Monsoon 2022 Forecast : ભારતમાં ચોમાસું (India Monsoon) પ્રવેશી ચૂક્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું માત્ર 29 મેના રોજ મહેરબાન થયું છે, જ્યારે તેના આગમનની સરેરાશ તારીખ 1 જૂન માનવામાં આવે છે. મંગળવારે, કેરળ અને તમિલનાડુના કેટલાક ભાગોમાં ચોમાસું આગળ વધતું જોવા મળ્યું હતું, પરંતુ તેની ગતિ ધીમી થવાની સંભાવના છે. IMD એ કર્ણાટકના 10 જિલ્લાઓ માટે યલો એલર્ટ જારી કર્યું છે, બેંગલુરુમાં 2 જૂનથી વરસાદ શરૂ થવાની ધારણા છે. આ વખતે ચોમાસું મહારાષ્ટ્ર (Maharastra Rain) માં એક સપ્તાહ પહેલા પહોંચવાની ધારણા છે. દરમિયાન, IMD એ મંગળવારે તેની બીજી આગાહીમાં જણાવ્યું હતું કે, દેશમાં આ વખતે દક્ષિણ પશ્ચિમ ચોમાસું સામાન્ય રહેશે.
અહીં ચોમાસાએ ગતિ પકડી ન હતી
ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, ઉત્તર કેરળ, કર્ણાટક અને મધ્ય તમિલનાડુ માટે ચોમાસાના વરસાદની રાહ થોડી લાંબી થઈ શકે છે કારણ કે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આગામી બે દિવસ સુધી આગળ વધવાની સંભાવના નથી. ચોમાસાએ હજુ ગતિ પકડી નથી અને આ વિસ્તારોમાં સારો વરસાદ થયો નથી. છેલ્લા 24 કલાકમાં કેરળના 14માંથી 8 જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ થયો છે. અલાપ્પુઝા અને કોટ્ટાયમમાં 24 કલાકમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો, જે અનુક્રમે 53 મીમી અને 52 મીમી હતો. મંગળવારે દક્ષિણ કેરળ અને માહેમાં ભારે વરસાદની સંભાવના છે. દક્ષિણના બાકીના રાજ્યોમાં 2 જૂન સુધી માત્ર હળવો વરસાદ થવાની સંભાવના છે.
આ સ્થળોએ પણ થોડી રાહ જોવી પડશે
IMDના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ચોમાસું જૂનના પહેલા સપ્તાહમાં બેંગલુરુ સહિત રાજ્યના દક્ષિણ ભાગોમાં પ્રવેશ કરશે. દક્ષિણ કર્ણાટકમાં ચોમાસાનો વરસાદ ત્રણ-ચાર દિવસ વિલંબિત થઈ શકે છે, પરંતુ સમગ્ર રાજ્યમાં 7 જૂનથી વરસાદ થવાની ધારણા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી થોડા દિવસોમાં બેંગલુરુમાં 7 મીમી સુધી વરસાદ પડશે. 3-4 જૂનના રોજ હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડશે. મહારાષ્ટ્ર વિશે વાત કરીએ તો, દક્ષિણ કોંકણ પ્રદેશો અને કોલ્હાપુરમાં ચોમાસાની શરૂઆતની સામાન્ય તારીખ 9 જૂનની આસપાસ છે, પરંતુ આ વર્ષે તે એક અઠવાડીયું વહેલો આવે તેવી શક્યતા છે.
IMDએ કહ્યું, ચોમાસું સામાન્ય રહેશે
અહીં, IMDના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે, ચોમાસું સામાન્ય તારીખ પહેલા દક્ષિણ દ્વીપકલ્પના મોટાભાગના વિસ્તારોમાં પહોંચવાની ધારણા છે. IMD એ મંગળવારે તેની બીજી લાંબી-શ્રેણીની આગાહીમાં જણાવ્યું હતું કે, આ વખતે દેશમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સામાન્ય રહેશે અને માત્રાત્મક રીતે તે લાંબા ગાળાની સરેરાશ (LPA) ના 103 ટકા રહેશે. જો આવું થાય છે, તો આ સતત ચોથું વર્ષ હશે, જ્યારે ભારતમાં ચોમાસું સામાન્ય રહેશે. મહાપાત્રાના જણાવ્યા અનુસાર, દક્ષિણ દ્વીપકલ્પ, મધ્ય ભારત અને કોર મોનસૂન પ્રદેશ (મધ્ય ભારતના મોટાભાગના વિસ્તારો) પર સામાન્ય કરતાં વધુ વરસાદ (એલપીએના 106%) થવાની સંભાવના છે.
IMDના વડાએ જણાવ્યું હતું કે આ વર્ષે મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, હિમાચલ, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ, પૂર્વોત્તર ભારતના ઉત્તરીય વિસ્તારો સહિત મોટાભાગના વિસ્તારોમાં જૂનથી સપ્ટેમ્બર દરમિયાન સારો વરસાદ થવાની અપેક્ષા છે. જો કે, કેરળ, મેઘાલય, મણિપુર, ત્રિપુરા, દક્ષિણ આસામ, ઓડિશા, છત્તીસગઢ, ગંગા પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના વિસ્તારોમાં આગામી ચાર મહિના દરમિયાન સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાની સંભાવના છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર