મીટૂના આરોપથી ઘેરાયેલા કેન્દ્રીય મંત્રી એમ જે અકબરે રાજીનામું આપ્યું છે. વિદેશ રાજ્યમંત્રી પદ પરથી એમ જે અકબરે રાજીનામું આપી દીધુ છે.
મંત્રી એમ જે અકબરે રાજીનામું આપ્યા બાદ કહ્યું છે કે, મારી પર લાગેલા આરોપો સામે કાયદાકીય લડાઈ લડીશ. મને કાનૂન પર ભરોસો છે. મારી પર લગાવવામાં આવેલા જૂઠા આરોપોને હું કોર્ટમાં પડકારીશ.
અકબરે પોતાના રાજીનામામાં લખ્યું છે કે, મે કોર્ટમાં ન્યાય લેવાનો નિર્ણય લીધો છે, જેથી મને લાગ્યું કે મારે પહેલા રાજીનામું આપવું જોઈએ. હવે હું મારી પર લાગેલા જુઠા આરોપોને કોર્ટમાં પડકારીશ. જેથી મે વિદેશ રાજ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું છે.
અકબરે આ આરોપોને રાજનીતિ ગણાવી કહ્યું કે, અગામી વર્ષે યોજાનાર લોકસભા ચૂંટણીના કારણે તેની પર આ પ્રકારના આરોપ લગાવવામાં આવી રહ્યા છે. આ રીતના આરોપો સામે આવતા જ વિપક્ષ પાર્ટીઓ વારંવાર અકબરના રાજીનામાની માંગ કરી રહી છે.
અકબરે રવિવારે પોતાની સફાઈ આપતા કહ્યું હતું કે, મારી પર લગાવવામાં આવેલા આરોપો ખોટા છે, તે એકદમ આધારહિન છે. આનાથી મારી ઈમેજને ખુબ નુકશાન પહોંચ્યું છે. લોકસભા ચૂંટણી પહેલા જ આવા આરોપો કેમ લાગ્યા. શું આ કોઈ એજન્ડા છે. તમે જજ છો. આ ખોટા આરોપો લગાવવામાં આવી રહ્યા છે, જેથી મારી પ્રતિષ્ઠાને નુકશાન પહોંચાડવામાં આવે. તેમણે કહ્યું કે, જૂઠના પગ નથી હોતા, પરંતુ આમાં ઝહેર હોય છે. જેનાથી માત્ર ઉન્માદ ફેલાવી શકાય છે. આ આરોપો પરેશાન કરનારા છે.
ઉલ્લેખનીય છે કે એમ જે એકબર પર યૌન શોષણનો આરોપ લાગ્યો છે. #MeToo આંદોલને જોર પકડવાની સાથે 'ધ એશિયન એજ' સમાચાર પત્રમાં કામ કરી ચુકેલી 20 જેટલી મહિલા પત્રકારોએ એમ જે અકબર પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. આ તમામ 19 મહિલા પત્રકારોએ રમાનીની સમર્થનમાં હસ્તાક્ષર કર્યા છે. આ સાથે ડેક્કન ક્રોનિકલની એક પત્રકાર ક્રિસ્ટીના ફ્રાંસિસે પણ આ નિવેદન પર હસ્તાક્ષર કર્યા છે.
આ મહિલા પત્રકારોએ પોતાના હસ્તાક્ષરવાળા નિવેદનમાં કહ્યું છે કે, રમાની પોતાની લડાઈમાં એકલી નથી.