ભારતમાં અનેક મોટા હુમલાને અંજામ આપનારા આતંકી મસૂદ અઝહરને હવે વૈશ્વિક આતંકી જાહેર કરવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોથી ભારતના પ્રયાસો બાદ વચ્ચે આવતા ચીને પણ પોતાનો વિરોધ પાછો ખેંચતા હવે UNની સુરક્ષા પરિષદમાં મસૂદને વૈશ્વિક આતંકી જાહેર કરવામાં આવ્યો છે.
આતંકવાદ વિરૂદ્ધ લડાઇ લડતા ભારતને આજે મોટી જીત મળી છે. એક લાંબી ચર્ચા બાદ સંયુક્ત રાષ્ટ્રની સિક્યોરિટી કાઉન્સિલ જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરને ગ્લોબલ આતંકી જાહેર કર્યો છે. અત્યાર સુધી ચીન આ મુદ્દે વીટો લગાવતું રહ્યું હતું પરંતુ હવે આતંરરાષ્ટ્રીય દબાણના કારણે ચીન પોતાના વીટોને હટાવવા તૈયાર થઇ ગયું છે.
ડિપ્લોમેટિક રીતે ભારત માટે આ જીત ઐતિહાસિક પણ છે. કારણ કે, આવું પહેલીવાર થઇ રહ્યું છે જ્યારે કોઇ આતંકીને જમ્મુ-કાશ્મીરમાં કોઇ હુમલા માટે જવાબદાર ગણીને ગ્લોબલ આતંકી જાહેર કરવામાં આવશે. અત્યાર સુધી ભારતના જે દુશ્મનોને ગ્લોબલ આતંકી બનાવવામાં આવ્યા, તેમાં લશ્કર-એ-તૌયબાના ચીફ હાફિઝ સઇદ સામેલ છે. હાફિઝ સામે જમ્મુ-કાશ્મીરમાં નહીં મુંબઇમાં હુમલો કરવાનો આરોપ છે. પરંતુ મસૂદ અઝહરનો કેસ આનાથી અલગ છે.
પાકિસ્તાનના આતંકી મસૂદ અઝહરનો આખો ઇતિહાસ જમ્મુ-કાશ્મીરથી જ શરૂ થાય છે, પછી તે કંધાર કાંડ હોય કે પછી પુલવામામાં થયેલો મોટો આતંકી હુમલો. હકીકતમાં 90ના દાયકાથી જ મસૂદ અઝહર જમ્મુ-કાશ્મીરમાં એક્ટિવ રહ્યો છે. 1994માં તેની શ્રીનગરથી ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ કંધાર કાંડ બાદ ભારત સરકારે તેને મુક્ત કરવો પડ્યો. ત્યારબાદથી જ તે ભારત માટે ચિંતાનો વિષય બની ગયો. ભારતની જેલમાંથી મુક્ત થયા બાદ મસૂદ અઝહરે જૈશ-એ-મોહમ્મદ નામનું આતંકી સંગઠન તૈયાર કર્યુ, જેણે ભારતમાં અનેક આતંકી ઘટનાઓને અંજામ આપ્યો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર