લંડન : ભાગેડુ હીરા વેપારી નિરવ મોદીએ ગુરુવારે યુકેની સૌથી 'ભરચક' જેલમાં હોળીની રાત વિતાવી હતી. સ્કોટલેન્ડ યાર્ડ પોલીસે નિરવ મોદીની ધરપકડ કર્યા બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ન્યાયાધીશે નીરવ મોદીની જામીન અરજી ફગાવી દેતા તેણે જેલમાં રાત વિતાવવી પડી હતી.
48 વર્ષીય નીરવ મોદીની મંગળવાર સ્કોટલેન્ડ યાર્ડ પોલીસે ધરપકડ કરી હતી. નીરવ મોદીને બુધવારે લંડન ખાતેની વેસ્ટમિનસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટના ડિસ્ટ્રિક્ટ જજ મેરી મેલન સામે રજૂ કરવામાં આવ્યો હતો. જજે નીરવ મોદીને 29મી માર્ચ સુધી રિમાન્ડ પર મોકલી આપ્યો હતો. જે બાદમાં તેને દક્ષિણ-પશ્ચિમ લંડનમાં આવેલા વેન્ડ્સવર્થની એચએમપી (હર મેજિસ્ટ્રીસ પ્રિઝન)માં મોકલી આપવામાં આવ્યો હતો.
કદાચ નીરવ મોદીને આશા હશે કે જેલમાં તેને કોઈ અલગ સેલ આપવામાં આવશે. પરંતુ આ જેલમાં ક્ષમતા કરતા વધારે કેદીઓ હોવાથી નીરવ મોદીએ જેલના 1430 કેદીઓમાંથી કોઈ સાથે રાત વિતાવવી પડી હતી.
ફેબ્રુઆરી-માર્ચ, 2018માં કરવામાં આવેલા એક સર્વેમાં માલુમ પડ્યું હતું કે વેન્ડ્સવર્થની વિક્ટોરિયન વખતની જેલમાં ક્ષમતા કરતા વધારે કેદીઓ રાખવામાં આવ્યા છે. આ જેલને યુકે અને વેલ્સની સૌથી ભરચક જેલનું બીરુદ મળ્યું હતું. આ જેલમાં ડ્રગ્સના વ્યસનીઓ હોય તેવા અને માનસિક હાલત સારી ન હોય તેવા કેદીઓને રાખવામાં આવે છે.
છેલ્લે તપાસ દરમિયાન માલુમ પડ્યું હતું કે જેલમાં લડાઈને કારણે છ કેદીઓનાં મોત થયા હતા. જે બાદમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે કેદીનાં જીવ જોખમમાં હોય તેવી પરિસ્થિતિમાં પણ જેલનો કોઈ પણ સ્ટાફ કેદીની કોટડીમાં એકલો દાખલ નહીં થાય. આ જેલની કોટડીઓને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે તેમાં એક જ કેદી રહી શકે. જોકે, તપાસમાં કોટડીઓમાં એક કરતા વધારે કેદીઓ રહેતા હોવાનું માલુમ પડ્યું હતું. કોટડીમાં શૌચાલયો પણ ખૂબ ખરાબ હાલતમાં હતા. કેદીઓને પોતાની કોટડીમાંથી બહુ ઓછા સમય માટે બહાર કાઢવામાં આવતા હતા.
લંડનના સૌથી ભવ્ય ફ્લેટમાં રહેતા નીરવ મોદીને હવે જ્યારે આવી જેલમાં રહેવું પડશે ત્યારે અંદાજ લગાવી શકાય છે કે તેની હાલત શું હશે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર