'કિંગમેકર' માયાવતી! સોનિયા ગાંધી અને દેવગૌડાને ગઠબંધન માટે સમજાવ્યા!

માયાવતી (ફાઇલ તસવીર)

 • Share this:
  એક તરફ કર્ણાટક ચૂંટણીના પરિણામો સામે આવી રહ્યા હતા અને બીજી તરફ રાજકીય નેતાઓના ફોન રણકી રહ્યા હતા. કર્ણાટકમાં ત્રિશંકુ પરિણામ આવવાની શક્યતા જોતા જ બસપાના સુપ્રીમો માયાવતીએ એક ફોન જેડી-એસ ચીફ એચડી દેવગૌડા અને બીજો ફોન કોંગ્રેસના ચેરપર્સન સોનિયા ગાંધીને કર્યો હતો. તેમણે જ કોંગ્રેસ અને જેડી-એસને ભાજપ કર્ણાટકમાં સરકાર રચવા માટે કોઈ જોડ-તોડ કરે તે પહેલા ગઠબંધન કરવાની સલાહ આપી હતી. એટલે કહી શકાય કે કર્ણાટકમાં માયાવતીએ 'કિંગમેકર'ની ભૂમિકા નિભાવી હતી.

  ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે માયાવતીએ ત્રિશુંકુ પરિણામ જોતા બંને નેતાઓને ફોન કરવાની પહેલ કરી હતી. એટલું જ નહીં બંને પક્ષોને જોડાણ કરીને અહીં સરકાર બનાવવાની વાત કરી હતી. નોંધનીય છે કે કર્ણાટક ચૂંટણી માટે માયાવતીએ જેડી-એસ સાથે પહેલાથી જ જોડાણ કર્યું હતું જ્યારે કોંગ્રેસે અહીં કોઈ સાથે જોડાણ ન કરતા એકલા હાથે ચૂંટણી લડી હતી.

  બસપાએ કર્ણાટકની ચૂંટણીમાં જેડી-એસ સાથે જોડાણ કરતા 20 બેઠક પર તેમના ઉમેદવાર ઉભા રાખ્યા હતા. કર્ણાટકની ચૂંટણીમાં માયાવતીએ ચાર ચૂંટણી સભા પણ કરી હતી. જોકે, આ વખતે અહીં બસપાનો વોટ શેર ઘટ્યો હતો, છતાં તેનો એક ઉમેદવાર ચૂંટણી જીત્યો છે. બસપાના સૂત્રોના જણાવ્યા પ્રમાણે કર્ણાટકમાં કોઈ પણ પક્ષની સરકાર ન બનતી હોવાનું માલુમ થયા બાદ માયાવતીએ તેના નજીકના તેમજ રાજ્ય સભાના સાંસદ અશોક સિદ્ધાર્થને કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદ સાથે મુલાકાત કરવાનું કહ્યું હતું. અશોક સિદ્ધાર્થ કર્ણાટકમાં બસપાના ઇન્ચાર્જ છે.

  આઝાદે બાદમાં આ વાત સોનિયા ગાંધી સુધી પહોંચાડી હતી. આ દરમિયાન માયાવતીએ જેડી-એસના ચીફ દેવગૌડા સાથે વાત કરીને તેમને કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા માટે સમજાવ્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે માયાવતીએ સોનિયા ગાંધી સાથે પણ વાતચીત કરીને તેમને જેડી-એસને સમર્થન આપવા માટે સમજાવ્યા હતા.

  રાજકીય નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે 2019ની લોકસભાની ચૂંટણી પહેલા બીજેપીને રોકવા માટે માયાવતી કોંગ્રેસ સાથે જોડાણ કરીને વિપક્ષને વધારે મજબૂત કરવા માંગે છે. નિષ્ણાતોને જણાવ્યા પ્રમાએ આ કવાયતથી માયાવતીને ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં દલિત તેમજ મુસ્લિમ વોટબેંકને પોતાની તરફ આકર્ષવામાં મદદ મળશે.
  Published by:Vinod Zankhaliya
  First published: