પીએનબી ફ્રોડના આરોપી નીરવ મોદીએ પોતાના તમામ કર્મચારીઓને હટાવી દીધા છે. CNBC TV18ને મળેલી માહિતા પ્રમાણે નીરવ મોદીએ પોતાના કર્મચારીઓને કહી દીધું છે કે તેઓ ફેબ્રુઆરીના અંત સુધીમાં રિલીવિંગ લેટર લઈ લે.
નીરવ મોદીએ પોતાના કર્મચારીઓને લખેલા એક ઇ-મેઇલમાં લખ્યું છે કે, 'તમે બીજી નોકરી શોધી લો. અમે તમારી બાકી રકમ ચુકવવા માટે સમર્થ નથી.' નીરવે એવું પણ લખ્યું છે કે તેઓ દેશભરમાં આવેલા તેના શોરૂમ્સ બંધ કરી રહ્યા છે.
નીરવ મોદી ભારત પરત ફરશેઃ તેમનો વકીલ
પંજાબ નેશનલ બેંક સાથે 11,360 કરોડના ગોટાળાના મુખ્ય આરોપી હીરાના વેપારી નીરવ મોદી સામે ઈડી અને સીબીઆઈએ તપાસ વધારે ઝડપી કરી છે. બીજ તરફ નીરવ મોદીના વકીલ અજય અગ્રવાલનું કહેવું છે કે નીરવ મોદી ભારત પરત ફરશે, પરંતુ તેમની અમુક શરત છે.
પીએનબી સ્કેમમાં બુધવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી બાદ નીરવ મોદીના વકીલ વિજય અગ્રવાલે કહ્યું કે, 'તેમના અસીલ ભારત પરત ફરશે. પરંતુ એ માટે જરૂર છે કે તેમને વિશ્વાસ અપાવવામાં આવે કે કેસની યોગ્ય રીતે તપાસ થશે.'
આર્થિક ગુનાઓના કેસના નિષ્ણાત એડ્વોકેટ વિજય અગ્રવાલે કહ્યું કે, 'તેમને (નીરવ મોદી)' તપાસ પ્રક્રિયા પર શંકા છે. આ કેસમાં અમુક લોકોની કોઈ કારણ વગર ધરપકડ કરવામાં આવી છે. નીરવ મોદી એ શરત પર જ ભારત આવશે કે સરકાર તેમને પૂરો વિશ્વાસ અપાવે કે આખા કેસની તપાસ નિષ્પક્ષ રીતે કરવામાં આવશે. હાલમાં તેઓ ભારતમાં નથી.'
તેમણે કહ્યું, 'દરેક વ્યક્તિ પોતાની જાતને બચાવે છે. તેઓ પણ એ જ કરી રહ્યા છે. હું સતત તેમના સંપર્કમાં છું. ચાર્જશીટમાં માલુમ પડી જશે કે આખરે આ આખો મામલો શું છે.'
વિજય અગ્રવાલે વધુમાં કહ્યું કે, 'સીબીઆઈએ અનેક કેસની તપાસ કરી છે. બાદમાં શું થયું? બોફોર્સ અને 2જીના દાખલા તમારી સામે જ છે. જો તપાસ એજન્સી બધુ સીઝ કરે દેશે તો નીરવ મોદી પંજાબ નેશનલ બેંકને શું જવાબ આપશે? કર્મચારીઓનો પગાર ક્યાંથી થશે?'
નોંધનીય છે કે પીએનબી સ્કેમને લઈને વિનીત ઢાંડી નામના એક વ્યક્તિએ સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરી છે. આ અંગે બુધવારે સુનાવણી થઈ હતી. આ દરમિયાન નીરવ મોદીના પક્ષે સ્વતંત્ર તપાસની માગણી કરી હતી, જેનો કેન્દ્ર સરકારે વિરોધ કર્યો હતો. કોર્ટે આ કેસની વધુ સુનાવણી 10મી તારીખ પર મુલતવી રાખી છે.
પીએનબી ગોટાળા બાદ નીરવ મોદીના વિવિધ જ્વેલરી શોરૂમ્સ સહિતના ઠેકાણાઓ પર ઇડી અને સીબીઆઈના દરોડા ચાલી રહ્યા છે. તેની અનેક સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. અનેક અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. મંગળવારે આ કેસમાં સીબાઆઈએ નીરવ મોદીની કંપની ફાયરસ્ટાર ડાયમંડના ફિનાન્સ પ્રેસિડેન્ટની ધરપકડ કરી હતી.
બેંકને લખ્યો પત્ર
આ પહેલા નીરવ મોદીએ પંજાબ નેશનલ બેંકને એક પત્ર લખ્યો હતો. 15-16 જાન્યુઆરીના રોજ લખવામાં આવેલા લેટરમાં મોદીએ લખ્યું છે કે, 'તમે રકમ ખૂબ જ વધારીને બતાવી છે. આ રકમ પાંચ હજાર કરોડથી ઓછી છે. તમે આ વાત તમામને જણાવી દીધી છે, જેના બાદમાં મારો ધંધો ભાંગી પડ્યો છે.' તેમણે આ પત્ર દ્વારા એક વાત સ્પષ્ટ કરી દીધી છે કે તેઓ લોન ચુકવી શકવાની સ્થિતિમાં નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર