ફારુક અને ઉમર અબ્દુલ્લા સાથે બે મહિના પછી નેશનલ કૉન્ફરન્સના નેતાઓ મળી શકશે

ફારુખ અને ઓમર અબ્દુલ્લા.

નેશનલ કૉન્ફરન્સ (National Conference)ના પ્રવક્તા મદન મંટૂએ કહ્યું, "પ્રાદેશિક અધ્યક્ષ દેવેન્દ્ર સિંહ રાણા અને પાર્ટીના પૂર્વ ધારાસભ્યને નેતૃત્વવાળું પ્રતિનિધિમંડળ કાલે સવારે જમ્મુથી ઉડાન ભરશે."

 • Share this:
  શ્રીનગર : જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ નજરકેદ કરવામાં આવેલા નેશનલ કૉન્ફરન્સ (National Conference)ના અધ્યક્ષ ફારુક અબ્દુલ્લા (Farooq Abdullah) અને તેમના પુત્ર ઉમર અબ્દુલ્લા (Omar Abdullah) સાથે આશરે બે મહિના પછી પાર્ટીના કાર્યકરો મળી શકશે. જમ્મુ-કાશ્મીર તંત્રએ રવિવારે જમ્મુના પાર્ટીના પ્રતિનિધિમંડળને બે મોટા નેતાઓ સાથે મુલાકાત કરવાની મંજૂરી આપી દીધી છે. પાર્ટી પ્રવક્તા મદન મંટૂએ કહ્યું, "પ્રાદેશિક અધ્યક્ષ દેવેન્દ્ર સિંહ રાણા અને પાર્ટીના પૂર્વ ધારાસભ્યને નેતૃત્વવાળું પ્રતિનિધિમંડળ કાલે સવારે જમ્મુથી ઉડાન ભરશે." નેશનલ કૉન્ફરન્સના નેતા રાણાએ આ સંબંધમાં રાજ્યપાલ સત્યપાલ મલિક પાસે મંજૂરી માંગી હતી.

  15 સભ્યોનું પ્રતિનિધિમંડળ શ્રીનગર પહોંચશે

  નેશનલ કૉન્ફરન્સના નેતા રાણાએ મંજૂરી મળ્યા બાદ કહ્યુ કે નેશનલ કૉન્ફરન્સના નેતાઓના 15 સભ્યોનું એક પ્રતિનિધિમંડળ રવિવારે શ્રીનગર પહોંચશે. આ પ્રતિનિધિમંડળમાં તમામ પૂર્વ ધારાસભ્યો છે. ફારુક અબ્દુલ્લા અને ઉમરની ચોથી ઓગસ્ટના રોજ રાત્રે અટકાયત કરવામાં આવી હતી. જે બાદમાં કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવી દેવાનો નિર્ણય લીધો હતો. 81 વર્ષના ફારુક અબ્દુલ્લા જાહેર સુરક્ષા અધિનિયમ અંતર્ગત શ્રીનગર સ્થિત પોતાના ઘરે નજરકેદ છે. જ્યારે ઉમરને સ્ટેટ ગેસ્ટ હાઉસમાં રાખવામાં આવ્યા છે.

  ઘાટીના મોટા નેતાઓ નજરકેદ

  જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવતા પહેલા અને પછી સરકારે જમ્મુ-કાશ્મીરના મોટા નેતાઓને નજરકેદ કરી લીધા છે. સરકારે પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP) અને જમ્મુ-કાશ્મીર પીપલ્સ કૉન્ફરન્સના ચેરમેન સજ્જાદ લોન સહિત કાશ્મીરના મોટાભાગના રાજકીય નેતાઓને નજરકેદ કરી લીધા છે. નેશનલ કૉન્ફરન્સના પ્રવક્તા મંટૂએ કહ્યુ કે પાર્ટીના બંને નેતાઓ સાથે મુલાકાતનો નિર્ણય બે દિવસ પહેલા જમ્મુ પ્રાંતના ઉચ્ચ પદાધિકારીઓ અને જિલ્લા અધ્યક્ષોની એક બેઠકમાં લેવામાં આવ્યો હતો.

  જમ્મુના નેતાઓ સામેલ હશે

  જમ્મુ સ્થિત નેશનલ કૉન્ફરન્સના નેતાઓ પર લાગેલા પ્રતિબંધ પહેલા જ હટાવી દેવામાં આવ્યા છે. જમ્મુના નેતાઓને સ્થાનિક સ્વરાજ ચૂંટણીની જાહેરાત બાદ મુક્ત કરી દેવામાં આવ્યા છે. પરંતુ કાશ્મીર ખીણમાં આવું થતા સમય લાગશે. જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલના સલાહકાર ફારુખ ખાને ગુરુવારે જણાવ્યું હતું કે કાશ્મીરી નેતાઓની વ્યક્તિગત રીતે વિશ્લેષણ કર્યા બાદ એક પછી એક નેતાઓને મુક્ત કરવામાં આવશે.
  Published by:Vinod Zankhaliya
  First published: