નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. દેશમાં અત્યાર સુધી 78 હજારથી વધુ લોકો કોરોના સંક્રમિત છે જ્યારે 2549 લોકોનાં મોત થઈ ચૂક્યા છે. કોરોના વાયરસ (Coronavirus)ના સંક્રમણને ખતમ કરવા માટે વૈજ્ઞાનિક અને ડૉક્ટરોની ટીમ દિવસ-રાત એક કરી કોરોના વેક્સીન (Corona Vaccine) તૈયાર કરવામાં લાગી છે. સરકારે કોરોના વાયરસની વિરુદ્ધ વેક્સીન વિકસિત કરવા માટે PM-CARES Fundમાંથી 100 કરોડ રૂપિયા ફાળવ્યા છે. બાયોટેક્નોલોજી ડિપાર્ટમેન્ટ અનુસાર શૈક્ષણિક સંસ્થાન, ઉદ્યોગ અને સ્ટાર્ટ-અપ્સ હેઠળ ભારતમાં 25 વેક્સીનના વિકાસ પર કામ ચાલી રહ્યું છે.
‘હિન્દુસ્તાન ટાઇમ્સ’ના અહેવાલ મુજબ, મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર કે. વિજયરાઘવનની દેખરેખમાં જ PM CARES Fundની રકમ ફાળવણી કરવામાં આવશે. બાયોટેક્નોલોજી ડિપાર્ટમેન્ટના સચિવ ડૉ. રેણુ સ્વરૂપે જણાવ્યું કે PM CARES Fundથી 100 કરોડ રૂપિયા કાલે જ ફાળવવામાં આવ્યા છે. અમે આગામી થોડાક દિવસની અંદર જ તેના ઉપયોગ કરવાની રૂપરેખા તૈયાર કરી લઈશું. તેઓએ કહ્યું કે જે પણ કંપની સ્વદેશી વેક્સીન બનાવવા તરફ પોતાના પ્રયાસો કરશે તેને જ આ ફંડનો લાભ મળી શકશે.
ડૉ. રેણુ સ્વરૂપે જણાવ્યું કે, લગભગ 10 વેક્સીન પરિયોજનાઓને ડીબીટી-બીઆઈઆરએસી સંઘ તરફથી મદદ કરવામાં આવી રહી છે. જોકે હજુ સુધી એ નક્કી નથી કરવામાં આવ્યું કે આ પરિયોજનાઓ PM CARES Fundના પૈસા માટે યોગ્ય હશે કે નહીં. તેઓએ જણાવ્યું કે હજુ સુધી જેટલી પણ પરિયોજનાઓ પર કામ ચાલી રહ્યું છે તેને બીઆઈઆરસી તરફથી મદદ આપવામાં આવી રહી છે. તેથી હજુ સુધી એ કહેવું થોડું મુશ્કેલ છે કે આ પરિયોજનાઓને પણ PM CARES Fundથી મળનારી રકમનો કેટલોક હિસ્સો આપવો જોઈએ કે નહીં.
નોંધનીય છે કે, દેશમાં 10 કંપનીઓ ઉપરાંત પણ અનેક શોધ સંસ્થાન છે જે કોરોના વાયરસની વેક્સીન બનાવવામાં લાગી છે. આ શોધ સંસ્થાઓમાં કરવામાં આવેલા રિસર્ચ પણ ઘણા મહત્વપૂર્ણ છે એવામાં આ સંસ્થાનોને પ્ણ તક આપવામાં આવી શકે છે. અત્યાર સુધી ડીબીટી-બીઆઈઆરએસીએ 70 પરિયોજનાઓને પોતાની સહાયતા આપી છે.