આસામમાં બ્રહ્મપુત્ર નદી પર બનેલા બીગીબીલ બ્રિજનું મંગળવારે પીએમ મોદી ઉદ્ઘાટન કરશે. 4.9 કિલોમીટર લાંબા આ પુલની મદદથી આસામના તિનસુકિયાથી અરુણાચલ પ્રદેશના નાહરલગુન સુધીની રેલ મુસાફરીમાં લાગતા સમયમાં 10 કલાકથી વધુનો ઘટાડો થવાની આશા છે.
સરકાર સતત આ બ્રિજના વખાણ કરી રહ્યું છે. સરકારનું કહેવું છે કે તેનાથી આર્થિક વિકાસ ઉપરાંત સુરક્ષા વધશે અને કનેક્ટિીવિટી પણ વધશે. પરંતુ આસામના કેટલાક લોકો તેનાથી નાખુશ પણ નજરે પડી રહ્યા છે.
મૂળે, બ્રહ્મપુત્ર નદી પર આ પુલના બન્યા બાદ માછીમારો તેને પોતાની રોજીરોટી માટે ખતરો માની રહ્યા છે. બ્રહ્મપુત્ર નદીના ઉત્તરી અને દક્ષિણી કિનારાથી લગભગ 40 બોટ ચાલે છે. આ બોટ દ્વારા લોકોની સાથોસાથ ટુ-વ્હીલર અને કાર જેવા સામાનને નદીની બીજી તરફ પહોંચાડવાામાં આવે છે. બે બોટનું સંચાલન રાજ્ય સરકાર કરે છે જ્યારે બાકીનું સંચાલન સ્થાનિક લોકો કરે છે. આ બોટ સંચાલનમાં ત્રણ લોકો લાગેલા હોય છે. આ માછીમારોનું માનવું છે કે બોગીબીલ બ્રિજના કારણે તેમની રોજી રોટી છીનવાઈ જશે.
આ ઉપરાંત બ્રિજના નામને લઈને પણ અલગ-અલગ વર્ગોમાં અસંતોષ છે. આસામના અલગ-અલગ વર્ગો દ્વારા લગભગ 7 અલગ-અલગ નામની ભલામણ કરવામાં આવી હતી. જ્યાં એક તરફ સુતિયા સમુદાયના લોકો ઈચ્છતા હતા કે બ્રિજનું નામ તેમના રાજવંશની રાણી સતી સાધિનીના નામ પર રાખવામાં આવે તો બીજી તરફ તાઈ-અહોમ સમુદાયના લોકો ઈચ્છતા હતા કે 600 વર્ષ પહેલાં અહોમ રાજવંશની સ્થાપના કરનારા ચાઓલાંગ સિઉ-કા-ફાનું નામ રાખવામાં આવે. દેવરી અને મિસિંગ જનજાતીઓના લોકો પણ ઈચ્છતા હતા કે બ્રિજનું નામ તેમના નેતાઓ ભીમબોર દેઉરી અને સ્વાહિદ કમલા મિરીના નામ પર રાખવામાં આવે.
જોકે, સરકારનો તર્ક છે કે બ્રિજ શરૂ થવાથી વાહનોની અવર-જવરમાં સરળતા થશે સાથોસાથ ધેમાજીના લોકોને મોટી હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાન અને ડિબ્રૂગઢ એરપોર્ટ જવા માટે સરળતા રહેશે. હોડીથી નદી પાર કરવામાં 45 મિનિટથી બે કલાક સુધી સમય લાગે છે, પરંતુ પુલ શરૂ થવાથી એક તરફથી બીજી તરફ જવામાં માત્ર 10 મિનિટનો સમય લાગશે. સમયની સાથોસાથ પૈસાની પણ બચત થશે.
આ પુલથી આસામમાં ડિબ્રૂગઢ અને અરુણાચલ પ્રદેશમાં પાસીઘાટની વચ્ચે અવર-જવર સરળ થશે. દિલ્હીથી ડિબ્રૂગઢ જનારી ટ્રેનનો સમય પણ ત્રણ કલાક બચશે. હાલ 37 કલાક લાગે છે, આ માર્ગથી 34 કલાક લાગશે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર