નેત્રાવતી નદીના કાંઠેથી CCDના માલિક વી.જી. સિદ્ધાર્થનો મૃતદેહ મળી આવ્યો

News18 Gujarati
Updated: July 31, 2019, 11:04 AM IST
નેત્રાવતી નદીના કાંઠેથી CCDના માલિક વી.જી. સિદ્ધાર્થનો મૃતદેહ મળી આવ્યો
સીસીડીના માલિક (ફાઇલ તસવીર)

વી.જી. સિદ્ધાર્થ કોફી ડૅ એન્ટરપ્રાઇઝ લિમિટેડ (CDEL)ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર હતા.

  • Share this:
ગુમ થયાના એક દિવસ બાદ દેશની સૌથી મોટી કોફી ચેઇન કાફૅ કાફી ડૅના માલિક વી.જી. સિદ્ધાર્થ મૃત હાલતમાં મળી આવ્યા છે. તેમનો મૃતદેહ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો છે. વી.જી. સિદ્ધાર્થ કોફી ડૅ એન્ટરપ્રાઇઝ લિમિટેડ (CDEL)ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર હતા. વી.જી. સિદ્ધાર્થ પૂર્વ કેન્દ્રીય વિદેશ મંત્રી અને વર્તમાન બીજેપી નેતા એસ.એમ. કિષ્નાના જમાઈ છે. મળતી માહિતી પ્રમાણે સ્થાનિક માછીમારોએ નદીમાંથી વી.જી. સિદ્ધાર્થનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.

પોલીસને મેગલુરુના હોઇગ બજાર પાસે આવેલી નેત્રાવતી નદીના કાંઠેથી તેનો મૃતદેહ મળી આવ્યો છે. સિદ્ધાર્થ સોમવારે સાંજે રહસ્યમય પરિસ્થિતિમાં લાપતા થયા હતા. પોલીસકર્મીઓ, તરવૈયાઓ અને માછીમારો સહિત લગભગ 200 લોકો તેની શોધખોળમાં લાગ્યા હતા.

છેલ્લે નેત્રાવદી નદી કિનારે જોવા મળ્યા હતા

પોલીસના જણાવ્યા પ્રમાણે સિદ્ધાર્થ સોમવારે બપોરે બેંગલુરુથી હાસન જિલ્લામાં સક્લેશપુર માટે રવાના થયા હતા. જોકે, અડધે રસ્તે તેણે પોતાના ડ્રાઇવરને મેંગલુરુ તરફ જવાનું કહ્યું હતું. તેઓ અંતે સોમવારે રાત્રે દક્ષિણ કન્નડ જિલ્લાની નેત્રાવતી નદીના પુલ પર જોવા મળ્યા હતા.

પોલીસના કહેવા પ્રમાણે તેમણે પોતાના ડ્રાઇવરને કહ્યુ હતુ કે તેઓ પુલ નજીક ટહેલવા માટે જઈ રહ્યા હતા. તેઓ પરત ન ફરતા ડ્રાઇવરે પોલીસને જાણ કરી હતી. સિદ્ધાર્થના ડ્રાઇવર બસવરાજ પાટિલના કહેવા પ્રમાણે, "સિદ્ધાર્થ નેત્રાવતી નદીના પુલ પર એવું કહીને કાર નીચે ઉતર્યા હતા કે તેઓ થોડા સમય માટે અહીં ફરવા માંગે છે. તેમણે મને પુલના બીજા છેડે ઉભા રહેવાનું કહ્યું હતું. એક કલાક સુધી તેઓ પરત ન ફરતા મેં પોલીસને જાણ કરી હતી."

માલિક લાપતા બનતા CCDનો શેર 20% તૂટ્યો

કાફે કૉફી ડૅ(CCD) બ્રાન્ડ નામથી કૉફીની રેસ્ટોરન્ટ ચલાવતી કંપની કોફી ડે એન્ટરપ્રાઇઝના સંસ્થાપક તેમજ ચેરમેન વી.જી. સિદ્ધાર્થ સોમવાર સાંજથી ગુમ થઈ ગયા હતા. કંપનીએ શેર બજારને મંગળવારે આપેલી જાણકારીમાં આ વાતની પુષ્ટિ થઈ હતી. જે બાદમાં BSE પર સીસીડીના શેરમાં 20 ટકાનો કડાકો બોલી ગયો હતો. સીસીડીના શેર 52 અઠવાડિયાની સૌથી નીચલી સપાટી એટલે કે રૂ. 154.05 સુધી પહોંચી ગયો હતો. શેરની કિંમતમાં આવેલા ઘટાડા બાદ રોકાણકારોના રૂ. 813.32 કરોડ ડૂબી ગયા છે.

સામે આવ્યો પત્ર

CNN-News 18ને સિદ્ધાર્થનો એક પત્ર મળ્યો છે, આ પત્ર તેમણે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને સીસીડી પરિવારને લખ્યો છે. પત્રમાં સિદ્ધાર્થે કંપનીની આર્થિક હાલત અને તેમના ઉપર નાણાકીય બોઝની વાત લખી છે. પત્રમાં તેમણે લખ્યુ છે કે, “હું મારૂ સર્વસ્વ ત્યજી રહ્યો છું. આપ સૌને નીચું જોવું પડે તેવી સ્થિતીમાં મૂકવા બદલ દિલગીર છું. મેં લાંબી લડાઈ લડી તેમ છતાં ખાનગી ભાગીદારો અને લેણદારોનું દબાણ જીરવી શક્યો નહીં. 6 મહિના પહેલાં મેં મિત્ર પાસેથી ખૂબ મોટી રકમ ઉધાર લીધી હતી. ઇનકમટેક્સના પૂર્વ ડીજીએ મને ખૂબ પ્રતાડીત કર્યો હતો. આપણે ફેરરિટર્ન સબમીટ કર્યુ હોવા છતાં તેમના દ્વારા આપણો સોદો પાછો ઠેલવવામાં આવ્યો હતો. આ આઘાતના કારણે આપણને ખૂબ જ મોટો ફટકો પડ્યો હતો.”
First published: July 31, 2019, 7:34 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading