મહિલા સુરક્ષા પર ગૃહ મંત્રાલયે રાજ્યો માટે બહાર પાડી માર્ગદર્શિકા- FIR અનિવાર્ય, તપાસ બે મહિનામાં પૂર્ણ થાય

મહિલા સુરક્ષા પર ગૃહ મંત્રાલયે રાજ્યો માટે બહાર પાડી માર્ગદર્શિકા- FIR અનિવાર્ય, તપાસ બે મહિનામાં પૂર્ણ થાય
પ્રતિકાત્મક તસવીર

મહિલા સામે અત્યાચારના કેસોમાં અવારનવાર એવું સામે આવતું હોય છે કે પીડિત મહિલા પોલીસ સ્ટેશનના આંટાફેર કરવા માટે મબજૂર બને છે. સરકાર તરફથી જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા પ્રમાણે હવે મહિલા સામે અપરાધના કેસમાં ફરિયાદ નોંધવી અનિવાર્ય રહેશે.

 • Share this:
  નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના હાથરસ (Hathras Case)માં દલિત છોકરી સાથે કથિત ગેંગરેપ અને હત્યાના કેસ બાદ દેશમાં ફરી એક વખત મહિલા સુરક્ષા પર સવાલ ઉભા થયા છે. દેશમાં આ વાતને લઈને ફરી એકવાર જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. એ વાત પર પણ ચર્ચા ચાલી રહી છે કે મહિલાઓ સાથે થતા અત્યાચારને કેવી રીતે રોકવામાં આવે. દેશમાં ઝડપથી વધી રહેલા આવા કેસને ધ્યાનમાં રાખીને ગૃહ મંત્રાલયે (Ministry of Home Affairs) તમામ રાજ્ય માટે આ અંગે માર્ગદર્શિકા (Advisory) બહાર પાડી છે.

  મહિલા સામે અત્યાચારના કેસોમાં અવારનવાર એવું સામે આવતું હોય છે કે પીડિત મહિલા પોલીસ સ્ટેશનના આંટાફેર કરવા માટે મબજૂર બને છે. સરકાર તરફથી જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા પ્રમાણે હવે મહિલા સામે ગંભીર અપરાધના કેસમાં ફરિયાદ નોંધવી અનિવાર્ય રહેશે. મંત્રાલયે આઈપીસી અને સીપીસીની જોગવાઈ અંગે જણાવતા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોને તેનું કડકાઈથી પાલન કરવાનું કહ્યું છે. ગૃહ મંત્રાલય તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે માર્ગદર્શિકામાં જે ભલામણો કરવામાં આવી છે તેના તરફ બેદરકારી દાખવનાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.  આ પણ વાંચો:  સરપંચની દાદાગીરી, હાઇવે પરની હોટલમાં કરી તોડફોડ, હોટલ માલિકની પત્ની બે હાથ જોડી આજીજી કરતી રહી

  ગૃહ મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકાની ખાસ વાતો:

  >> સરકાર તરફથી જાહેર માર્ગદર્શિકામાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે ગંભીર ગુનાની સ્થિતિમાં એફઆઈઆર દાખલ કરવી અનિવાર્ય છે. સરકારે યાદ અપાવ્યું કે કાયદામાં ઝીરો ફરિયાદ નોંધવાની પણ જોગવાઈ છે. ઉલ્લેખનીય છે કે ઝીરો ફરિયાદ ત્યારે દાખલ કરવામાં આવે છે જ્યારે ગુનો જે તે પોલીસ સ્ટેશનની હદ બહાર બન્યો હોય.

  >> IPCની કલમ 166 A(c) અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં નથી આવતી તો અધિકારી સામે સજાની પણ જોગવાઈ રહેલી છે.

  >> સીઆરપીસીની કલમ 173માં દુષ્કર્મ સાથે જોડાયેલા કોઈ પણ કેસની તપાસ બે મહિનામાં પૂર્ણ કરી દેવાની જોગવાઈ છે. ગુનામાં તપાસની પ્રગતિ જાણવા માટે ગૃહમંત્રાલય તરફથી પોર્ટલ બનાવવામાં આવ્યું છે.

  >> સીઆરપીસીની કલમ 164-A પ્રમાણે દુષ્કર્મના કોઈ પણ કેસમાં સૂચના મળ્યાના 24 કલાકની અંદર પીડિતાની સહમતિ સાથે નોંધાયેલા ડૉક્ટર પાસે તેની મેડિકલ તપાસ કરવી જરૂરી છે.

  >> સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે દુષ્કર્મ, શારીરિક છેડતી, હત્યા જેવા ગંભીર કેસમાં ફોરેન્સિક સાયન્સ સર્વિસિઝ ડિરેક્ટોરેટ તરફથી પુરાવા એકઠા કરવા માટે માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે. આવા કેસમાં પુરાવા એકઠા કરવા માટે માર્ગદર્શિકાનું પાલન કરવું અનિવાર્ય છે.

  >> આ સાથે જ એડ્વાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે ઇન્ડિયન એવિડેન્સની કલમ 32(1) અંતર્ગત મૃત વ્યક્તિનું નિવેદન તપાસમાં મહત્ત્વનું તથ્ય રહેશે.

  સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે જો પોલીસ આ જોગવાઈઓનું પાલન યોગ્ય રીતે નથી કરતી તો મહિલાઓને ન્યાય મેળવવામાં સમસ્યા આવશે. મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ આ મામલાઓમાં બેદરકારી દાખવશે તો આવા અધિકારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.
  Published by:Vinod Zankhaliya
  First published:October 10, 2020, 13:41 pm

  ટૉપ ન્યૂઝ