શું બધા ધર્મો માટે મહિલાઓની લગ્નની ઉંમર 21 વર્ષ કરાશે? જાણો, શું કહે છે કાયદો
ભારત સરકારે 18થી વધારીને 21 વર્ષ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે
Marriage Act in India - કેન્દ્રીય કેબિનેટે (Central Cabinet) મહિલાઓ માટે લગ્નની કાયદેસર લઘુત્તમ વય (Legal Marriage Age for Women in India) 18થી વધારીને 21 વર્ષ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે
કેન્દ્રીય કેબિનેટે (Central Cabinet) મહિલાઓ માટે લગ્નની કાયદેસર લઘુત્તમ વય (Legal Marriage Age for Women in India) 18થી વધારીને 21 વર્ષ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) 15 ઓગસ્ટ, 2020ના રોજ આ પ્રસ્તાવની જાહેરાત કરતી વખતે આ માહિતી આપી હતી. હાલમાં દેશમાં પુરુષો માટે લગ્નની લઘુત્તમ વય 21 વર્ષ છે, જ્યારે મહિલાઓ માટે 18 વર્ષ છે. સરકારે ઉંમર વધારવા પાછળનું કારણ મહિલાઓનું સ્વાસ્થ્ય અને કુપોષણ જણાવ્યું હતું.
આ મામલે ટાસ્ક ફોર્સની રચના વિશે માહિતી આપતાં નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે 2020-21ના તેમના બજેટ ભાષણમાં કહ્યું હતું કે 1978માં શારદા એક્ટ 1929માં ફેરફાર કરીને મહિલાઓની લગ્નની ઉંમર 15 વર્ષથી વધારીને 18 વર્ષ કરવામાં આવી હતી. તાજેતરમાં મહિલાઓ માટે લગ્નની ઉંમર વધારવાની દરખાસ્તનું કારણ સમજાવતાં તેમણે કહ્યું કે હવે ભારત વધુ પ્રગતિ કરી રહ્યું છે, ત્યારે મહિલાઓ માટે ઉચ્ચ શિક્ષણ મેળવવા અને કારકિર્દી બનાવવાની તકો પણ વધી છે.
હાલ શું કહે છે કાયદો?
તમને જણાવી દઈએ કે વર્તમાન કાયદા અનુસાર દેશમાં પુરુષો માટે લગ્નની લઘુત્તમ ઉંમર 21 અને મહિલાઓ માટે 18 વર્ષ છે. હવે સરકાર બાળ લગ્ન નિષેધ અધિનિયમ, સ્પેશિયલ મેરેજ એક્ટ અને હિંદુ મેરેજ એક્ટમાં સુધારો કરશે, જેના પછી છોકરીઓના લગ્નની લઘુત્તમ ઉંમર 18થી વધીને 21 વર્ષ થશે. ભારતીય ક્રિશ્ચિયન મેરેજ એક્ટ 1872, પારસી મેરેજ એન્ડ ડિવોર્સ એક્ટ 1936, સ્પેશિયલ મેરેજ એક્ટ 1954 અને હિંદુ મેરેજ એક્ટ 1955 તમામ મુજબ લગ્ન માટે છોકરાની ઉંમર 21 વર્ષ હોવી જોઈએ અને છોકરીની ઉંમર 18 વર્ષ હોવી જોઈએ. આમાં ધર્મ અનુસાર કોઈ ફેરફાર કે છૂટ આપવામાં આવી નથી. હાલમાં, બાળ લગ્ન પ્રતિબંધ કાયદો 2006 અમલમાં છે. જે મુજબ 21 અને 18 વર્ષ પહેલાના લગ્નને બાળ લગ્ન ગણવામાં આવશે. આમ કરવાથી અને તે કરાવવા પર બે વર્ષ સુધીની જેલ અને એક લાખ સુધીનો દંડ થઈ શકે છે.
મહિલાઓ માટે લગ્નની ઉંમર વધારવા માટે સરકાર હિંદુ મેરેજ એક્ટ, 1955ના સેક્શન(3), સ્પેશ્યલ મેરેજ એક્ટ 1954 અને પ્રોહિબિશન ઑફ ચાઇલ્ડ મેરેજ એક્ટ, 2006માં સુધારો કરશે. આ ત્રણેયમાં સંમતિ સાથે મહિલાઓ માટે લગ્નની લઘુત્તમ ઉંમર 18 વર્ષ અને પુરુષો માટે 21 વર્ષ હોવાનો ઉલ્લેખ છે.
અમુક કાયદાકિય સવાલો
હવે સરકારના આ નિર્ણય બાદ ઘણા લોકોના મનમાં અમુક સવાલો ઊભા થઇ રહ્યા છે. જેમ કે, દેશમાં સગીર થવાની ઉંમર 18 વર્ષ છે અને કોઇ મહિલા 18 વર્ષથી વધુ અને 21 વર્ષથી ઓછી ઉંમરે લગ્ન કરે છે તો તેના લગ્નને માન્ય કરવામાં આવશે?
બીજો સવાલ તે પણ છે કે જો 18 વર્ષથી વધુ પરંતુ 21 વર્ષથી ઓછી ઉંમરની મહિલા તેની સંમતિથી સંબંધ બનાવે છે તો શું તે લગ્ન માટે પ્રસ્તાવિત ઉંમર(21 વર્ષ)થી ઓછી ઉંમરે આવું કરવા પર તેના પાર્ટનર પર દુષ્કર્મનો કેસ થઇ શકે છે? તો ચાલો આ સવાલોના જવાબ જાણીએ.
2006માં સુપ્રીમ કોર્ટે લતા સિંહ વિરુદ્ધ ઉત્તર પ્રદેશ રાજ્યમાં ચુકાદો આપ્યો હતો કે, "જો કોઈ મહિલા સગીર હોય, તો તે તેની પસંદગીની કોઈપણ વ્યક્તિ સાથે લગ્ન કરી શકે છે અથવા તેની પસંદગીની કોઈપણ વ્યક્તિ સાથે રહેવા માટે સ્વતંત્ર છે.'
સર્વોચ્ચ અદાલતે ઘણી વખત કહ્યું છે કે 18 કે તેથી વધુ વયના બે પુખ્ત વયના લોકો તેમની સંમતિથી 'લિવ-ઇન પાર્ટનર' તરીકે સાથે રહી શકે છે, પછી ભલે તેઓ પરિણીત ન હોય.
લિવ-ઇન રિલેશનશિપને પ્રોટેક્શન ઑફ વુમન ફ્રોમ ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ હેઠળ પણ માન્યતા આપવામાં આવી છે. આ નિયમોથી સ્પષ્ટ થાય છે કે ભલે મહિલાઓની લગ્નની ઉંમર વધારીને 21 વર્ષ કરવામાં આવે, પરંતુ તેમ છતાં પણ મહિલાએ 18 વર્ષનું થવું પડશે.
- બાળ લગ્ન નિષેધ અધિનિયમ 2006ની કલમ 3 મુજબ, જો છોકરો અને છોકરી બંને સગીર એટલે કે 18 વર્ષથી ઓછી ઉંમરના હોય તો બાળ લગ્ન પ્રતિબંધ અધિનિયમ 2006 મુજબ, બાળ લગ્નને રદબાતલ ગણવામાં આવશે.
- જો છોકરો 18 વર્ષથી ઓછી અને છોકરો 18 વર્ષથી વધુની ઉંમરનો હોય તો આવા કિસ્સામાં પણ બાળલગ્નને કારણે તે રદબાતલ ગણાશે. આવા કિસ્સાઓમાં, જો છોકરી ફરિયાદ કરે છે, તો છોકરાને બે વર્ષની જેલ થઈ શકે છે.
- જો છોકરી 18 વર્ષથી ઓછી અને છોકરો 21 વર્ષની ઉંમરનો હોય તો આ કિસ્સામાં પણ લગ્ન રદબાતલ ગણાશે. અને છોકરી કેસ કરે છે તો છોકરાને બે વર્ષની સજા થઇ શકે છે.
-છોકરીની ઉંમર 18થી વધુ અને 21થી ઓછી હશે તો જ્યારે લગ્નની ઉંમર 21 વર્ષ કરવામાં આવશે તો તેનાથી ઓછી ઉંમરે મહિલા લગ્ન કરશે તો બાળ વિવાહ ગણાશે. તેથી તે સગીર હોવા છતા લગ્ન કરવા મુશ્કેલ હશે. જોકે, કાયદો બન્યા બાદ જ વધુ સ્પષ્ટતા થશે.
અમુક અપવાદો જ્યારે બાળ વિવાહને માન્ય કરાયા
ભારતમાં આવા કિસ્સાઓ પણ સામે આવ્યા છે, જ્યારે અદાલતોએ વિવિધ આધારો પર બાળ વિવાહને મંજૂરી આપી હોય. સપ્ટેમ્બર, 2021માં આવા જ એક કેસમાં પંજાબ-હરિયાણા હાઇકોર્ટે નિર્ણય કર્યો હતો કે, સગીર છોકરી સાથેના લગ્ન કાયદેસર રીતે માન્ય રહેશે, જો સગીર છોકરી 18 વર્ષની ઉંમર પછી પણ લગ્નને અમાન્ય જાહેર ન કરે અથવા આવું કરવા માટે કોર્ટમાં ન જાય.
આ સિવાય ઓગસ્ટ 2010માં દિલ્હી હાઈકોર્ટે 18 વર્ષથી ઓછી ઉંમરના છોકરા અને 16 વર્ષથી ઓછી ઉંમરની છોકરીના કેસમાં પણ આ બે સગીરોના લગ્નને માન્યતા આપી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર