Madhya Pradesh News: મધ્યપ્રદેશના ગુનાનો (Guna News) એક શરમજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આઝાદી પછી આજદિન સુધી અહીં દલિતો માટે કોઇ સ્મશાનગૃહ નથી. તેમના સંબંધીઓના મૃત્યું બાદ તેમણે તમામ વ્યવસ્થા જાતે કરવી પડે છે. આવો જ એક કિસ્સો જિલ્લાના બંસહિડા ગામમાં જોવા મળ્યો હતો. અહીં એક 45 વર્ષીય મહિલાનાં મૃત્યું બાદ ગામ લોકોએ માત્ર ચિતા માટે જ નહીં, પણ ટીનની ચાદરથી લઈને શેડ સુધી પોતાની વ્યવસ્થા કરવી પડે છે. મહિલાનું શરીર ટાયર અને ડીઝલથી સળગાવવું પડ્યું હતું.
મળતી માહિતી મુજબ, બનાસહેડા ગામની 45 વર્ષીય મહિલા રામકન્યા બાઇ હરિજનનું શુક્રવારે સવારે 10:00 વાગ્યે મૃત્યુ થયું હતું. પરંતુ, ભારે વરસાદના કારણે સંબંધીઓએ મૃતકના મૃતદેહને બે કલાક સુધી ઘરમાં રાખ્યો હતો. લાંબા સમય સુધી વરસાદ બંધ ન થતાં સ્વજનો અને ગ્રામજનો મૃતદેહ સાથે સ્મશાનગૃહ પહોંચ્યા હતા. તમને જણાવી દઈએ કે, અહીં પહોંચવા માટે કોઈ પાકો રસ્તો નથી. લોકોને કાદવવાળા રસ્તાઓ પરથી જવુ પડે છે. જેના કારણે ઘણી વખત મૃતદેહ પડવાનો ભય રહે છે.
જ્યારે ગ્રામજનો રામ કન્યાના મૃતદેહ સાથે સ્મશાનઘાટ પર પહોંચ્યા ત્યારે ત્યાં ન તો ટીન શેડ હતો કે ન તો પ્લેટફોર્મ હતું, જેના પર મૃતદેહનો અંતિમ સંસ્કાર કરી શકાય. આવી સ્થિતિમાં લોકોએ ગામમાંથી 2 ટીન શીટ મંગાવી અને ચિતા તૈયાર કરી. વરસાદમાં લાકડું ભીનું હોવાથી, લાકડાની નીચે કેટલાક ટાયર સળગાવી દેવામાં આવ્યા હતા, ત્યારબાદ તેમાં આગ લાગી હતી. આ પછી 10-12 ગ્રામજનો ખુદ શેડના રૂપમાં ઉભા રહ્યા. તે પછી ડીઝલ નાંખીને મહિલાનો અંતિમ સંસ્કાર કર્યો હતો. ગામલોકોએ જણાવ્યું કે, આજ સુધી તેમના ગામમાં કોઈ સ્મશાનભૂમિ બનાવવામાં આવી નથી. તેમને દરેક વરસાદમાં આવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ગ્રામજનોએ આ અંગે વહીવટી અધિકારીઓને અનેક વખત ફરિયાદ કરી હતી, પરંતુ કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી.
નોંધનીય છે કે, આ દલિત પ્રભુત્વ ધરાવતો વિસ્તાર છે. અહીં દલિત સમાજના 1000થી વધુ પરિવારો રહે છે. લોકોનું કહેવું છે કે, વરસાદમાં પંચાયત તરફથી પણ કોઈ મદદ આપવામાં આવતી નથી. આ કારણે, ચિતા ડીઝલ અને ટાયરથી પ્રગટાવવામાં આવે છે. ગ્રામજનોએ કહ્યું કે, રાજકારણીઓ અને અધિકારીઓ મંચ પરથી મોટા મોટા દાવા કરે છે, પરંતુ વાસ્તવિકતા તેનાથી વિપરીત છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર