ન્યૂઝ 18 ગુજરાતી : રાજ્ય સહિત દેશમાં એક બાજુ વાલીઓ ખાનગી શાળાના ફી વધારા સામે લડત ચલાવી રહ્યાં છે ત્યારે બીજી બાજુ નવી શિક્ષણ નીતિના ડ્રાફ્ટમાં ખાનગી શાળાઓને જાતે ફી નક્કી કરવાની સ્વતંત્રતા આપવાનું સૂચન આપવામાં આવ્યું છે. મોદી સરકાર 2.0ના માનવ સંશાધન વિકાસ મંત્રી ડૉ.રમેશ પોખરિયાલ નિશંકે મંત્રી તરીકે પદભાર સંભાળ્યો તેના થોડા સમય બાદ જ નવી શિક્ષણ નીતિનો ડ્રાફ્ટ કરનારી કમિટીએ તેમની મુલાકાત કરી હતી. કમિટીએ ડૉ. પોખરિયાલને સોંપેલા ડ્રાફ્ટમાં સૂચન આપ્યું છે કે ખાનગી શાળાઓને ફી જાતે નક્કી કરવાની સ્વતંત્રતા મળવી જોઈએ. જોકે, ડ્રાફ્ટમાં એવો પણ ઉલ્લેખ છે કે ખાનગી શાળાઓ મનમાની ન કરે તેનું પણ ધ્યાન રાખવું જોઈએ.
5+3+3+4 ફોર્મ્યૂલા પર શિક્ષણ
નવી નીતિ મુજબ સ્કૂલ શિક્ષણ માટે 5+3+3+4 ડિઝાઇન લાગુ કરવામાં આવશે. જેના અંતર્ગત એક પાંચ વર્ષનો ફાઉન્ડેશન કોર્સ શરૂ થશે. આ કોર્સમાં ધોરણ 1 અને ધોરણ 2નો અભ્યાસ પણ લાગુ કરવામાં આવશે જેને પ્રી પ્રાઇમરી નામ આપવામાં આવ્યું છે. ત્યારબાદ પ્રિપેરટૉરી સ્તરે ધોરણ 3/4/5નું શિક્ષણ આપવામાં આવશે. ત્યાર બાદ મીડલ સ્ટેજમાં ધોરણ 6-7-8નું શિક્ષણ આપવામાં આવશે અને ત્યારબાદ ધોરણ 9-10-11-12નું શિક્ષણ આપવામાં આવશે.
આ પણ વાંચો : પ્રથમ દિવસથી મોદી સરકાર એક્શનમાં,12 કરોડ ખેડૂતોને મળશે રૂ 3000 માસિક પેન્શન
માતૃભાષા પાંચમાં સુધી અનિવાર્ય
નવી શિક્ષણ નીતિમાં ભલામણ કરવામાં આવી છે કે ધોરણ 5 સુધી ફરજીયાત માતૃભાષામાં શિક્ષણ આપવામાં આવે. નવી પૉલિસી મુજબ પ્રી-સ્કુલ અને પહેલા ધોરણમાં બાળકોને ઓછામાં ઓછી ત્રણ ભાષા શિખવાડવા પર ભાર આપવામાં આવ્યો છે. આ સાથે જ ત્રીજા ધોરણ સુધી માતૃભાષામાં લખવાની અને ત્યાર બાદ વધુ બે ભારતીય ભાષા શિખવાડવાની ભલામણ કરાઈ છે.