પંજાબ નેશનલ બેંક (Punjab National Bank) સાથે તેર હજાર કરોડની છેતરપિંડી કરનાર હીરાના વેપારી મેહુલ ચોકસીને (Mehul Bank) ભારત લાવવાની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. ચોક્સી અત્યારે કેરેબિયન દેશ ડોમિનિકાની (Dominiqua) હોસ્પિટલમાં પોલીસની દેખરેખ હેઠળ છે. ભારતીય અધિકારીઓની ટુકડી મેહુલ ચોકસીને પરત લાવવા માટે ડોમિનિકા ગઈ છે. આ દરમિયાન ચોકસીના વકીલ વિજય અગ્રવાલનું કહેવું છે કે, જે સમયે મેહુલ ચોકસીએ એન્ટીગુઆની નાગરીકતા મેળવી લીધી, ત્યારે જ તેઓ ભારતના નાગરિક રહ્યા નહોતા. જેથી કાયદેસર રીતે ઇમિગ્રેશન અને પાસપોર્ટ એકટની કલમ 17 અને 23 મુજબ તેને માત્ર એન્ટીગુઆ જ મોકલી શકાય છે. આવી સ્થિતિમાં આપણે જાણીએ કે મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણમાં ભારત સામે કયા પડકારો અને ઉકેલ છે.
મેહુલ ચોક્સીની લીગલ ટીમે દાવો કર્યો છે કે, એન્ટીગુઆથી ચોક્સી ડોમિનિકા ભાગ્યો નહોતો, હની ટ્રેપમાં ફસાવી તેનું અપહરણ કરાયું હતું. છેલ્લાં છ મહિનાથી મહિલા સાથે ચોકસીની દોસ્તી હતી. જેને 23 મેના રોજ એન્ટીગુઆના એપાર્ટમેન્ટમાં બોલાવવામાં આવ્યો હતો. ત્યાંથી ચોકસીનું કેટલાક લોકોએ અપહરણ કર્યું હતું. ત્યારબાદ તેને ડોમિનિકા લઈ જતાં પહેલા કથિત રીતે માર મારવામાં આવ્યો હતો. તેને યાટમાં બાંધક બનાવી રાખવામાં આવ્યો હતો. તેના પર ઘણા પ્રકારનો અત્યાચાર ગુજારવામાં આવ્યા હતા.
બીજી તરફ એન્ટીગુઆ અને બારબૂડાના વડાપ્રધાન ગેસ્ટન બ્રાઉને કહ્યું છે કે, ત્રણ દિવસથી ગુમ થયા બાદ ડોમિનિકામાં ઝડપાયેલા ભાગેડુ ડાયમંડ વેપારી મેહુલ ચોક્સીને ભારત પરત મોકલી દેવો જોઈએ. જ્યાં તે તેની સામેના અપરાધીક આરોપનો સામનો કરી શકે. અલબત્ત, બ્રાઉને બાદમાં કહ્યું હતું કે, તે ભારતનો નાગરિક નહીં, પણ એન્ટીગુઆનો નાગરિક હોવાથી તેને સીધો ભારત મોકલી શકાય નહીં.
ભારતની તરફેણમાં શું છે?
ચોકસીએ પોતાનો પાસપોર્ટ ભલે સરેન્ડર કર્યો હોય, પણ ભારતે તેને સ્વીકાર્યો નથી. તેને પાસપોર્ટ સરેન્ડરનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું નથી. તેવું એજન્સીનું કહેવું છે. સૂત્રોનું કહેવું છે કે, ઈન્ટરપોલે ભારતમાં થયેલા આર્થિક ગુનાઓ માટે ચોક્સી વિરુદ્ધ રેડ નોટિસ ફટકારી છે. તે મામલે કોર્ટમાં કાર્યવાહી થશે. ભારત પહેલાથી જ તમામ સંબંધિત કેસો અંગે ડોમિનીકાને જરૂરી દસ્તાવેજો મોકલી ચૂક્યું છે.
નાગરિકતા કાયદો શું કહે છે?
ચોકસીની નાગરીકતા મામલે કાયદો સ્પષ્ટ છે. ભારત બે નાગરિકત્વની મંજૂરી આપતું નથી. ભારતીય નાગરિકતા અધિનિયમ 1955ની કલમ 9 મુજબ વિદેશી નાગરિકત્વ મેળવનાર વ્યક્તિ ભારતીય નાગરિક ગણાતો નથી. કલમ 9 મુજબ ભારતનો કોઈપણ નાગરિક નોંધણી દ્વારા અન્ય કોઈ દેશની નાગરિકતા મેળવે તો તેની ભારતીય નાગરિકતા રદ્દ કરવામાં આવશે.
સ્વેચ્છાએ બીજા કોઈ દેશની નાગરિકતા મેળવનાર નાગરિકની ભારતીય નાગરિકતા રદ્દ કરવામાં આવશે. આ ઉપરાંત સમાપ્તિની જોગવાઈ ત્યાગની જોગવાઈથી અલગ છે. તે ભારતના કોઈપણ નાગરિકને લાગુ પડે છે અને ફક્ત પુખ્ત વયના લોકો માટે મર્યાદિત નથી. તેથી જ ભારતીય બાળકો પણ આપમેળે તેમની ભારતીય નાગરિકતા ગુમાવે છે. જેથી બધા વ્યવહારિક હેતુઓથી ચોક્સી એન્ટીગુઆનો નાગરિક રહે છે. તેમ છતાં ત્યાંની સરકારે તેની નાગરિકતા રદ્દ કરવા કાયદેસરની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. જેને ચોકસીએ કોર્ટમાં પડકારી છે.
ચોકસીના ભારતીય પાસપોર્ટનું શું?
પાસપોર્ટ એક્ટ 1967 મુજબ બધા ભારતીય પાસપોર્ટ ધારકોને વિદેશી નાગરિકત્વ મેળવ્યા પછી તરત જ નજીકના ભારતીય મિશન / પોસ્ટને તેમના પાસપોર્ટ સોંપવા ફરજિયાત છે. ભારતીય પાસપોર્ટનો દુરૂપયોગ પાસપોર્ટ એક્ટ 1967ની કલમ 12(1 A) હેઠળ ગુનો છે.
મંત્રાલયની વેબસાઇટમાંથી મળતી વિગત મુજબ ભારતીય નાગરિકત્વ અધિનિયમ1955, બેવડા નાગરિકત્વની મંજૂરી આપતું નથી. વિદેશી નાગરિકતા પ્રાપ્ત કર્યા પછી ભારતીય પાસપોર્ટ પર કરવામાં આવેલી મુલાકાત, પાસપોર્ટ નિયમોનું ઉલ્લંઘન અને વિદેશી નાગરિકતા પ્રાપ્ત કર્યા પછી ત્રણ વર્ષ કરતા વધુ સમય સુધી જાળવી રાખવા બદલ સજાની જોગવાઈ છે.
વિદેશ મંત્રાલયના પૂર્વ અધિકારીનું કહેવું છે કે, ઘણા દેશો બેવડા નાગરિકત્વની મંજૂરી આપતા નથી. તેઓ તેમના દેશની નાગરિકતાને ઔપચારિક બનાવતા પહેલા ભારતીય પાસપોર્ટના સરેન્ડરનો આગ્રહ રાખે છે. અલબત્ત એન્ટીગુઆમાં આવું નથી. ત્યાં ભારતીય પાસપોર્ટ સરેન્ડર કર્યો છે કે નહીં તે જોવામાં આવતું નથી. પણ ભારતમાં નિયમ અલગ છે. જો બીજો દેશ તમને નાગરિકતા આપે તો કાયદા મુજબ તમે ભારતીય નાગરિક નથી રહેતા.
ભારત હવે શું કરી શકે?
ચોકસીને ભારત લાવવાની આ એક સારી તક છે. ડોમિનિકાની અદાલતને ચોકસી સામે મજબૂત કેસ છે અને તે ભાગેડુ અપરાધી છે તે સમજાવવું પડશે. ભારતના કાયદાથી બચવા જ તેણે એન્ટીગુઆની નાગરિકતા મેળવી હતી તેવો તર્ક ભારત આપશે તેવું સુત્રોનું કહેવું છે.
એક અધિકારીનું કહેવું છે કે, ચોક્સી સામે ઇન્ટરપોલ નોટિસ છે, તે ભારતને સોંપવા માટે પૂરતું કારણ છે. જ્યાં સુધી તેને માર મારવાની વાત છે, તો તે આપણી સાથે સંબંધિત નથી. અમને ખબર નથી કે તેને કોણે માર માર્યો હતો. બીજી તરફ ડોમિનિકા સાથે ભારતની પ્રત્યાર્પણ સંધિ નથી. છતાં ભારતે કોર્ટમાં પ્રત્યાર્પણની કાર્યવાહીનું પાલન કર્યું હતું. આ કાર્યવાહી એક વર્ષથી વધુ ચાલી હતી. આવી સ્થિતિમાં ભારત પાસે ચોક્સી લાવવા માટે પૂરતા મુદ્દા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર