નવી દિલ્હી : કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કોવિડ-19 બાબતે નવા દિશાનિર્દેશ જાહેર કર્યા છે. જે 1 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી પ્રભાવી રહેશે. ગૃહ મંત્રાલયના નવા દિશાનિર્દેશો પ્રમાણે સિનેમા હોલમાં હવે 50 ટકાથી વધારે લોકોને બેસવાની મંજૂરી રહેશે. આ સાથે સ્વિમિંગ પૂલમાં સામાન્ય લોકો પણ જઈ શકશે. કેન્દ્ર તરફથી કહેવામાં આવ્યું છે કે રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોને વિભિન્ન ગતિવિધિઓ અને કોવિડ ઉપયુક્ત વ્યવહારના નિયંત્રણના ઉપાયોને યથાવત્ રાખવા અને એસઓપી લાગુ કરવી ફરજિયાત છે. સિનેમા હોલ માટે સૂચના અને પ્રસારણ મંત્રાલય નવી એસઓપી જારી કરશે.
કેન્દ્રના નિર્દેશો પ્રમાણે સામાજિક, ધાર્મિક, રમત, મનોરંજન, શૈક્ષણિક, સાંસ્કૃતિક આયોજનો માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની એસઓપીના મતે મંજૂરી આપવામાં આવશે. સ્વિમિંગ પૂલને લઈને યુવા મામલા અને ખેલ મંત્રાલય તરફથી એસઓપી જારી કરવામાં આવશે. આ સિવાય આંતરરાષ્ટ્રીય ઉડાનો માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલય, ગૃહ મંત્રાલય સાથે ચર્ચા કરીને નિર્ણય કરશે.
યાત્રી ટ્રેનોની અવરજવર, હવાઇ સફર, મેટ્રો રેલ, સ્કૂલ, ઉચ્ચ શિક્ષણ સંસ્થાન, હોટલો, રેસ્ટોરન્ટ, શોપિંગ મોલ, મલ્ટીપ્લેક્સ, એન્ટરટેઇનમેન્ટ પાર્ક, યોગ કેન્દ્ર અને જિમ વગેરેને લઈને સમય સમય પર અપડેટેડ એસઓપી જાહેર કરવામાં આવશે. આ એસઓપીને સખતાઇથી પાલન કરાવવું પ્રશાસનની જવાબદારી રહેશે.
એક રાજ્યથી બીજા રાજ્યમાં અવરજવર પર કોઈ પ્રકારની મનાઇ રહેશે નહીં. આ સાથે કેન્દ્ર તરફથી 65 વર્ષથી વધારે ઉંમરના લોકો, અન્ય બીમારીથી પીડિત લોકો, ગર્ભવતી મહિલાઓ, 10 વર્ષથી નીચેની ઉંમરના બાળકોએ જરૂરી સાવધાની રાખવાના નિર્દેશ આપ્યા છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર