ન્યૂઝ 18 ગુજરાતી: પંજાબ નેશનલ બેન્કના ગોટાળાના આરોપી હીરા વેપારી નીરવ મોદીને લંડનની અદાલતે જામીન આપવાનો ઇન્કાર કરી દીધો છે. નીરવ મોદીની લંડન પોલીસે ધરપકડ કરી હતી અન તેમને 29મી માર્ચ સુધી કસ્ટડીમાં લઈ ગયા છે. નીરવે જામીન અરજી દાખલ કરી હતી જેમાં ઉલ્લેખ હતો કે તેમની પાસે બચાવ માટે અનેક દલીલો છે. તેણે જામીન પેટે પાંચ લાખ પાઉન્ડ આપવાની પણ તૈયારી દર્શાવી હતી. જોકે, લંડન પોલીસની ધરકપડ બાદ અદાલતે તેમની જામીન અરજી નામંજૂર કરી છે. સીબીઆઈ નીરવ મોદીના ભારત પ્રત્યાર્પણના સતત પ્રયાસો કરી રહી છે.
મંગળવારે રાતે નીરવ મોદીને NEWS18ની ટીમે નીરવ મોદીને લંડનની ઑક્સફોર્ડ સ્ટ્રીટમાં ખુલ્લેઆમ ફરતા જોયા હતા. આ દરમિયાન NEWS18ની ટીમે નીરવ મોદીને અનેક સવાલો પૂછ્યા હતા પરંતુ તેમણે એક પણ સવાલનો જવાબ આપ્યો નહોતો.
આ પહેલા સીબીઆઈના સૂત્રોએ જણાવ્યું હતું કે કેન્દ્રીય તપાસ એજન્સી લંડનમાં જે કંઈ બની રહ્યું હતું તેના પર નજર રાખી રહી હતી. એટલું જ નહીં નિરવ મોદીના પ્રત્યાર્પણ માટે તમામ કાયદાકીય મદદ પૂરી પાડવામાં આવી રહી હતી. આ માટે સીબીઆઈ અને ઈડી બંને મહેનત કરી રહી છે.
આ પહેલા ઈડીએ કહ્યું હતું કે લંડનની કોર્ટે ભાગેડુ જ્વેલર નીરવ મોદી સામે ધરપકડ વોરંટ બહાર પાડ્યું છે. નીરવ મોદી પંજાબ નેશનલ બેંક સાથે રૂ. 14,600 કરોડના કૌભાંડનો મુખ્ય આરોપી છે.
ન્યૂઝ18 ક્રિએટિવ
2018માં પીએનબી ફ્રોડ સામે આવ્યું હતું. હીરા વેપારી નીરવ મોદી અને મેહુલ ચોક્સીએ બેન્કની મુંબઈ શાખામાંથી ખોટી રીતે ગેરન્ટી પત્ર મેળવી વિદેશોમાં અન્ય ભારતીય બેન્કો પાસેથી લોન લીધી હતી. બંને આરોપી દેશ છોડીને બીજા દેશમાં રહી રહ્યા છે. સરકાર બંનેની પ્રત્યપર્ણના પ્રયત્નમાં લાગેલી છે.
બ્રિટનના એક અખબારના રિપોર્ટ પ્રમાણે પીએનબી કૌભાંડનો આરોપી નીરવ મોદી લંડનના વેસ્ટ એન્ડમાં 56 કરોડ રુપિયા (80 લાખ પાઉન્ડ)ના આલીશાન ઘરમાં રહે છે અને નવા હીરાના વેપારમાં લાગ્યો છે. ધ ટેલીગ્રાફના રિપોર્ટ પ્રમાણે 48 વર્ષીય નીરવ મોદી હાલ ત્રણ રુમના એક ફ્લેટમાં રહે છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર