બેંગ્લોરમાં આઉટર રિંગ રોડ પર નિર્માણાધીન મેટ્રોનો પિલર તૂટી પડતાં એક મહિલા અને તેના પુત્રનું દુઃખદ મૃત્યુ થયું હતું. બેંગલુરુ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડે આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી અને વિગતવાર તપાસનો આદેશ આપ્યો હતો. આ સાથે પીડિત પરિવારને 20 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે.
કર્ણાટક: રાજધાની બેંગલુરુમાં મંગળવારે એક મોટી દુર્ઘટના થઈ જ્યારે નિર્માણાધીન મેટ્રોનો પિલર તૂટી પડ્યો હતો. જણાવી દઈએ કે, આઉટર રિંગ રોડ પર એક નિર્માણાધીન મેટ્રોનો પિલર તૂટી પડતાં એક મહિલા અને તેના અઢી વર્ષના પુત્રનું કરૂણ મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં મહિલાના પતિ અને અન્ય એક પુત્રને ઈજા થઈ હતી. પોલીસે જણાવ્યું કે, સવારે લગભગ 11 વાગ્યે મેટ્રોનો એક નિર્માણાધીન પિલર પડી ગયો અને ચાર લોકોને લઈ જતી એક બાઇક તેની અડફેટે આવી ગઈ હતી. આ અકસ્માતમાં મહિલા અને તેનો પુત્ર ગંભીર રીતે ઘાયલ થયા હતા. બંનેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેઓનું મૃત્યુ થયું.
પોલીસે જણાવ્યું હતું કે, તેઓએ કેસ નોંધ્યો છે અને વધુ તપાસ કરવામાં આવશે. આ ઘટનાને પગલે થોડો સમય રોડ પર જામ થઈ ગયો હતો. તે જ સમયે, મૃતક મહિલાના સસરા વિજયકુમારે જણાવ્યું હતું કે, મેટ્રો પિલરના નિર્માણ દરમિયાન સલામતીના પગલાં લેવામાં આવ્યા ન હતા. ઘટના સ્થળે બાંધકામનું કામ તાત્કાલિક બંધ કરવું જોઈએ.
બેંગ્લોર મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (BMRCL)ના એમડી અંજુમ પરવેઝે જણાવ્યું હતું કે, પિલર પડી જતાં મહિલા અને તેનું બાળક ખરાબ રીતે ઘાયલ થયા હતા અને બાદમાં તેમનું મૃત્યુ થયું હતું. આ ખૂબ જ કમનસીબ ઘટના છે. પીડિત પરિવારને 20 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, અમે ઉત્પાદનમાં ઉચ્ચ ગુણવત્તાના ધોરણોનું પાલન કરીએ છીએ. આ મામલે ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે, અમે જોશું કે તે તકનીકી ખામી હતી કે માનવીય. આવી ઘટનાઓ ફરી ન બને તે માટે પગલાં પણ લેવામાં આવશે.
કોન્ટ્રાક્ટર અને એન્જિનિયરોને નોટિસ
મેટ્રો પિલર તૂટી પડવાની ઘટના પર, બેંગ્લોર મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડે કહ્યું કે, કોન્ટ્રાક્ટર અને સંબંધિત એન્જિનિયરોને નોટિસ આપવામાં આવી રહી છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ (IISc) ને તપાસ કરવા અને રિપોર્ટ આપવા વિનંતી કરવામાં આવશે. આંતરિક ટેકનિકલ ટીમ પણ આ મામલે તપાસ કરશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ઘાયલોનો મેડિકલ ખર્ચ અને મૃતકના પરિવારને 20 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે.
કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમારે કહ્યું કે, બેંગલુરુમાં મેટ્રોનો પિલર પડી ગયો હતો. આ '40% કમિશન' સરકારનું પરિણામ છે. વિકાસના કામોમાં ગુણવત્તા નથી. લોકોનો આ સરકાર પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે. બધે ભ્રષ્ટાચાર છે.
મુખ્યમંત્રીના રાજીનામાની માંગ
આ ઉપરાંત, કોંગ્રેસના ધારાસભ્ય સૌમ્યા રેડ્ડીએ મેટ્રોના નિર્માણાધીન પિલર પડી જવાને કારણે એક મહિલા અને એક બાળકના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, અત્યાર સુધી લોકો ખાડાઓને કારણે મૃત્યુ પામતા હતા, પરંતુ હવે પિલર તૂટી રહ્યા છે. આ ભાજપ સરકારની બેદરકારી અને ભ્રષ્ટાચારનો સ્પષ્ટ કિસ્સો છે. કોંગ્રેસના ધારાસભ્યે કર્ણાટકના મુખ્યમંત્રીએ રાજીનામું આપવું જોઈએ તેવી માંગ કરી હતી. તે ખામીયુક્ત કામનો સ્પષ્ટ કેસ છે અને લોકો તેનો ભોગ બન્યા છે.
Published by:Samrat Bauddh
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર