Home /News /national-international /

Navjot Singh Sidhu: ક્રિકેટરમાંથી નેતા બન્યા અને હવે જેલની સજા, જુઓ - સિદ્ધુના જીવનની જાણી-અજાણી વાતો

Navjot Singh Sidhu: ક્રિકેટરમાંથી નેતા બન્યા અને હવે જેલની સજા, જુઓ - સિદ્ધુના જીવનની જાણી-અજાણી વાતો

નવજોત સિંહ સિદ્ધુના જીવનની જાણી-અજાણી વાતો

Navjot Singh Sidhu life : નવજોત સિંહ સિદ્ધુ (Navjot Singh Sidhu) એ પોતાના જીવનમાં એટલા રોલ બદલી નાખ્યા છે અને પોતાની જાતને એટલી વખત 360 ડિગ્રી સુધી ફેરવી છે કે તમને તેમના કિસ્સા જાણીને આશ્ચર્ય થશે.

  Navjot Singh Sidhu: 1987ની આસપાસ ડોમેસ્ટિક ક્રિકેટમાં પોતાની ઓળખ બનાવવાનું શરૂ કરનાર નવજોત સિંહ સિદ્ધુ (Navjot Singh Sidhu)ને કેટલા લોકોને યાદ છે? તે દિવસોમાં તે ખૂબ જ શરમાળ ક્રિકેટર હતા અને બહુ ઓછું બોલતા હતા. 1988માં અખબારોમાં સમાચાર છપાયા હતા કે પટિયાલામાં રેલવે ક્રોસિંગ પાસે એક કાર માલિક સાથે તેમની ચડભડ થઈ હતી. જ્યાં સિદ્ધુએ તેને મુક્કો માર્યો હતો અને 65 વર્ષીય વૃદ્ધને હોસ્પિટલમાં લઈ જતા સમયે તેનું મોત નીપજ્યું હતું

  આ ઘટના બાદ મોટા ભાગના લોકોને સિદ્ધુની ક્રિકેટર તરીકેની કારકિર્દી પુરી થઈ જશે તેવું લાગતું હતું. આ ગંભીર કેસ બાદ તેમના જીવનનો મોટો ભાગ જેલમાં જ પસાર થશે તેવું લાગતું હતું. પરંતુ સિદ્ધુએ જીવનના આ મોટા સંકટને આશ્ચર્યજનક રીતે ટાળ્યુ હતું. ત્યારબાદ કોર્ટે તેમને માત્ર 1000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. જો કે, તે પછી એવા અહેવાલો આવ્યા હતા કે, પીડિત પક્ષ સાથે તેનું કંઈક સમાધાન થઈ ગયું હશે. પરંતુ કોર્ટમાં આ કેસ ફરી ચાલ્યો હતો અને લાંબો સમય લડાયો હતો. 33 વર્ષ જુના આ કેસમાં હવે સજા થઈ છે. આ કેસના કારણે 2006માં સિદ્ધુને લોકસભામાંથી રાજીનામું આપવું પડ્યું હતું.

  આમ જોવા જઈએ તો સિદ્ધુએ પોતાના જીવનમાં એટલા રોલ બદલી નાખ્યા છે અને પોતાની જાતને એટલી વખત 360 ડિગ્રી સુધી ફેરવી છે કે તમને તેમના કિસ્સા જાણીને આશ્ચર્ય થશે. એક શાંત જીવનથી માંડીને એક બાહુબલી નેતા ગણાતા સિદ્ધુ એ જીવનના દરેક રંગને જોયો છે અને જીવ્યો છે. આવું ખૂબ જ ઓછા લોકો આખી જિંદગીમાં કરી શકે છે.

  બાળપણમાં સિદ્ધુ ભારતની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ તરફથી રમવાનું સપનું જોતા હતા. આમ તો ઘણા બાળકો આવા સ્વપ્ન જુએ છે. પરંતુ સિદ્ધુને સ્વપ્ન પૂરું કરવા માટે ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો હતો. આ પડકારો સામે લડીને સિદ્ધુએ માત્ર ક્રિકેટ જ નથી શીખ્યું પરંતુ બોલવાની કળા પણ મેળવી લીધી હતી. આ દરમિયાન તેઓ આધ્યાત્મિકતામાં એટલા ડૂબી ગયા કે લોકો તેમને સૂફી સિદ્ધુ કહેવા લાગ્યા હતા.

  સિદ્ધુએ ક્રિકેટર ઉપરાંત કોમેન્ટેટર, એન્ટરટેઇનર અને રાજકારણી તરીકેની સફળ ઇનિંગ્સ રમી છે. તેમનું જીવન આપણને ભૂલોમાંથી શીખવાની પ્રેરણા આપે છે. પોતાની લપસણી જીભના કારણે સિદ્ધુ ક્યારેક ટીકાકારોના નિશાના પર આવી જાય છે. પંજાબ કોંગ્રેસના હાલના રાજકારણમાં તેમણે જે કર્યું છે તેના પરથી લાગે છે કે તેઓ ક્યાંક પોતાના જ પગ પર કુહાડી ન મારી દે!

  પટિયાલામાં 20 ઓક્ટોબર, 1963ના રોજ જન્મેલા સિદ્ધુ સારા ઓલરાઉન્ડર રહી ચૂક્યા છે. સિદ્ધુએ પટિયાલામાં અભ્યાસ કર્યો છે અને તે પંજાબ યુનિવર્સિટીમાંથી લો ગ્રેજ્યુએટ પણ છે. સિદ્ધુનું હુલામણું નામ શેરી છે. તેમના પિતા સરદાર ભગવંત સિંહ પણ ક્રિકેટર હતા અને સિદ્ધુને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમતા જોવા માંગતા હતા. ક્રિકેટ કારકિર્દી દરમિયાન તેમની શાનદાર બેટિંગને કારણે તે સિક્સર સિદ્ધુ તરીકે પણ ઓળખાય છે. જ્યારે કેટલાક લોકોએ તેમની શાનદાર ફિલ્ડિંગને કારણે તેને જોન્ટી સિંહ પણ કહેતા હતા. દેશમાં ઘરે ઘરે ઓળખાતા સિદ્ધુની કારકિર્દીએ અનેક વળાંક લીધા છે. અહીં તેમની કારકિર્દીના અલગ-અલગ સ્વરૂપો અંગે જાણકારી આપવામાં આવી છે.

  ડ્રોપ પ્લેયરથી શ્રેષ્ઠ ઓલરાઉન્ડર સુધીની સફર

  1983માં સિદ્ધુને ભારતીય ક્રિકેટ ટીમમાંથી બહાર કરવામાં આવતા એક પત્રકારે તેમનું અપમાન કર્યું હતું અને તેમને 'સિદ્ધુઃ ધ સ્ટ્રોકલેસ વન્ડર' લખ્યું હતું. સિદ્ધુએ પ્રેરણા માટે તે લેખ કાપીને પોતાના વોર્ડરોબ પર મૂક્યો હતો, જેથી તે જોઈ શકે.

  આ સંજોગોમાં સિદ્ધુએ પોતાના પિતાને રડતા પણ જોયા હતા અને ત્યારબાદ તેનણે સિલેક્શન માટે સખત મહેનત શરૂ કરી હતી. તેમણે નક્કી કરી લીધું હતું કે ગમે તે થાય પણ તે ભારત તરફથી રમવાનું ચાલુ રાખશે. તેઓ રોજ સવારે 4 વાગ્યે ઉઠીને મેદાન પર જતા હતા. ત્યાં તેઓ પીચનું ઘાસ કાપીને તેના પર પાણી રેડતા હતા. કોઈ પણ વસ્તુ તેમનું ધ્યાન ભટકાવી ન જાય તે માટે તેઓ સરળ જીવન જીવવા લાગ્યા હતા

  ત્યાર પછીનાં ચાર વર્ષ સુધી તેમણે કોઈ રંગીન કપડાં પહેર્યાં નહોતાં. આ સમય દરમિયાન તે દિવસે ખૂબ જ ઓછો ખોરાક લેતા, એક કલાક ઊંઘતા અને મેદાન પર પ્રેક્ટિસ કરવા પરત ફરતા હતા. ઘણી વખત તે એક દિવસમાં પ્રેક્ટિસ દરમિયાન 300 છગ્ગા ફટકારતા હતા. જેનાથી તેમના હાથમાંથી લોહી નીકળવા લાગતું હતું. તેઓએ એવા મોજા તૈયાર કર્યા હતા જે લોહીને શોષી લે અને અંદરથી ભીના ન હતા. માત્ર દિવસે જ નહીં પરંતુ રાત્રે પ્રેક્ટિસ માટે પણ તેણે પોતાના ઘરની પાછળના ભાગમાં લાઈટો લગાવી હતી.

  તેઓ નાના હતા ત્યારે પોકેટ મનીનો ઉપયોગ કરી ચોકલેટ ખરીદતા અને આ ચોકલેટ બાળકોને આપી તેઓને 15 યાર્ડના અંતરેથી ઝડપથી ફેંકવા માટે તૈયાર કરતા હતા. 4 વર્ષ બાદ સિદ્ધુની 1987માં વર્લ્ડ કપની ટીમમાં પસંદગી થઈ હતી. જ્યાં તેણે સતત 5 અર્ધસદી ફટકારી હતી. જે વર્લ્ડ રેકોર્ડ છે અને આજે પણ તૂટ્યો નથી.

  ત્યારબાદ અગાઉ તેમના વિશે ખરાબ લખનાર પત્રકારે જ 'સિદ્ધુ: ફ્રોમ સ્ટ્રોકલેસ વન્ડર ટુ અ પામ ગ્રોવ હિટર, વોટ અ ચેન્જ' શીર્ષક હેઠળ બીજો લેખ લખ્યો હતો. આ લેખની ટોચ પર સિદ્ધુ અને તેના પિતાની મોટી તસવીર હતી.

  સિદ્ધુએ 1989માં શારજાહમાં પાકિસ્તાન સામે પ્રથમ વન-ડે સદી ફટકારી હતી. તે 50થી વધુ ટેસ્ટ અને 100થી વધુ વન ડે રમી ચુક્યા છે. તેણે ફર્સ્ટ ક્લાસ કારકિર્દીમાં નિવૃત્તિ લેતા પહેલા 7,000થી વધુ રન ફટકાર્યા છે. તેમણે ડિસેમ્બર 1999માં ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હતો.

  કેપ્ટન અઝહર સાથે ચડભડ થતા અડધા પ્રવાસે જ પરત ફર્યા!

  1996માં ઈંગ્લેન્ડ પ્રવાસેથી જાણ કર્યા વગર જ પરત આવી જતા સિદ્ધુ વિવાદનો શિકાર બન્યા હતા. તે દરમિયાન તે ભારતના ઓપનર હતા. તેમણે આ કેસમાં રચાયેલી તપાસ સમિતિ સમક્ષ હાજર થવાનો પણ ઇનકાર કર્યો હતો.

  તેમણે પાછળથી ખુલાસો કર્યો હતો કે, ભારતીય કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનને તેમને ગાળ આપતા આવું કર્યું હતું. જો કે અઝહરુદ્દીને બાદમાં જે કહ્યું તેના પરથી લાગી રહ્યું હતું કે, હૈદરાબાદી ટોનને ન સમજવાને કારણે આવું થયું હશે. અઝહર તેમને જે કહેતો હતો, તે તેમને ગાળો લાગતી હતી.

  હિન્દી કોમેન્ટરીમાં સિદ્ધુ અવ્વલ

  ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ પણ સિદ્ધુએ ક્રિકેટ સાથેના સંબંધો તોડ્યા નહતા અને કોમેન્ટેટર તરીકેની આગવી ઓળખ ઉભી કરી હતી. ક્રિકેટ કોમેન્ટેટર તરીકે તેમણે જે જુમલા બનાવ્યા અને શેરો-શાયરી કરી તેનાથી તેઓ લોકોના માનીતા કોમેન્ટેટર બની ગયા હતા. સિદ્ધુએ 2001માં ભારતના શ્રીલંકા પ્રવાસથી કોમેન્ટેટર તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી.તેમની અદ્દભુત શૈલીને કારણે સિદ્ધુ ઝડપથી કોમેન્ટ્રીમાં લોકપ્રિય થઇ ગયા હતા. તેમના વનલાઈનર્સ લોકોની જીભે ચડી ગયા હતા.

  કોમેન્ટ્રીના પ્રારંભમાં સિદ્ધુએ ESPN-સ્ટાર સાથે અને પછી ટેન સ્પોર્ટ્સ માટે કામ કર્યું હતું. આ પછી તેમને ભારતની ન્યૂઝ ચેનલો પર ક્રિકેટ એનાલિસ્ટ તરીકે બોલાવવામાં આવતા હતા. સ્ટાર ઇન્ડિયાએ 2014માં તેમના પર સેટ મેક્સ પર આઈપીએલ 2014ના કોમેન્ટેટર તરીકે કરારનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો.

  ઠોકો તાલીનો જુમલો ઘેર ઘેર પહોંચાડ્યો

  સિદ્ધુએ ટીવી કરિયરની શરૂઆત 2013માં ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જથી કરી હતી. તેમણે ફંજાબી ચક દેમાં જજ તરીકે પણ કામ કર્યું હતું અને એ જ વર્ષે તેઓ કોમેડી નાઇટ્સ વિથ કપિલના કાયમી જજ બની ગયા હતા. કપિલ શર્માના શોએ તેમને ઘણી લોકપ્રિયતા અપાવી હતી. તેમનો ઠોકો તાલી જુમલો ઘરે ઘરે પહોંચી ગયો હતો.

  અહીં ઉલ્લેખનીય છે કે, શરૂઆતમાં આ રોલમાં એક રાજનેતાને જોઇને દર્શકોને પચતું નહોતું અને તેમની ખૂબ ટીકા થઇ હતી. પરંતુ પાછળથી ઘણા લોકો તેના આ સ્વરૂપના પણ ચાહક બની ગયા. આમાં શો દરમિયાન બોલાયેલા સિદ્ધુના વનલાઈનર્સનું ઘણું યોગદાન હતું. જો કે પાકિસ્તાન પ્રત્યેનું તેમનું નરમ વલણ ચેનલોને ખતરારૂપ લાગવા લાગ્યું હતું. જેથી તેમને કપિલના શોમાંથી જજની ભૂમિકામાંથી હટવું પડ્યું હતું.

  આ સિવાય નવજોત સિંહ સિદ્ધુ મુજસે શાદી કરોગી અને એબીસીડી 2 જેવી ફિલ્મોમાં પણ કેમિયો રોલ કરી ચૂક્યા છે. સિદ્ધુએ મેરા પિંડ નામની પંજાબી ફિલ્મમાં પણ કામ કર્યું છે અને સિદ્ધુએ બિગ બોસ 6માં પણ ભાગ લીધો હતો. પરંતુ થોડા જ દિવસોમાં રાજકીય વિવાદોના કારણે તેમને આ શો અધવચ્ચે જ છોડવો પડ્યો હતો

  ક્રિકેટની જેમ રાજકારણ પણ ખૂબ રમ્યા, 14 વર્ષમાં 4 પાર્ટીઓ બદલી

  સિદ્ધુના પિતા કોંગ્રેસના મહાસચિવ હતા, પરંતુ સિદ્ધુ ભાજપમાં જોડાઈ ગયા હતા. સિદ્ધુ 2004માં ભાજપની ટિકિટ પર અમૃતસર લોકસભા સીટથી સાંસદ બન્યા હતા. જો કે, 1988માં રોડ રેજ દરમિયાન એક વ્યક્તિની હત્યા કરવાના દોષી સાબિત થયા બાદ તેમણે 2006માં લોકસભામાંથી રાજીનામું આપી દીધું હતું. તેમણે સજા સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી, જે બાદ તેમની સજા ખતમ કરી દેવામાં આવી હતી. પરંતુ બાદમાં આ કેસ ફરી કોર્ટમાં ચાલી ગયો હતો અને તેમાં તેમને સજા પડી છે.

  સિદ્ધુ ફેબ્રુઆરી 2007માં અમૃતસર લોકસભાથી પેટાચૂંટણીમાં ઉભા રહ્યા હતા અને જીત્યા પણ હતા. તેમણે 2009ની સામાન્ય ચૂંટણીઓમાં પણ તેમની બેઠક જાળવી રાખી હતી. સિદ્ધુ 2014ની સામાન્ય ચૂંટણીઓમાં મેદાનમાં ન હતા. તેમણે વર્તમાન નાણાં પ્રધાન અરુણ જેટલી માટે પોતાની બેઠક ખાલી કરી હતી. અરુણ જેટલી કોંગ્રેસના ઉમેદવાર કેપ્ટન અમરિંદર સિંહ હતા અને અરુણ જેટલી તેમની સામે ચૂંટણી હારી ગયા હતા.

  સિદ્ધુએ બેઠક ખાલી કરી હોવાને કારણે ભાજપ દ્વારા અન્ય કોઈ બેઠક પરથી ચૂંટણી લડવાની ઓફર કરવામાં આવી હતી, પરંતુ સિદ્ધુએ ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હતો. સિદ્ધુને સાંત્વના આપવા માટે નરેન્દ્ર મોદી સરકારે એપ્રિલ 2016માં તેમને રાજ્યસભામાં નોમિનેટ કર્યા હતા. જોકે, સિદ્ધુએ 18 જુલાઈ, 2016ના રોજ રાજ્યસભામાંથી રાજીનામું આપી દીધું હતું.

  પોતાનો પક્ષ પણ બનાવ્યો હતો

  સિદ્ધુએ આમ આદમી પાર્ટીએ પણ તેમની સાથે સમાધાન કરવાનો પ્રયાસ કર્યો હતો. સિદ્ધુએ આપના સુપ્રીમો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે પણ સમજૂતી કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે બંને વચ્ચે સમાધાન ન થઈ શક્યું અને સિદ્ધુએ આપમાં સામેલ થવાનો ઈનકાર કરી દીધો હતો. ત્યારબાદ હોકીના ખેલાડીઓમાંથી રાજકારણી બનેલા બૈંસ બંધુઓની સાથે મળીને સિદ્ધુએ આવાઝ-એ-પંજાબ નામનો મોરચો રચ્યો હતો. ત્યારબાદ આપ સામે શાબ્દિક પ્રહારો કર્યા હતા.

  આખરે તેઓ કોંગ્રેસ સાથે મળી ગયા અને નવેમ્બર 2017માં તેમની પત્ની નવજોત કૌર સિદ્ધુ અને પરગત સિંહ સાથે કોંગ્રેસમાં જોડાયા હતા. સિદ્ધુ જ્યારે કોંગ્રેસમાં જોડાયા ત્યારે પંજાબ કોંગ્રેસના વડા કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું હતું કે, કોંગ્રેસ સિદ્ધુના DNAમાં છે. હાલ તેઓ પંજાબ સરકારમાં મંત્રી છે.
  પંજાબમાં ચૂંટણી પહેલા કોંગ્રેસે તેમને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ બનાવ્યા, પરંતુ આ ભૂમિકામાં તેઓ સતત વિવાદમાં રહ્યા હતા.

  તેઓ પોતાની જ પાર્ટીના નેતાઓ અને મુખ્યમંત્રીઓ સાથે સતત ખેંચતાણમાં રહેતા આવ્યા છે. એવું પણ કહેવામાં આવે છે કે, પંજાબની ચૂંટણીમાં કોંગ્રેસના ભાગલા પાડવામાં અને વિખવાદને ભડકાવવામાં તેમની ભૂમિકા હતી. હાલ તેઓ હજુ કોંગ્રેસમાં જ છે.

  પહેલા તો જેલની સજા થયા બાદ તેમણે તરત જ કહ્યું કે તેઓ કાયદાનું સન્માન કરે છે અને જેલમાં જશે, પરંતુ હાલ પૂરતું તેમણે સરેન્ડર નથી કર્યું. તેઓ આ મામલે વકીલો પાસેથી કાયદાકીય અભિપ્રાય માંગી રહ્યા છે

  સિગારેટ કે આલ્કોહોલથી રહે છે દૂર

  સિદ્ધુ સિગારેટ કે દારૂ પીતા નથી. સિદ્ધુ વિશે એક લાઈનમાં કહીએ તો, તેઓ માત્ર ક્રિકેટના મેદાનમાં જ નહીં પરંતુ રિયલ લાઇફમાં પણ ઓલરાઉન્ડર છે. સિદ્ધુ ખૂબ જ સકારાત્મક વાતો કહે છે, તે ઘણીવાર કહે છે કે, હિંમતનો અર્થ ડર ન હોવાનો નથી, હિંમતનો અર્થ ડર સામે લડવાનો છે.

  ફોર્બ્સ ઈન્ડિયાના ડેટા મુજબ 2013માં સિદ્ધુની કમાણી 5.75 કરોડ રૂપિયા હતી. કપિલ શર્માના શો માટે તે દર અઠવાડિયે 8થી 10 લાખ રૂપિયા ચાર્જ લેતા હતા. જ્યારે 2009ની ચૂંટણીના દાખલ કરેલા એફિડેવિટ મુજબ તેમની પાસે કુલ 14 કરોડની મિલકત હતી.

  આ પણ વાંચોNavjot Singh Sidhu Road Rage Case : નવજોત સિંહ સિદ્ધુએ પટિયાલા કોર્ટમાં કર્યું સરેન્ડર, 1 વર્ષ રહેવું પડશે જેલમાં

  યોગ, ધર્મના જ્ઞાનમાં પણ છે નિપુણ

  સિદ્ધુ યોગના નિષ્ણાત છે અને ઇન્ટરનેટ સર્ફિંગમાં ઘણો સમય વિતાવે છે. તેમને ધર્મનું સારું જ્ઞાન છે. અખિલ ભારતીય શીખ વિદ્યાર્થી મહાસંઘે તેમની સામે ગુરુવાણીના શબ્દોનું ખોટા પરિપ્રેક્ષ્યમાં અર્થઘટન કરવા બદલ અકાલ તખ્તમાં ફરિયાદ કરી હતી. આમ જોવા જઈએ તો સિદ્ધુનું અત્યાર સુધીનું જીવન કહે છે કે, તે દરેક તકથી આગળ વધવાનો રસ્તો શોધી લે છે, હવે તેઓ આ વખતે શું કરે છે તે જોવાનું રહ્યું. તેમના જેલ જવાનો અર્થ તેમની રાજકીય ઇનિંગમાં પણ બ્રેક લાગી શકે છે. તેના કારણે તેમની રાજકીય કારકિર્દી પર અસર થઈ શકે છે.
  Published by:kiran mehta
  First published:

  Tags: Navjot Siddhu, Navjot Sidhu, Navjot singh siddhu, Navjot Singh Sidhu

  આગામી સમાચાર