કયા દેશના કર્મચારીઓ સૌથી વધુ કલાકો કામ કરે છે? આ રહ્યા રોચક આંકડા
કયા દેશના કર્મચારીઓ સૌથી વધુ કલાકો કામ કરે છે? આ રહ્યા રોચક આંકડા
પ્રતિકાત્મક તસવીર - (pixabay)
ચીનમાં યુવાનોમાં ગુસ્સો ફાટી નીકળ્યો છે. ત્યાં યુવાનો પાસે કલાકો સુધી કામ કરાવવામાં આવતા યુવાનો ભડકી ગયા છે. અઠવાડિયાના છ દિવસ ને દરરોજ 12 કલાક જેટલા કામનો વિરોધ થઈ રહ્યો છે
ચીનમાં યુવાનોમાં ગુસ્સો ફાટી નીકળ્યો છે. ત્યાં યુવાનો પાસે કલાકો સુધી કામ કરાવવામાં આવતા યુવાનો ભડકી ગયા છે. અઠવાડિયાના છ દિવસ ને દરરોજ 12 કલાક જેટલા કામનો વિરોધ થઈ રહ્યો છે. ચીનની સરકાર આ વિરોધને દબાવવા માટે ધમપછાડા કરી રહી છે. સેન્સરશિપ કરી રહી છે. અલબત્ત, જ્યાં કર્મચારીઓના કામના કલાકો વધુ હોય તેવો ચીન વિશ્વનો પહેલો કે એક માત્ર દેશ નથી. યુરોપિયન સંગઠન ઓર્ગેનાઈઝેશન ઓફ ઇકોનોમિકલ કો ઓપરેશન એન્ડ ડેવલોપમેન્ટ(OECD)ના સર્વે મુજબ મેક્સિકોમાં સત્તાવાર રીતે કામના સૌથી વધુ કલાકો હોય છે
આ દેશમાં થાય છે વર્ષે 2127 કલાક કામ
OECDના રેન્કિંગમાં વધુ પડતાં કામ બદલ મેક્સિકો પ્રથમ નંબરે છે. જ્યાં એક વર્ષમાં કર્મચારી સરેરાશ 2127 કલાક કામ કરે છે. અધુરામાં પુરુ કંપનીઓ કર્મચારીઓને રજા પણ ઓછી આપે છે. બિઝનેસ ઇનસાઈડરના રિપોર્ટ મુજબ મેક્સિકોમાં વર્ષે 10 સવેતન રજા મળે છે. 26.6% કર્મચારીઓ લાંબા સમયથી કામકાજના સમય અંગે સતત ફરિયાદ કરી રહ્યા છે, પણ આ અંગે કડક નિયમો બનાવી શકાયા નથી.
બીજા નંબરે કોસ્ટારિકા
મધ્ય અમેરિકન દેશ કોસ્ટારિકા પણ આ યાદીમાં છે. આ સ્થળે વર્ષે કર્મચારીઓ 2060 કલાક કામ કરે છે. અગાઉ આ ક્રમે દક્ષિણ કોરિયા હતું. અલબત્ત વર્ષ 2018માં ત્યાંની સરકારે નિયમ બનાવીને કામના કલાકો ઓછા કરી દીધા હતા. જોકે, કામના કલાકો ઓછા કર્યા છતાં, ત્યાં અઠવાડિયામાં 52 કલાક કામ કરવું પડે છે. ઉલ્લેખનીય છે કે, વિકસિત દેશોમાં દક્ષિણ કોરિયા જ એક એવો દેશ છે જ્યાં કામના કલાકો આટલા બધા છે.
રશિયા પણ કામકાજના લાંબા સમય માટે જાણીતું છે. ત્યાં અઠવાડિયામાં ફક્ત 40 કલાક કામ કરવાનો નિયમ છે. જો કોઈ વધારે સમય કરવા માંગે છે, તો પછી તેને 50 કલાકથી વધુ કામની પણ મંજૂરી નથી. તો પણ વર્કહોલિક રશિયન વસ્તી શક્ય તેટલા પૈસા કમાવવા ઘરેથી કામ કરે છે. રશિયામાં રજાઓ પણ સારી મળે છે. સાર્વજનિક રજાઓ ઉપરાંત વર્ષના 28 રજાઓ આપવામાં આવે છે.
કામના કલાકો ઘટાડવા અનેક દેશોમાં માંગ
કામના કલાકો ઘટાડવા અંગે ઘણા દેશોમાં માંગ ઊઠી છે. વધુ પડતા કામના કારણે કર્મચારીઓ પરિવાર પર ધ્યાન આપી શકતા નથી. પરિણામે આવા દેશોમાં જન્મ દર ખૂબ ઝડપથી ઘટયો છે. દક્ષિણ કોરિયામાં તેની ખૂબ ઝડપથી અસર જોવા મળી હતી. ત્રણ દાયકામાં જ આ દેશ વૃદ્ધોનો દેશ બનવા લાગ્યો હતો.
કામની લાંબી કલાકોથી તાણ અને હતાશા
આ મામલે ચીનનું ઉદાહરણ લેવા જેવું છે. જ્યાં ઇ-કોમર્સ કંપની Pinduoduoમાં કામ કરનાર કર્મચારીઓ ઉપર ખૂબ દબાણ હતું. જેના કારણે બે કર્મચારીઓના મોત થઇ ગયા હતા. રાત્રે દોઢ વાગ્યા સુધી કામ કર્યા બાદ એકાએક કર્મચારી પડી ગયો હતો અને સ્થળ પર મૃત્યુ નીપજયું હતું. આ મામલે હોબાળો થાય તે પહેલાં જ દબાવી દેવાયો હતો. ચીનમાં અલીબાબાના સ્થાપક મોડે સુધી કામ કરવા પર ભાર મૂકી તેને પ્રોત્સાહન આપ્યું હતું.
જાપાનમાં તદ્દન અલગ ટ્રેન્ડ
જાપાનમાં શિસ્ત માટે જાણીતો દેશ છે. ત્યાં લોકો પણ કામ કરવાના ક્રેઝ માટે જાણીતા છે. કંપનીને કોઈ નુકસાન ન થાય તે માટે મોટાભાગના કર્મચારીઓ રજા લેતા નથી. કામ કરવાની ટેવ લોકોમાં વ્યસન બની ગઈ છે. તેઓ દિવસમાં સરેરાશ 16 કલાક કામ કરે છે.
પરાણે રજા પર મોકલાય છે!
સતત કામ કરવાના કારણે એવી સ્થિતિ આવી ગઈ છે કે, ત્યાં કર્મચારીઓને વર્ષે 10 સવેતન રજા મળે છે. પરંતુ તેઓ રજાઓ લેતા નથી. જેથી ત્યાંની સરકારે અનોખો ઉપાય શોધી કાઢ્યો છે. જે મુજબ કર્મચારીને નિશ્ચિત સમય સુધી પરાણે રજા ઉપર મોકલી દેવામાં આવે છે. જેના કારણે તણાવ ઘટશે અને ઉત્પાદકતા વધશે.
2020માં કોરોના ફેલાઈ રહ્યો હતો, ત્યારે પણ કંપનીઓએ આ પગલાં લીધા હતા. તેમણે કર્મચારીઓના કામના કલાકમાં 20 ટકાનો ઘટાડો કરી નાખ્યો હતો. જેથી તેઓ પરિવાર સાથે સમય વિતાવી શકે. એટલું જ નહીં, દરેક કર્મચારીને સરેરાશ 940 ડોલરની રકમ આપી હતી. જેથી તેઓ નવરાશમાં મનોરંજન માણી શકે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર