ભારતમાં તીવ્રતાથી વધી રહી છે મુસ્લિમોની વસ્તી, 2050 સુધીમાં હશે સૌથી મોટો ધાર્મિક સમુદાય

News18 Gujarati
Updated: February 14, 2019, 7:40 AM IST
ભારતમાં તીવ્રતાથી વધી રહી છે મુસ્લિમોની વસ્તી, 2050 સુધીમાં હશે સૌથી મોટો ધાર્મિક સમુદાય
પ્રતિકાત્મક તસવીર

આ અહેવાલ અનુસાર મુસ્લિમોની વસતીમાં જો આ દરથી જ વધારો થતો રહેશે તો વર્ષ-2050 સુધીમાં ઇસ્લામમાં માનનારાઓની સંખ્યા દુનિયામાં સૌથી વધુ થઇ જશે અને ખ્રિસ્તી ધર્મમાં માનનારા લોકો બીજા ક્રમે આવી જશે.

  • Share this:
અંકિત ફ્રાન્સિસ, ન્યૂઝ18 ગુજરાતી : સમગ્ર વિશ્વમાં હાલમાં ખ્રિસ્તી ધર્મને માનનારા લોકોની સંખ્યા ભલે વધારે હોય પરંતુ 2050 સુધીમાં આ મામલે વિશ્વનો નકશો બદલાઈ શકે છે ! 'વર્લ્ડ રિલિજન ડેટાબેઝ' અને 'પ્યુ રિસર્ચ સેન્ટર' ના આંકડાઓને માનીએ તો વર્ષ-2050 સુધીમાં ઇસ્લામમાં માનનારા લોકોની સંખ્યા દુનિયાભરમાં સૌથી વધારે હશે!

'વર્લ્ડ રિલિજન ડેટાબેઝ' દ્વારા 1910 થી 2010 દરમિયાનના વિશ્વભરના દેશોમાં રહેતા ધાર્મિક લોકોની વસતી ઉપર અભ્યાસ ચાલી રહ્યો છે અને તેના આધારે જણાવાયું છે કે, આ 100 વર્ષમાં ઇસ્લામ સૌથી ઝડપથી ફેલાયેલો ધર્મ છે, ત્યાર બાદ નાસ્તિકો એટલે કે ધર્મમાં આસ્થા ન રાખનારાઓની સંખ્યા વધી છે.

આ અભ્યાસમાં એવું પણ કહેવાયું છે કે, 2050 સુધીમાં ભારતમાં મુસ્લિમોની વસતી તીવ્રતાથી વધશે. અહીં હિન્દૂ જ બહુમતીમાં રહેશે પરંતુ વિશ્વમાં સૌથી વધુ મુસ્લિમો વસતી ધરાવતો દેશ ભારત બની જશે. ઉલ્લેખનીય છે કે, હાલ ઇન્ડોનેશિયામાં ભારત બાદ સૌથી વધારે મુસ્લિમ છે.

શું કહે છે વર્લ્ડ રિલિજન ડેટાબેઝ ?

વર્લ્ડ રિલિજન ડેટાબેઝના અહેવાલ અનુસાર, દુનિયામાં વર્ષ-1910માં કુલ વસતીના 34.8% લોકો ખ્રિસ્તી હતા, જે ઘટીને વર્ષ-2010માં 32.8 % થઇ ગયા. જયારે મુસ્લિમોની વસતી 1910માં 12.6% હતી, જે 2010માં વધીને 22.5% થઇ ગઈ.

હિન્દુઓની વાત કરીયે તો તેની વસતીમાં પણ વધારો જોવા મળ્યો છે. હિન્દુઓની વસતી દુનિયાભરમાં 1910માં 12.7% હતી જે હવે 100 વર્ષ પછી વધીને 13.8% જેટલી થઇ ગઈ છે. નાસ્તિકોની વાત કરીયે તો, તેમની વસ્તી 0.2%થી વધીને 9.8% થઇ ગઈ! ચીની લોકધર્મમાં માનનારા લોકોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે, જે 22.2% થી ઘટીને માત્ર 6.3%ની રહી ગઈ છે.

પ્યુ રિસર્ચ સેન્ટરનું પણ આ જ કહેવું છે…

પ્યુ રિસર્ચ સેન્ટરે વર્ષ-2017માં એક અહેવાલ રજુ કર્યો હતો જેમાં વર્ષ-2015 સુધીના આંકડા શામેલ હતા. આ અહેવાલ અનુસાર દુનિયાભરમાં ખ્રિસ્તી ધર્મને માનનારા લોકોની સંખ્યા સૌથી વધારે લગભગ 230 કરોડ બતાવામાં આવી હતી. જયારે મુસ્લિમોની વસતી 180 કરોડથી વધારે અને હિન્દુઓની વસતી 110 કરોડની આસપાસ દર્શાવવામાં આવી હતી. આ રિપોર્ટમાં દુનિયાભરમાં ખ્રિસ્તીઓની વસતી 31.2%, મુસ્લિમો 24.1%, હિંદુઓ 15.1% જયારે નાસ્તિકોની વસતી 16%ની આસપાસ દર્શાવવામા આવી હતી.

ઝડપભેર વધી રહી રહ્યા છે મુસ્લિમો

આ રિપોર્ટ અનુસાર દુનિયાભરમાં મુસલમાનોની વસતી ભારે ગતિથી વધી રહી છે, જો કે આ વધારા પાછળ પ્રાકૃતિક કારણ જ જવાબદાર છે. વર્ષ-2010થી 2015 ની વચ્ચે મુસ્લિમ સમાજમાં જન્મ-મૃત્યુદરનો અભ્યાસ કરતા જાણવા મળે છે કે, આ સમયગાળા દરમિયાન દુનિયાભરમાં 21.3 કરોડ બાળકો જન્મ્યા અને માત્ર 6.1 કરોડ બાળકોના મૃત્યુ થયા. જયારે ખ્રિસ્તી સમાજના બાળકોની વાત કરીયે તો 22.3 કરોડ બાળકો જન્મ્યા અને મૃત્યુ પામનારા બાળકોની સંખ્યા 10.7 કરોડની રહી. યુરોપના ખ્રિસ્તી સમાજની વસતીમાં સૌથી વધારે ઘટાડો જોવા મળ્યો છે. આ પાંચ વર્ષોમાં ખ્રિસ્તીઓની વસતી અહીં 56 લાખ જેટલી ઘટી છે.2010 સુધીમાં સૌથી વધુ હશે મુસ્લિમો

આ અહેવાલ અનુસાર મુસ્લિમોની વસતીમાં જો આ દરથી જ વધારો થતો રહેશે તો વર્ષ-2050 સુધીમાં ઇસ્લામમાં માનનારાઓની સંખ્યા દુનિયામાં સૌથી વધુ થઇ જશે અને ખ્રિસ્તી ધર્મમાં માનનારા લોકો બીજા ક્રમે આવી જશે. ખાસ કરીને યુરોપમાં મુસ્લિમોની વસતી 10% થી પણ વધી જશે. ભારતની વાત કરીયે તો હિંદુઓ ભલે બહુમતીમાં રહે પરંતુ મુસ્લિમ વસતીના મામલે ભારત ઇન્ડોનેશિયાને પણ પાછળ રાખી દેશે .

કેમ વધી રહી છે મુસ્લિમોની વસતી?

સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે, ધર્મપરિવર્તન દુનિયાભરમાં મુસ્લિમ વસતી વધવાનું એક મોટું કારણ છે. પરંતુ 'પ્યુ રિસર્ચ' આ બાબતને સંપૂર્ણ રીતે નકારે છે. આ અહેવાલ અનુસાર દુનિયાભરમાં મુસ્લિમોની વસતી વધવા પાછળ ધર્માંતરણનું યોગદાન માત્ર 0.3% જ છે. મુસ્લિમ વસતી વધવા પાછળનું મુખ્ય કારણ જન્મ-મૃત્યુ દરનું પ્રમાણ છે. આ ઉપરાંત મુસ્લિમોનો ફર્ટિલિટી રેટ દુનિયાભરના અન્ય ધાર્મિક સમુદાયની સરખામણીએ સૌથી વધારે છે.આ અહેવાલ અનુસાર, પ્રત્યેક મુસ્લિમ સ્ત્રી 3.1 બાળક પેદા કરે છે જયારે ખ્રિસ્તી મહિલામાં આ પ્રમાણ 2.7 છે. દુનિયાભરમાં સરેરાશ પ્રત્યેક સ્ત્રી 2.5 બાળક પેદા કરે છે, માત્ર ખ્રિસ્તી અને મુસ્લિમ સ્ત્રીઓ જ આ સરેરાશથી વધારે છે. હિન્દૂ સ્ત્રીઓમાં આ પ્રમાણ 2.4 જયારે બૉધ્ધમાં આ દર સૌથી ઓછો એટલે કે 1.6 બાળકનો છે. સમાજવિજ્ઞાનીઓનું માનીએ તો મુસ્લિમ દેશોમાં કડક કાયદાઓ અને અન્ય કેટલીક મુશ્કેલીઓના લીધે તેમની વસતી અંગેના ચોક્કસ આંકડાઓ સામે આવતા નહોતા। હવે આ આંકડાઓ જાહેર થવા પાછળ પણ કોઈ કારણ જ હશે!
First published: February 13, 2019, 4:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading