કર્ણાટક ચૂંટણી પ્રચાર દરમિયાન વિવિધ સભાઓમાં વડાપ્રધાન મોદીએ જે પ્રકારની ભાષાનો ઉપયોગ કર્યો હતો તેનાથી પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘ ખૂબ જ નારાજ થયા છે. તેમણે પોતાની નારાજગી વ્યક્ત કરતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને એક પત્ર લખીને વિનંતી કરી છે કે વડાપ્રધાન મોદીને કોંગ્રેસના કોઈ નેતાઓ કે અન્ય કોઈ વિરુદ્ધ અશોભનિય તેમજ ધમકીભરી ટિપ્પણી કરતા રોકવામાં આવે. તેમણે લખ્યું છે કે આવી વાતો વડાપ્રધાન પદે બીરાજમાન વ્યક્તિને શોભા નથી દેતી.
અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ તરફથી 13 મેના રોજ રાષ્ટ્રપતિને મોકલવામાં આવેલા પત્રમાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘ, વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ, આનંદ શર્મા, પક્ષના કોષાધ્યક્ષ મોતીલાલ વોરા, મહાસચિવ અશોક ગેહલોત, વરિષ્ઠ નેતા અહેમદ પટેલ, પૂર્વ નાણા મંત્રી પી.ચિદમ્બરમ સહિત વરિષ્ઠ નેતાઓના હસ્તાક્ષર છે.
"કોંગ્રેસ દેશની સૌથી મોટી પાર્ટી છે તેમજ અનેક પડકારો અને ધમકીઓનો સામનો કરી ચુકી છે. આવા પડકારોનો સામનો કરતા કોંગ્રેસના નેતૃત્વએ હંમેશા નિડરતાનો પરિચય કરાવ્યો છે. અમે એક વાત સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે આ પ્રકારની ધમકીઓ સામે પાર્ટી કે અમારું નેતૃત્વ હાર નહીં માની લે."
રાષ્ટ્રપતિને મોકલવામાં આવેલા આ પત્રમાં લખવામાં આવ્યું છે કે આ પહેલા દેશના જેટલા પણ વડાપ્રધાન હતા તેમણે જાહેર અને ખાનગી કાર્યક્રમોમાં મર્યાદાનું પાલન કર્યું છે. એવો વિચાર પણ ન આવે કે વડાપ્રધાન પદે બિરાજમાન વ્યક્તિ મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસના નેતાઓ અને સભ્યો વિરુદ્ધ આવા શબ્દોનો પ્રયોગ કરશે.
રાષ્ટ્રપતિને લખવામાં આવેલા પત્રમાં મનમોહનસિંઘે કર્ણાટકના હુબલીમાં છઠ્ઠી મેના રોજ વડાપ્રધાન મોદીના ચૂંટણી ભાષણનો ઉલ્લેખ કર્યો છે. રેલીમાં મોદીએ કહ્યું હતું કે, 'કોંગ્રેસના નેતાઓ કાન સરવા કરીને સાંભળી લે, જો મર્યાદા ઓળંગશો તો ભૂલતા નહીં આ મોદી છે, મુશ્કેલીમાં મૂકાઈ જશો.'
આ પત્રમાં લખવામાં આવ્યું છે કે વડાપ્રધાન તરફથી કોંગ્રેસના નેતાઓને આપવામાં આવેલી ધમકી નિંદાજનક છે. 125 કરોડની વસતીવાળા લોકતાંત્રિક દેશના વડાપ્રધાનને આવી ભાષા શોભા નથી દેતી. ખાનગી કે જાહેર જીવનમાં આવી ભાષા સ્વીકાર્ય નથી.
મનમોહનસિંઘે લખેલો પત્ર
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર