21મી જૂનના રોજ વિશ્વ યોગા દિવસ પહેલા વડાપ્રધાન મોદીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક યોગાનો વીડિયો શેર કર્યો છે. એનિમેટેડ વીડિયોમાં નરેન્દ્ર મોદીને નાડી શોધન પ્રાણાયમ કરતા જોઈ શકાય છે.
મોદીએ વીડિયો ટ્વિટ કરતા લખ્યું છે કે, "આ વીડિયોને નિહાળો અને નિયમિત્ત આ યોગાસન કરવાની ટેવ પાડો. દરરોજ આ યોગ કરવાથી તમને શાંતિ અને સકારાત્મકતાનો અનુભવ થશે."
ત્રણ મિનિટના આ વીડિયોમાં પ્રાણાયમ આસન કેવી રીતે કરવું તે તબક્કાવાર બતાવવામાં આવ્યું છે. સાથે જ તેના ફાયદાઓ પણ બતાવવામાં આવ્યા છે.
હિન્દી અને અંગ્રેજી વોઇસ ઓવર સાથે જાહેર કરવામાં આવેલા વીડિયોમાં આ આસનથી શ્વાસોશ્વાસ, હૃદયના દર્દીઓ અને કફની બીમારીથી કેવી રીતે રાહત મળે છે તે બતાવવામાં આવ્યું છે.
મોદીએ શેર કરેલો વીડિયો
આ પહેલા મોદી પવનમુક્તાસના, સેતુ બંધાસના, સલાભાસના, અર્ધ ચક્રાસના, વર્જાસના, વૃક્ષાસના, ભુજંગનાસનાના થ્રીડી વિડોયો શેર કરી ચુક્યા છે.
નોંધનીય છે કે ગત મહિને વડાપ્રધાન મોદીએ ભારતીય ક્રિકેટ ટીમને કેપ્ટન વિરાટ કોહલી તરફથી મળેલી ફિટનેસ ચેલેન્જ સ્વીકારી હતી અને કહ્યું હતું કે તેઓ પણ બહું ઝડપથી ફિટનેસ અંગે પોતાનો વીડિયો શેર કરશે.
મોદી સરકાર અનેક વખત યોગને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રમોટ કરી ચુકી છે. 2015ના વર્ષમાં ભારતે મોદીની આગેવાનીમાં રાજપથ ખાતે સૌથી વધારે લોકોએ એકસાથે યોગા કર્યાના બે વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યા હતા.
મોદી પોતે પણ નિયમિત્ત રીતે વહેલી સવારે યોગા કરે છે.