નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અને ઓમર અબ્દુલ્લાએ, પીડીપી નેતા અને જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્તી સાથે સૌજન્ય મુલાકાત કરી. ઉલ્લેખનીય છે કે મહેબૂબા મુફ્તીને 14 મહિનાનીા અટકાયત બાદ મંગળવારે મુક્ત કરવામાં આવ્યા હતા. ગત વર્ષે 5 ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કર્યા પછી જમ્મુ કાશ્મીરના બીજા નેતાઓની સાથે મહેબૂબા મુફ્તીની પણ અટકાયત કરવામાં આવી હતી. ફારૂક અબ્દુલ્લા અને ઉમર અબ્દુલ્લાએ આ મુલાકાતને બિન રાજકીય ગણાવી છે. બેઠક બાદ ઓમર અબ્દુલ્લાએ કહ્યું છે કે આ એક સૌજન્ય મુલાકાત હતી અને તેની પાછળ કોઈ રાજકીય ઉદ્દેશ નથી.
નોંધનીય છે કે જમ્મુ-કાશ્મીરને કેન્દ્ર શાસિત રાજ્ય તરીકે જાહેર કર્યાના ઐતિહાસિક નિર્ણય બાદ ફારૂક અબ્દુલ્લાની અટકાયત મામલે ભારે હંગામો થયો હતો. તે સમયે સંસદમાં ગૃહમંત્રી અમિત શાહે આ મુદ્દે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે ફારૂક અબ્દુલ્લાને નજરકેદ નથી રાખવામાં આવ્યા તે પોતાની મરજીથી બહાર નીકળી શકે છે.
જમ્મુ-કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર થયાને એક વર્ષથી વધુ સમય વીતી ગયો છે. નેશનલ કોન્ફરન્સ અને પીડીપી બંને પાર્ટીઓએ આ નિર્ણયનો સખતનો વિરોધ કર્યો છે. તાજેતરમાં, ફારૂક અબ્દુલ્લાના ચીન મામલેના નિવેદન અંગે હોબાળો થયો હતો.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, અબ્દુલ્લાએ કહ્યું કે, 'જ્યાં સુધી ચીનનો સવાલ છે ત્યાં સુધી મેં ક્યારેય ચીનના રાષ્ટ્રપતિને અહીં બોલાવ્યા નથી. અમારા વઝિર-એ-આઝમે (વડા પ્રધાને) તેમને ગુજરાતમાં બોલાવ્યા હતા. પણ તેમને તે ગમ્યું નહીં અને તેમણે કલમ 37૦ વિશે કહ્યું કે અમે તેને સ્વીકારતા નથી. અને જ્યાં સુધી તમે કલમ 37૦ને પુનર્સ્થાપિત નહીં કરો ત્યાં સુધી અમે અટકવાના નથી. અલ્લાહ કરે આ લોકોના પ્રભાવ અને મદદથી અમારા લોકોની મદદ થાય અને કલમ 37૦ અને 35 એ પુન પ્રસ્થાપિત થાય.'
બીજી તરફ ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ આ મામલે ટિપ્પણી કરતા કહ્યું કે, 'એક તરફ ફારૂક અબ્દુલ્લાએ તેમના ઇન્ટરવ્યૂમાં ચીનની વિસ્તરણવાદી માનસિકતાને યોગ્ય ઠેરાવી રહ્યા છે અને બીજી તરફ દેશદ્રોહી ટિપ્પણી કરે છે કે જો અમને ભવિષ્યમાં તક મળશે તો અમે ચીન સાથે મળીને કલમ 37૦ પુન પ્રસ્થાપિત કરીશું. ”
વધુમાં તેમણે આ પ્રસંગે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને જોડીને આરોપ લગાવતા કહ્યું કે,“ રાહુલ ગાંધી અને ફારૂક અબ્દુલ્લા વચ્ચે બહુ તફાવત નથી. બંને એક જ સિક્કાની બે બાજુ છે. '