપબળે સરકારી બનાવીશું: અમિત શાહ

  બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે શનિવારે પ્રેસ કોન્ફરન્સ સંબોધતા કહ્યું હતું કે, 'મને પૂરો વિશ્વાસ છે કે બીજેપીની જીત થશે. હું આખા રાજ્યમાં ફર્યો છું, મને માલુમ પડ્યું છે કે રાજ્યના તમામ લોકો વિકાસની રાહ જોઈ રહ્યા છે. કોંગ્રેસ અને ભ્રષ્ટાચારનો સંબંધ ખૂબ જૂનો છે. માછલી અને પાણી જેવો સંબંધ કોંગ્રેસ અને ભ્રષ્ટાચાર વચ્ચે છે. સિદ્ધારમૈયા સરકારે તેને વધુ ગાઢ બનાવ્યો છે. આઈટી સેક્ટર આટલું મજબૂત હોવા છતાં અહીં હજી સુધી 24 કલાક વીજળી નથી મળી રહી. સ્વાસ્થ્ય તેમજ કેન્દ્ર સરકારની યોજનાઓને હજુ સુધી અહીં યોગ્ય રીતે લાગૂ નથી કરવામાં આવી. 3500થી વધારે ખેડૂતો આત્મહત્યા કરી ચુક્યા છે. વિકાસની વાત કરીએ તો તમામ માપદંડોમાં કોંગ્રેસ નીચે જઈ રહી છે. અમે દરેક બેઠક પર ઉમેદવારને મેદાનમાં ઉતારીશું અને પોતાના દમ પર જ સરકાર બનાવીશું. કોઈ સાથે ગઢબંધન નહીં કરીએ. અમુક બેઠક પર ત્રિકોણિય જંગ છે, પરંતુ બીજેપી તમામ જગ્યાએ આક્રમક છે.'

  લિંગાયતને અલગ ધર્મનો દરજ્જો આપવા અંગે અમિત શાહે જણાવ્યું હતું કે, આ મુદ્દે કોંગ્રેસ રાજકારણ કરી રહી છે. તેમણે પાંચ વર્ષ સરકાર ચલાવી હતી, પરંતુ સરકાર બની હતી ત્યારે તેમણે આવો નિર્ણય કેમ ન લીધો. સાડા ચાર મહિના સુધી રાહ કેમ જોઈ? લિંગાયત વોટને વહેંચી નાખવાની આ ચાલ છે.

  લોકોએ કર્ણાટકમાંથી સિદ્ધારમૈયાને વિદાય આપવાનું નક્કી કરી લીધું છે. કર્ણાટક ભ્રષ્ટાચારનું એટીએમ બની ગયું છે. ખેડૂતોની આત્મહત્યાને કોઈ કેવી રીતે ષડયંત્ર કહી શકે છે. મેં નિર્ણય કર્યો કે 10 લાખ રૂપિયા ગરીબ પરિવાર અને 5 લાખ રૂપિયા સ્વાસ્થ્ય વીમાના સ્વરૂપમાં આપીશું.

  સિદ્ધારમૈયાનો પલટવાર

  કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પીએમ મોદી પર પલટવાર કરતા કહ્યું હતું કે આ ખરેખર આઘાત પમાડનાર વાત છે કે ઘોડો રાખવા પર અને તેની સવારી કરવા પર એક દલિતની હત્યા કરવામાં આવે છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, ગુજરાતમાં દલિતો સાથે અમાનવીય વ્યવહાર થઈ રહ્યો છે અને અહીં કર્ણાટકમાં એક ગુજરાતી સજ્જન જુમલાની બેગ લઈને આવે છે અને દલિતોને સ્વર્ગ આપવાનું વચન આપે છે.

  Published by:Vinod Zankhaliya
  First published: