મક્કા મસ્જિદ બ્લાસ્ટ: આરોપીઓને મુક્ત કરનારા જજે આપ્યું રાજીનામું

News18 Gujarati
Updated: April 17, 2018, 9:14 AM IST
મક્કા મસ્જિદ બ્લાસ્ટ: આરોપીઓને મુક્ત કરનારા જજે આપ્યું રાજીનામું
News18 Gujarati
Updated: April 17, 2018, 9:14 AM IST
હૈદરાબાદની પ્રખ્યાત મક્કા મસ્જિદમાં વર્ષ 2007માં થયેલ બોમ્બ બ્લાસ્ટ મામલામાં દક્ષિણપંથી નેતા સ્વામી અસીમાનંદ સહિત તમામ પાંચ આરોપીઓને છોડી મુકવાનો ચૂકાદો આપનાર જજે રાજીનામું આપી દીધુ છે. એનઆઈએની વિશેષ અદાલતના જજ કે. રવીન્દ્ર રેડ્ડીએ આ નિર્ણય બાદ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધુ છે.

રેડ્ડીએ પોતાના રાજીનામા પાછળનું કારણ પર્સનલ જણાવ્યું છે. અને કહ્યું કે, રાજીનામા અને આજના ચૂકાદા સાથે કોઈ લેવા દેવા નથી. એક વરિષ્ઠ ન્યાયિક અધિકારીના જણાવ્યા અનુસાર, રેડ્ડી છેલ્લા ઘણા સમયથી રાજીનામું આપવાનું વિચારી રહ્યા હતા. જોકે, તેમણે અત્યારના સમયે રાજીનામું આપવાનું વિચારતા લોકોને ઘણા પ્રશ્ન થઈ રહ્યા છે.ઓલ ઈન્ડિયા મજલિસે ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના પ્રમુખ અસદુદ્દીન ઓવેસીએ ટ્વીટ કરી કહ્યું કે, જજના આ નિર્ણથી હું હેરાન છું. તેમણે ટ્વીટમાં લખ્યું કે, મક્કા મસ્જિદ બ્લાસ્ટના તમામ આરોપીઓને છોડી મુકવાનો ચૂકાદો આપનાર જજનું અચાનક રાજીનામું ચોંકાવી દે તેવું છે અને હું તેમના આ નિર્ણયથી હેરાન છું.
ઉલ્લેખનીય છે કે, 11 વર્ષ બાદ આજે મક્કા મસ્જિદ બ્લાસ્ટ કેસમાં ફેંસલો આવ્યો હતો. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી(એનઆઈએ)ની વિશેષ કોર્ટે વિસ્ફોટ સાથે જોડાયેલા કેસની સુનાવણી કરી હતી. આ કેસમાં એનઆઈએની વિશેષ અદાલતે અસીમાનંદ સહિત તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. કોર્ટે પુરાવાના અભાવે તમામને છોડી મૂકવાનો આદેશ કર્યો છે. હૈદરાબાદમાં વર્ષ 2007માં જુમાની નમાઝ વખતે થયેલા બ્લાસ્ટમાં નવ લોકોનાં મોત થયા હતા, જ્યારે 58 લોકો ઘાયલ થયા હતા. આ કેસની ગંભીરતાને લઇને કોર્ટ પરિસર આસપાસ મોટી સંખ્યામાં સુરક્ષાકર્મીઓને ગોઠવી દેવામાં આવ્યા હતા.

18મી મે 2007ના રોજ જુમાની નમાઝ દરમિયાન હૈદરાબાદની મક્કા મસ્જિદમાં એક બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં 9 લોકોનાં મોત થયા હતા, જ્યારે 58 લોકો ઘાયલ થયા હતા. આ બ્લાસ્ટ બાદ પોલીસ દેખાવકારોને ખસેડવા માટે હવામાં ફાયરિંગ કર્યું હતું, જેમાં પાંચ લોકોનાં મોત થયા હતા. આ કેસમાં 160 સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા હતા.

તપાસ બાદ આ કેસમાં દસ લોકોને આરોપી બનાવાયા હતા. જેમાં સ્વામી અસીમાનંદ સહિત દેવેન્દ્ર ગુપ્તા, લોકેશ શર્મા ઉર્ફે અજય તિવારી, લક્ષ્મણ દાસ મહારાજ, મોહનલાલ રતેશ્વર અને રાજેન્દ્ર ચૌધરીનો સમાવેશ થાય છે. બે આરોપી રામચંદ્ર કાલસાંગરા અને સંદીપ ડાંગે હાલ ફરાર છે. એક મુખ્ય આરોપી અને આરએસએસના કાર્યવાહક સુનીલ જોશીની તપાસ દરમિયાન જ ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી.

અસીમાનંદને 23મી માર્ચ 2017ના રોજ જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. અસીમાનંદને અજમેર બ્લાસ્ટ કેસમાં પહેલા જ છોડી મૂકવામાં આવ્યા છે. સાથે જ માલેગાંવ અને સમજૌતા બ્લાસ્ટમાં પણ તેમને જામીન આપી દેવામાં આવ્યા છે.
First published: April 16, 2018
વધુ વાંચો
अगली ख़बर