ન્યૂઝ18 ગુજરાતી : ભારતીય જનતા પાર્ટીએ પ્રમોદ સાવંતને ગોવાના નવા મુખ્યમંત્રી બનાવ્યા છે. ઓક્ટોબર 2018માં જ્યારે મનોહર પારિકર બીમાર હોવાની જાહેરાત કરવામાં આવી ત્યારથી જ તેઓ ગોવાની રાજનીતિમાં સક્રિય થઈ ગયા હતા. ફેબ્રુઆરીમાં જ્યારે મનોહર પારિકરને AIIMSમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે પ્રમોદ સાવંતે લોકોને આ અંગેની માહિતી આપી હતી. સાવંત ઉત્તર ગોવાની Sanquelim વિધાનસભા બેઠક પરથી ચૂંટાઈ આવ્યા છે. તેઓ વ્યવસાયે એક આયુર્વેદિક ડોક્ટર છે. તેમને મનોહર પારિકરના નજીકના માનવામાં આવે છે.
46 વર્ષીય સાવંત ગોવા બીજેપીનાએકમાત્ર ધારાસભ્ય છે જે આરએસએસ સાથે જોડાયેલા છે. ગોવાના સીએમ બનતા પહેલા તેઓ પાર્ટીના પ્રવક્તા અને ગોવા વિધાનસભાના અધ્યક્ષ હતા. સાવંત બાળપણથી જ આરએસએસ સાથે જોડાયેલા છે. તેમના પિતા પાંડુરંગ સાવંત જિલ્લા પંચાયતના સભ્ય રહી ચુક્યા છે. તેઓ ભારતીય જનસંઘ, ભારતીય મજૂર સંઘના સક્રિય સભ્ય હતા. બીજેપીના સમર્પિત કાર્યકર તરીકેને તેમની ઓળખ હતી.
પ્રમોદ સાવંત રાજકારણમાં આવ્યા પહેલા સરકારી નોકરી કરતા હતા. તેઓ માપુલા સ્થિત એક હોસ્પિટલમાં આયુર્વેદિક ડોક્ટર તરીકે નોકરી કરતા હતા. વર્ષ 2008માં Sanquelim બેઠક ખાલી પડી હતી. આ સમયે તેમને ચૂંટણી લડવાનું કહેવામાં આવ્યું હતું. જે બાદમાં તેમણે સરકારી નોકરી છોડી દીધી હતી અને રાજકારણમાં આવી ગયા હતા. જોકે, આ પેટા ચૂંટણીમાં તેમની હાર થઈ હતું પરંતુ તેઓ રાજકારણમાં સક્રિય રહ્યા હતા. પ્રમોદ સાવંતે મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લાની ગંગા એજ્યુકેશન સોસાયટીઝ આયુર્વેદિક કોલેજમાંથી બેચલર્સ ડીગ્રી ઇન આયુર્વેદિક, મેડિસિન એન્ડ સર્જરી મેળવી છે. બાદમાં તેમણે સામાજિક કાર્યમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હતું. તેમણે મેડિકો-લીગલ સિસ્ટમનો પણ અભ્યાસ કર્યો છે.
વર્ષ 2012માં તેઓ પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા. જે બાદમાં 2017ની ચૂંટણીમાં તેઓ Sanquelim બેઠક પરથી ચૂંટણી લડ્યા અને મનોહર પારિકરની સરકારમાં વિધાનસભાના અધ્યક્ષ બન્યા.
ગોવાના રાજકારણના ઇતિહાસમાં સૌથી નાની ઉંમરે વિધાનસભા અધ્યક્ષ બનનારા તેઓ પ્રથમ વ્યક્તિ હતા. ગોવાના યુવા આંદોલનમાં તેમના અસાધારણ કૌશલને કારણે તેમને રાજ્ય યુવા એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. તેઓ ભારતીય યુવા જનતા મોરચા પ્રદેશ અધ્યક્ષ અને ભારતીય જનતા યુવા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રહી ચુક્યા છે.
પ્રમોદ સાવંતના પત્ની ગોવા બીજેપી મહિલા મોરચાના અધ્યક્ષા છે. પ્રમોદ સાવંત આ પહેલા ગોવા સ્ટેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશનના પ્રમુખ રહી ચુક્યા છે. આ સમયે ગોવાના કાંઠાના વિસ્તારોમાં ખૂબ કામ થયું હતું.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર