જયા બચ્ચન અંગે વિવાદિત નિવેદનને આપીને ફસાયા 'નરેશ'

જયા બચ્ચન, નરેશ અગ્રવાલ

સમાજવાદી પાર્ટી પાસે ઉત્તર પ્રદેશમાં 57 ધારાસભ્ય છે. જેની મદદથી ફક્ત એક વ્યક્તિને જ રાજ્ય સભામાં મોકલી શકાય છે.

 • Share this:
  જયા બચ્ચનને રાજ્યસભાના ઉમેદવાર બનાવવામાં આવતા નારાજ રાજ્યસભા સાંસદ નરેશ અગ્રવાલ સમાજવાદી પાર્ટી છોડીને ભાજપમાં સામેલ થઈ ગયા છે. જોકે, ભાજપમાં જોડાયા બાદ જયા બચ્ચનને લઈને આપેલા નિવેદન બાદ તેમણે પક્ષની વરિષ્ઠ મહિલા સભ્યોની નારાજગીનો સામનો કરવો પડ્યો છે.

  વિદેશ મંત્રી તેમજ ભાજપાના સીનિયર નેતા સુષ્મા સ્વરાજે કહ્યું છે કે જયા બચ્ચન અંગે તેમણે કરેલી ટિપ્પણી અયોગ્ય અને અસ્વીકાર્ય છે. તેમણે ટ્વિટર પર લખ્યું, 'નરેશ અગ્રવાલ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા છે. તેમનું સ્વાગત છે. પરંતુ જયા બચ્ચન અંગે તેમણે કરેલી ટિપ્પણી અયોગ્ય અને અસ્વીકાર્ય છે.'

  હકીકતમાં, ભાજપામાં સામેલ થયા બાદ મીડિયા સાથે વાતચીત કરતા નરેશ અગ્રવાલે કહ્યું હતું કે, 'ફિલ્મોમાં કામ કરનારી સાથે મારી હેસિયત(યોગ્યતા) નક્કી કરી દેવામાં આવી. તેના નામ માટે મારી ટિકિટ કાપી નાખવામાં આવી. આ યોગ્ય નથી. હું ભાજપામાં કોઈ શરત સાથે નથી જોડાયો. રાજ્યસભાની ટિકિટની કોઈ માંગણી નથી.'

  સુષ્મા સ્વરાજ ઉપરાંત કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ પણ નરેશ અગ્રવાલના નિવેદન પર પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. સ્મૃતિએ ટ્વિટ કરીને લખ્યું છે કે, 'જ્યારે પણ મહિલાઓની સન્માનને પડકારવામાં આવશે ત્યારે તમામે વિચારધારાની લડાઈ છોડીને એક થવું જોઈએ.' આ સાથે જ તેમણે સંજય નિરુપમ દ્વારા કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણી અંગે પાંચ વર્ષથી ચાલી રહેલા કેસનો ઉલ્લેખ કરતા કહ્યું કે, કોઈ પણ મહિલાને અપમાનિત કરવામાં આવશે તો તે વિરોધ કરશે.

  બાદમાં રૂપા ગાંગુલીએ ટ્વિટ કરીને નરેશ અગ્રવાલના વિવાદિત નિવેદનની નિંદા કરી હતી. તેમણે કહ્યું હતું કે, આ સ્વીકાર્ય નથી. હું જયા બચ્ચનનું સન્માન કરું છું. ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં તેમના યોગદાન પર મને ગર્વ છે. તેમણે કહ્યું કે આ બીજેપીની લીડરશીપ નથી.

  નોંધનીય છે કે સમાજવાદી પાર્ટી પાસે ઉત્તર પ્રદેશમાં 57 ધારાસભ્ય છે. જેની મદદથી ફક્ત એક વ્યક્તિને જ રાજ્ય સભામાં મોકલી શકાય છે. પાર્ટીએ રાજ્ય સભા માટે જય બચ્ચનના નામની પસંદગી કરી છે. આ નિર્ણયથી નારાજ થયેલા નરેશ અગ્રવાલે બીજેપીનો સંપર્ક કર્ય હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેમને મોડી સાંજે બીજેપીમાં સામેલ થવાનું નિમંત્રણ મળ્યું હતું.
  Published by:Vinod Zankhaliya
  First published: