નવી દિલ્હી : દિલ્હીમાં રામલીલા મેદાનમાં આયોજિત કૉંગ્રેસની "ભારત બચાઓ રેલી" (Bharat Bachao Rally)માં કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બીજેપી પર મોટો હુમલો કર્યો છે. રાહુલ ગાંધીએ બીજેપી પર આકરા પ્રહાર કરતા કહ્યુ કે, તેમને રેપ ઇન ઇન્ડિયાવાળા (Rape in India) નિવેદન પર માફી માંગવા માટે કહેવામાં આવી રહ્યું છે, પરંતુ તેઓ માફી નહીં માગે. તેમણે કહ્યું, "હું બીજેપીને જણાવી દેવા માંગું છું કે મારું નામ રાહુલ ગાંધી છે. મારું નામ રાહુલ સાવરકર (Savarkar) નથી. હું સત્ય માટે મરી જઈશ, પરંતુ માફી નહીં માંગું."
આ ઉપરાંત રાહુલ ગાંધીએ કહ્યું કે, "કૉંગ્રેસનો કોઈ નેતા માફી નહીં માંગે. માફી તો નરેન્દ્ર મોદીએ માંગવી જોઈએ. તેમણે દેશની માફી માંગવી જોએએ. તેમના સાથી અમિત શાહે દેશની માફી માંગવી જોઈએ."
'ભારત બચાઓ રેલી'ની શરૂઆત કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રેલીમાં હાજર લોકો અને કૉંગ્રેસના કાર્યકરોનો ઉત્સાહ વધારવા સાથે કરી હતી. રાહુલ ગાંધીએ રેલીમાં હાજર કાર્યકરોને બબ્બર શેર અને શેરની કહીને સંબોધ્યા હતા. તેમણે કહ્યું કે કૉંગ્રેસના કાર્યકરો કોઈનાથી ડરતા નથી.
રાહુલ ગાંધીએ પોતાના ભાષણની શરૂઆત માફી માંગવાવાળા મુદ્દાથી કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે, મારું નામ રાહુલ સાવરકર નહીં, રાહુલ ગાંધી છે. હું મરી જઈશ તો પણ માફી નહીં માંગું. રાહુલે કહ્યું, 'મને સંસદમાં બીજેપીએ કહ્યું કે 'રાહુલ જી' તમે ભાષણ આપ્યું તેના માટે તમારે માફી માંગવી જોઈએ. મને કહેવામાં આવ્યું કે જે સાચું કહ્યું છે તેના પર માફી માંગો. મારું નામ રાહુલ સાવરકર નથી. મારું નામ રાહુલ ગાંધી છે. હું સત્ય માટે ક્યારેય પણ માફી નહીં માંગું.'
રેલી દરમિયાન રાહુલ ગાંધીએ ફરી એક વખત GSTને લઈને પીએમ મોદી પર પ્રહાર કર્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું કે, ગબ્બર સિંહ ટેક્સને કારણે દેશની અર્થવ્યવસ્થા બરબાદ થઈ ગઈ છે. રાહુલે કહ્યું કે, બીજેપીએ તો જીડીપી માપવાની રીત જ બદલી નાખી છે. તેમણે કહ્યું કે મોદી સરકારના રાજમાં જીડીપી નવ ટકાથી ઘટીને ચાર ટકા પર આવી ગયો છે.